Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સોરઠીયાવાડીમાં રહેતાં વિધવા કિરણબેન ધોળકીયાને પૂર્વ મેયર રક્ષાબેનના પતિ રઘુ બોળીયાની ધમકી

મકાન માલિક સંદિપભાઇ ખોયાણી ભાડુ માંગતા નથી ને બોળીયા પોતે ભાડુઆત હોવા છતાં ડબલ ભાડુ માંગી મકાન ખાલી કરવા ધમકાવે છેઃ ચોંકાવનારા આક્ષેપો સાથે લેખિત પોલીસ ફરિયાદ

રાજકોટ તા. ૩૦: સોરઠીયાવાડી-૧માં 'જીતેન્દ્ર નિવાસ' ખાતે છેલ્લા બાર વર્ષથી ભાડેથી રહેતાં વિધવા મહિલા કિરણબેન કિરીટભાઇ ધોળકીયા (ઉ.૫૨)એ આ જ મકાનના અન્ય ભાડુઆત પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાના પતિ રઘુભાઇ બોળીયા વિરૂધ્ધ મકાન ખાલી કરી ધમકી આપતાં હોવાની લેખિત ફરિયાદ પોલીસ કમિશ્નરશ્રીને કરી છે.

કિરણબેન ધોળકીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે હું બાર વર્ષથી જીતેન્દ્ર નિવાસમાં ભાડેથી રહુ છું અને આ મકાન  માલિક સુશિલાબેન વૃજલાલ કાચા પાસેથી ભાડે રાખેલ હતું. સુશિલાબેનને કોઇ દિકરા નહોતાં અને વિધવા હતાં. એ પછી તેઓ પોતાની અવસ્થાને કારણે તેમની દિકરી સાથે રહેવા જતાં રહ્યા હતાં. બે મહિના પહેલા સુશિલાબેનનું અવસાન થયું છે. તેઓએ એ પહેલા આ મકાન સંદિપભાઇ ખોયાણીના નામનું કર્યુ હતું. રઘુભાઇ બોળીયા અને પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા પણ આ મકાનમાં જ રહે છે. હવે તેઓ ધાકધમકી આપીને મને કહે છે કે આ મકાન અમે ખરીદી લીધુ છું, માટે ભાડુ અમને આપજો. હું નિરાધાર વિધવા મહિલા છું મારા સાસુ સસરા પણ સિત્તેર વર્ષની આસપાસની ઉમરના છે. મુળ માલિક સંદિપભાઇ અમારી પાસે કદી ભાડુ લેવા આવતા નથી.

પણ રઘુભાઇ બોળીયા ભાડુઆત છે તે અમારી પાસેથી ડબલ ભાડાની પઠાણી ઉઘરાણી કરે છે. હું આટલુ ભાડુ આપી શકું તેમ તેને જણાવતાં તે મકાન ખાલી કરી દેવા દબાણ કરે છે. તે મકાન માલિક નથી છતાં આવું કરે છે. કિરણબેને રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે મારે સંતાનમાં ૨૦ વર્ષનો દિકરો છે. હું વધુ ભાડુ ન આપું તો તે મારા દિકારના હાથ પગ ભાંગી નાંખે તેવો ભય છે. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ મુળ મકાન માલિકે પણ તત્કાલીન પોલીસ કમિશ્નરશ્રીને અરજી કરી હતી. તેમજ આ મકાનનાં અન્ય ભાડુઆત આશિષભાઇ હીન્ડોચાને પણ બે વર્ષ પહેલા રઘુભાઇ બોળીયાએ મકાન ખાલી કરી આપવા કહી મારકુટ કરી ધમકી આપી હતી.

કિરણબેને હાલના મકાન માલિક સંદિપભાઇ ખોયાણીને સાથે રાખીને અરજી કરી છે. કિરણબેને અંતમાં જણાવ્યું છે કે મારે મરવા મજબુર થવું પડે તેવા સંજોગો રઘુભાઇ બોળીયાએ ઉભા કર્યા છે. આ બાબતે તાકીદે ન્યાય મળે તેવી આજીજી છે. (૧૪.૧૧)

(4:01 pm IST)