Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

'લોકસાગરનાં મોતી': લોકસંગીતમાં યુવા ધન થયુ રસતરબોળ!

રાજકોટઃ યુવાધન સાત્વિક ગુજરાતી લોકસંગીતમાં રસ લેતું થાય એવા પ્રયાસરૂપે ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર પ્રેરિત એક કાર્યક્રમ 'લોકસાગરનાં મોતી' રાજકોટની સુપ્રસિદ્ધ શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજમાં યોજાઇ ગયો, જેનો ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો. પ્રારંભે પ્રિન્સીપાલ ડો. રાજેશ કાલરિયાએ કાર્યક્રમની ભુમિકા રજુ કરી હતી. પ્રો.યશવંત ગોસ્વામી, પ્રો. સંજય કામદાર અને પ્રો. પ્રેરણા બુચે સ્વાગત, કલાકાર પરિચય વગેરે જવાબદારી નિભાવી હતી. આ તકે પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ ઉપસ્થિતિ દાખવી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપ્યંુ હતું. સંગીત નાટક અકાદમીના ચેરમેન અને સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજ ભટ્ટે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં લોકગાયક નિલેશ પંડયા અને મિત્તલબેન પટેલે લોકગીતો, દુહા-છંદ, લગ્નગીતો અને મેઘાણી ગીતો દ્વારા શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધો હતો. લોકગાયક શાંતિલાલ રાણીંગાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે વિગતે વાતો કરી વિવિધ પ્રસંગો વર્ણવ્યા હતા જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં મગન વાળા, ડો. હરેશ વ્યાસ, રવિ યાદવ, હેમાંગ ધામેચા અને જયરામ બાપુએ વાઘસંગત કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોલેજની ૭ વિદ્યાર્થીનીઓએ લોકગીતો, ભજન રજૂ કરી નવી પેઢી આપણા લોકગીતોમાં રસ લેતી થાઇ છે એ સાબિત કરી દીધું હતું.(૧.૨૭)

(3:57 pm IST)