Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પુનિતનગર પાણીના ટાંકા પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં કાઠી પ્રોઢ હકુભા વાળાનું મોત

કાઠી પરિવારમાં શોકની કાલીમાઃ ટ્રક ચાલકને પોલીસે સકંજામાં લીધો

રાજકોટ તા. ૩૦: દોઢસો ફુટ રીંગ રોડ પર પાણીના ટાંકા પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં પુનિતનગરના કાઠી પ્રોઢનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ પુનિતનગરમાં રહેતાં હકુભા કનુભા વાળા (ઉ.૫૫) નામના કાઠી પ્રોઢ સવારે અગિયારેક વાગ્યે પોતાનું મોટરસાઇકલ હંકારીને ઘરેથી નીકળ્યા ત્યારે પુનિતનગર પાણીના ટાંકા પાસે પહોંચ્યા ત્યારે ટ્રકની ઠોકર લાગી જતાં રોડ પર ફંગોળાઇ ગયા હતાં અને પાછલા વ્હીલમાં આવી જતાં છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ. આર. સોલંકી અને રમેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે ટ્રક ચાલકને સકંજામાં લીધો હતો.

મૃત્યુ પામનાર હકુભા સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં અને સવારે નોકરીએ જવા જ નીકળ્યા હતાં અને કાળ ભેટી ગયો હતો. સંતાનમાં બે પુત્રી છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો છે.

(4:04 pm IST)