Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજયનો યુવાન વૈશ્વિક મંચ પર છવાય, તે માટે રાજય સરકાર કટિબદ્ઘ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ટેબ્લેટ વિતરણ સહિતના કાર્યક્રમોનો શુભારંભ : વિકાસનો પર્યાય બનેલા ગુજરાતની પ્રગતિમાં યુવાનોનું પ્રશસ્ય પ્રદાન : સંશોધન આધારિત શિક્ષણવ્યવસ્થા સમગ્ર રાજયમાં અમલી બનાવાઇ છે : રાજયનો યુવાન નોકરીવાંચ્છું નહીં, નોકરીદાતા બનવો જોઈએઃ વરસતા વરસાદ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ યુવક મહોત્સવ, આઇ.એ.એસ.ટ્રેનીંગ સેન્ટર, એલ્યુમની એસોસીએશન, સી.સી.ડી.સી. લાઇબ્રેરી અને રાષ્ટ્રીય પરિસંવાદનો શુભારંભ, પુસ્તક વિમોચન કરાવ્યા

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવ અને ઈ-ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્દઘાટન કર્યુ હતું. યુવક મહોત્સવની ઝલક અને મુખ્યમંત્રી વિજયભાઈનું અભિવાદન કરતા સીન્ડીકેટ સભ્યો અને અધિકારીઓ તેમજ નીચે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૩૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા છાત્રોને 'નમો ઈ-ટેબલેટ'નું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત યુવા છાત્રોને ઉત્સાહનો પાનો ચડાવતાં કહ્યું હતું કે રાજયના યુવાનોએ વૈશ્વિક મંચ પર છવાઇ જવા માટે મચી પડવું જોઈએ, આ માટે રાજય સરકારના તમામ સહયોગની મુખ્યમંત્રીશ્રીએ ખાતરી ઉચ્ચારી હતી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વિકાસનો પર્યાય બનેલા ગુજરાતની પ્રગતિમાં યુવાનોના પ્રશસ્ય પ્રદાનની સરાહના કરી હતી, અને નવરાત્રિના પ્રથમ દિવસથી શરૂ થતો યુવક મહોત્સવ યુવાનોમાં નવી ચેતના જગાવનાર સાબિત થશે, એવો આશાવાદ પ્રગટ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજયની શિક્ષણ નીતિ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં સંશોધન આધારિત શિક્ષણ વ્યવસ્થા અમલી બનાવાઇ છે, સ્ટાર્ટ-અપ પોલિસી થકી વધુ ને વધુ યુવાનો આગળ આવે તથા નવી નવી પેટન્ટ ગુજરાતના યુવાનોના નામે નોંધાય તેવી લાગણી પણ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યકત કરી હતી. ઉદ્યોગ કેન્દ્રિત રાજયની ઓળખ ધરાવતા ગુજરાતનો યુવાન નોકરી મેળવવા માટે નહીં, પરંતુ નોકરીનું સર્જન કરવા માટે પ્રેરિત થાય અને બેરોજગારી નિર્મૂલનમાં પોતાનો સહયોગ આપે, એવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રજૂ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નોરતાના પ્રથમ દિવસે શરૂ થતાં યુવક મહોત્સવમાં ભાગ લેતા યુવાનોને શુભકામના પાઠવી હતી, અને ઉમેર્યું હતું કે મા સરસ્વતીની ઉપાસના માટેનો યજ્ઞ અવિરત ચાલુ રહેવો જોઈએ. મુખ્યમંત્રીએ પોતાના જીવનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રદાનનો નતમસ્તકે ઋણ સ્વીકાર કર્યો હતો.

વડાપ્રધાનશ્રી મોદીના આશા ભરેલા 'નયા ભારત'ના નિર્માણમાં રાજયનો યુવાન નિર્ણાયક ભૂમિકા ભજવવા આગળ આવે, તેવી હિમાયત મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત છાત્રોને કરી હતી. રાજયસરકારે વિતરિત કરેલા 'નમો ઇ- ટેબ્લેટ'નો સદુપયોગ કરવા મુખ્યમંત્રીશ્રીએ છાત્રોને આગ્રહ કર્યો હતો તથા રાજય સરકાર દ્વારા અમલી બનાવેલ વિવિધ વિદ્યાર્થીલક્ષી યોજનાઓની ટુંકી વિગતો તેમના વકતવ્યમાં વણી લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિદેશી છાત્રોને આકર્ષવા માટેની નવી પ્રોત્સાહક શિક્ષણ નીતિ જાહેર કરતાં કહ્યું હતું કે હાલ રાજયમાં અભ્યાસ કરી રહેલા બે હજાર વિદેશી છાત્રો વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે રાજયમાં વધુને વધુ વિદેશી છાત્રો અભ્યાસ અર્થે આવે, તે જોવા રાજય સરકાર પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના બંદરોને ધમધમતા બનાવવા માટે ખાનગી જેટીને મંજૂરી આપવાનેI ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગોને ઉત્ત્।ેજન આપવા રાજય સરકાર મક્કમ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરાયું. ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ સ્વાગત પ્રવચનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાયર્િIન્વત કરાયેલા વિવિધ પ્રકલ્પોની વિગતો રજૂ કરી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવા શરૂ કરાયેલા આઇ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટરનો મુખ્યમંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો. આ સેન્ટર માટે યોગદાન આપનાર જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના શ્રી દ્યેવરચંદ અને સંસ્થામાંથી આઇ.એ.એસ.ની પરીક્ષા પાસ કરનારા છાત્રોનું મુખ્યમંત્રીશ્રીએ બહુમાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવ 'ઇન્દ્રધનુષ-૨૦૧૯'ને પણ ખુલ્લો મુકયો હતો. આંકડાવિભાગના રાષ્ટ્રીય પરિસંવાદનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભારંભ થયો. શ્રીમતિ ચેતનાબેન વ્યાસ દ્વારા લિખિત પુસ્તક 'યોગ-વિયોગ'નું પણ મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું. સૌરાષ્ટ્ર એલ્યુમની એસોસીએશન તથા સી.સી.ડી.સી.લાઇબ્રેરીનો પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

ઉચ્ચ શિક્ષણ સચિવ શ્રી અંજુ શર્માએ ઙ્કનમો ઈ ટેબ્લેટના વિવિધ ફીચર્સની માહિતી આપી હતી, તથા કુલપતિશ્રી નીતિન પેથાણીએ પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિધ્ધિઓ વર્ણવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં નિધન પામેલા સરયુબેન શેઠ અને પૂર્વ કોર્પોરેટરશ્રી સ્વ. ભગવાનજીભાઇ ચાવડાને તેમના નિવાસસ્થાને જઇને શ્રધ્ધાંજલિ આપી હતી.

આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, પુર્વકુલપતિ મહેન્દ્ર પાડલીયા, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નિતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મિરાણી, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધૃવ, મેહુલભાઈ રૂપાણી, નેહલ શુકલા, સિન્ડીકેટ સભ્યો, સેનેટના સભ્યોશ્રીઓ, વિવિધ ભવનોના વડાઓ, કોલેજના પ્રિન્સીપાલો, અધ્યાપકો, યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલનશ્રી નેહલ શુકલએ કર્યું હતું.(૩૭.૫)

(1:15 pm IST)