Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

આત્મીય કોલેજના છાત્ર દિવ્યેશને બાબરાના લાલકાનો 'તબલચી' સુરેશ મંડીર ગાંજો આપતો હતોઃ ધરપકડ

દોઢેક મહિના પહેલા જસદણ પંથકના ડાયરામાં સુરેશને ચલમ પીતા જોઇ દિવ્યેશે પણ પીધી'તી...એ પછી તેનો કોન્ટેકટ કરી ગાંજો મંગાવવાનું શરૂ કર્યુ'તું: દિવ્યેશ અને હર્ષના આજે રિમાન્ડ પુરાઃ એસઓજીની ટીમે સુરેશને દબોચી વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ આદરીઃ સુરેશ પાસેથી બે વખત ગાંજો લાવ્યાનું દિવ્યેશનું રટણઃ સુરેશ ડાયરાઓમાં સાધુઓને મળતો હોઇ તેમના મારફત પહેલા ગાંજો ફૂંકવાના રવાડે ચડ્યો, પછી છુટક-છુટક વેંચવા માંડ્યો

રાજકોટ તા. ૩૦: શહેર એસઓજીએ શનિવારે ગાંજા સાથે આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને ઝડપી લીધા હતાં. બંનેના આજ સોમવાર સુધી રિમાન્ડ મળ્યા હતાં. વિશેષ પુછતાછમાં સુત્રધાર દિવ્યેશે પોતે બાબરાના લાલકા ગામે રહેતાં અને ડાયરામાં તબલા વગાડવાનું કામ કરતાં બ્રાહ્મણ શખ્સ પાસેથી ગાંજો લાવ્યાનું કહેતાં એસઓજીની ટીમે આ તબલચીને દબોચી લીધો છે. તેણે દિવ્યેશને બે વખત ગાંજો આપ્યાનું રટણ કરી રહ્યો છે.  તે કોની પાસેથી ગાંજો લઇ વિદ્યાર્થીને આપતો હતો? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં હાલ વીઆઇપીની અવર-જવર હોઇ એસઓજીની ટીમે હોટેલ, ઢાબા, વાહનોનું ચેકીંગ શરૂ કર્યુ હતું. દરમિયાન મોડી રાતે પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમ ખાસ કામગીરીમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટી મેઇન રોડ પર તુલસી બાગ પાસેથી બે વિદ્યાર્થી માદક પદાર્થ લઇને નીકળવાના છે.

પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમે શનિવારે વહેલી સવારે એકસેસ ટુવ્હીલર  રૂ. ૨૦૪૦૦ની કિંમતનો ૩.૪૦૦ કિ.ગ્રા. ગાંજો લઇને નીકળેલા દિવ્યેશ રમેશભાઇ સોલંકી (રજપૂત) (ઉ.૨૪-રહે. નવોદિતા પાર્ક, શેરી નં. ૨ રાજકોટ, મુળ ભાવનગર) તથા હર્ષ સુનિલભાઇ ગાંધી (વણિક) (ઉ.૧૯-રહે.  ગાયત્રી બંગલોમાં આવેલ નીલગ્રીવ મકાનની બાજુનું મકાન, સનસીટી સામે સાધુ વાસવાણી રોડ)ને પકડી લઇ કુલ રૂ.૧,૫૫,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બંને આત્મીય કોલેજના છાત્રો હોવાનું અને છુટક છુટક ગાંજો મંગાવી છાત્રોને જ વેંચતા હોવાનું પણ રટણ કર્યુ હતું. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં આજ સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મળ્યા હતાં.

સુત્રધાર દિવ્યેશ સોલંકીએ વિશેષ પુછતાછમાં પોતે બાબરાના લાલકા ગામના તબલચી બ્રાહ્મણ શખ્સ સુરેશ અમૃતલાલ મંડીર (ઉ.૪૫) પાસેથી ગાંજો લાવ્યાનું કહેતાં એસઓજી ટીમના પીએસઆઇ કે. બી. ખાચર, હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, નરેન્દ્રભાઇ ગઢવી, હિતેષભાઇ રબારી, નિખીલભાઇ સહિતની ટીમ લાલકા પહોંચી હતી અને તબલચી સુરેશને ઉઠાવી લઇ રાજકોટ લાવી ધરપકડ કરી હતી.

સુરેશે એવું રટણ કર્યુ છે કે પોતે જુદા-જુદા ડાયરાઓમાં તબલા વગાડવા જતો હોઇ અમુક સ્થળોએ કેટલાક સાધુનો સંગાથ થયો હતો. જે ગાંજાની ચલમ ફૂંકતા હોઇ એક વખત પોતે પણ ચલમ ફૂંકી હતી અને બાદમાં તેનું બંધાણ થઇ ગયું હતું. એ પછી છુટક-છુટકા ગાંજો વેંચવાનું ચાલુ કર્યુ હતું. દોઢ-બે મહિના પહેલા જસદણ પંથકમાં એક ડાયરો હતો તેમાં દિવ્યેશ સોલંકીનો ભેટો થયો હતો. પોતે ત્યારે ગાંજાની ચલમ ફૂંકતો હોઇ દિવ્યેશ જોઇ જતાં પોતે પણ બંધાણી હોવાનું કહેતાં તેને પણ ચલમ આપી હતી. જે તે વખતે એક બીજાના ફોન નંબર લીધા હતાં. એ પછી દિવ્યેશે પોતાને ગાંજો જોઇએ છે તેવી વાત કરતાં ૬૦૦-૭૦૦ ગ્રામ  ગાંજો તે લઇ ગયો હતો. ત્યારબાદ છેલ્લે તે ઝડપાયો તેના આગલા દિવસે ગાંજો લઇ ગયો હતો. આમ બે વખત દિવ્યેશ ગાંજો લઇ ગયો હતો.

પોલીસે સુરેશની આ કેફીયત ચકાસવા અને તે પોતે કોની પાસેથી ગાંજો લઇ આવે છે? તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ દિવ્યેશ અને હર્ષના આજે સાંજે રિમાન્ડ પુરા થયે કોર્ટ હવાલે કરવામાં આવશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, નરેન્દ્રભાઇ ગઢવી, વિજયભાઇ શુકલ,  હિતેષભાઇ રબારી, નિખીલભાઇ પીરોજીયા સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

(1:18 pm IST)