Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સામા કાંઠાના પ્રદિપગીરીનું ૯.૪૫ લાખનું ચાંદી કારીગર વિશાલ પ્રજાપતિ 'જમી' ગયોઃ ધરપકડ

એપ્રિલ-મે મહિનામાં જોબ વર્ક માટે લઇ ગયેલા ચાંદીમાંથી અમુક માલ પાછો આપ્યોઃ બાકીનું ૪૫ કિલો પાછુ ન આપતાં બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૨: સામા કાંઠાના ચાંદીના ધંધાર્થી બાવાજી યુવાન સાથે પ્રજાપતિ શખ્સે જોબ વર્ક માટે રૂ. ૯,૪૫,૨૯૦નું ચાંદી ગત એપ્રિલ માસમાં લીધા બાદ દાગીના બનાવીને પરત ન આપતાં અને રૂપિયા પણ ન આપતાં તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધી પોલીસે સકંજામાં લીધો છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે પેડક રોડ મારૂતિનગર-૨માં રહેતાં પ્રદિપગીરી જગદીશગીરી ગોસ્વામી (ઉ.૩૮)ની ફરિયાદ પરથી વિશાલ કિશોરભાઇ મોરાણીયા નામના પ્રજાપતિ યુવાન સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે. પ્રદિપગીરીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે તે ગોવિંદબાગ શાક માર્કેટ પાસે દશરથ સિલ્વર આર્ટમાંથી ચાંદીનો કાચો માલ લઇ જોવ વર્કર પાસે ફિટીંગ, સોલ્ડરનું કામ કરવા આપે છે. દશરથ સિલ્વરમાં વિશાલ મોરાણીયા છેલ્લા ઘણા સમયથી ચાંદીના કાચા માલની કારીગરીનું કામ કરતો હતો. બાદમાં ત્યાંનું કામ તેણે છોડી દીધુ હતું અને પ્રદિપગીરી પાસેથી ચાંદીનો માલ લઇ જતો હતો અને સમયસર કામ પતાવી જમા કરાવી જતો હતો. ગત તા. ૧૭ એપ્રિલના રોજ વિશાલને જોબ વર્ક માટે ૪૦ ટચનું ચાંદી ૩૦૫ કિલો  અને ૭૮૪ ગ્રામ આપ્યું હતું. જેમાંથી શિવાલે ૨૮૩ કિલો અને ૫૩૩ ગ્રામ માલ એપ્રિલ મહિનામાં જ પાછો આપી દીધો હતો. ત્યારબાદ ફરીથી તેને મે મહિનામાં ૧૩ કિલો ૮૩૮ ગ્રામ માલ આપ્યો હતો. જેમાંથી તેણે ૨૪૮ કિલો ૫૦૦ ગ્રામ ચાંદી પાછુ આપ્યું હતું. એ પછી સ્ટોકનો માલ જમા કરાવી જવાનું કહેતાં તે વાયદા આપવા માંડ્યો હતો. બાકી નીકળતું રૂ. ૯,૪૫,૩૯૦નું તેની પાસેથી લેવાનું થતું હોઇ વારંવાર ઉઘરાણી કરવા છતાં તેણે બહાના બતાવવાનું શરૂ કર્યુ હતું. કુલ ૪૫ કિલો ૧૫૩ ગ્રામ ચાંદી પણ તેણે પાછુ ન આપતાં અને પૈસા પણ પાછા ન આપતાં અંતે પ્રદિપગીરીએ પોલીસને જાણ કરી હતી.પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએઅસાઇ એમ. એમ. ઝાલા અને કુલદીપસિંહે વિશાલ કિશોરભાઇ મોરાણીયા (ઉ.૨૮-રહે. રણછોડનગર-૩/૫)ની ધરપકડ કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(3:55 pm IST)