Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

આહીર એકતા મંચ દ્વારા સૈનિક સન્માન બાઇક રેલીનું આયોજન

તા.૧થી તા.૩ સુધી રાજુલાથી દ્વારિકા આહીર રેજિમેન્ટ જાગૃતિ રેલી

વી.ડી.બાલા સાથે અર્જુનભાઇ આહીર, જલ્પાબેન પટેલ, સંજય સોલંકી, ડેનિશ શર્મા, ગીતાબેન જોટવા, મુકેશ જોટવા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૩૦: આહીર એકતા મંચ-ગુજરાત દ્વારા સોૈપ્રથમ વાર તારીખ ૧-૯-૨૦૧૮ શનિવાર થી ૩-૯-૨૦૧૮ સુધીની બાઇક રેલી રાજુલા (અમરેલી) થી ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા સુધી ભવ્ય રેલીનું આયોજન કરેલ છે. આ રેલી તારીખ ૧-૯-૨૦૧૮ આહીર સમાજની વાડી, રાજુલા થી સવારે આઠ વાગ્યે શરૂ થશે અને ઉના-કોડીનાર-ભાલકા-વેરાવળ-કેશોદ-જુનાગઢ-માણાવદર-કુતિયાણા-પોરબંદર-હરસિદ્ધિમાતા- દેવળીયા-ભાટિયા થઇ જન્માષ્ટમી ૦૩-૦૯-૨૦૧૮ ના રોજ દ્વારિકાનગરી પહોંચશે.

અગાઉથી નક્કી કર્યા મુજબ બાઇક રેલીના રસ્તા આવતા તાલુકા મથકો પર સેૈન્યના જવાનો અને નિવૃત જવાનો તેમજ તેમના પરિવારોનું સન્માન કરી આહીર એકતા મંચ ધન્યતા અનુભવશે. સરહદનું રાત-દિવસ રક્ષણ કરતાં સૈનિકો પ્રત્યે લોકોમાં માન અને સન્માન વધે એવા ઉદ્દેશથી આ રેલનું હેતુ પુર્વક આયોજન કરેલ છે.

તેમા રુટમાં આહીર રેજિમેન્ટ માટે લોકોને જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત આ યુગનો સોૈથી વિકટ પ્રશ્ન બગડતું જતું પર્યાવરણ છે તે પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે સન્માન સમારંભ વખતે લોકોને ખેતીવાડીમાં પાણીનો કરકસર ભર્યો ઉપયોગ અને વરસાદી પાણી ધરતીમાં ઓછા ખર્ચે કેવી રીતે ઉતારી શકાય તે વિશે માર્ગદર્શન આપશે.

આ બાઇક રેલીના રસ્તા પર આવતા ગામની શાળાઓમાં જવાનું આયોજન ગોઠવશું. જેમાં સ્લાઇડ શો અને ફિલ્મના માધ્યમથી વ્યસનોથી થતું નુકસાન બતાવી નાની ઉંમરથી બાળકો વ્યસનોથી દૂર રહેે તેવું વાતાવરણ ત્યાંના શિક્ષકોના સહકારથી નિર્માણ કરશું અને આવતા ચોમાસામાં દરેક સ્કૂલના બાળકોને પોતાના ફરિયામાં વાવી શકે તેવા વૃક્ષો આપી હરિયાળા ગામનું નિર્માણ કરશું. અને બાળકો વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવતા થાય તે માટે  સ્કૂલોમાં ચમત્કારો શા માટે થાય છે. એના વેૈજ્ઞાનિક પ્રયોગ કરી સમજણ આપવામાં આવશે.

આ બાઇક રેલીનું આયોજન આહીર એકતા મંચ ગુજરાત તરફથી કરવામાં આવેલ છે. જેમાં ઉપરના મુદ્દાઓ પ્રત્યે સમસ્ત માનવજાત જાગૃત થાય અને જીવ માત્રનું કલ્યાણ થાય તેવા પવિત્ર ઉદ્દેશ સાથે આ બાઇક રેલીનું આયોજન કરેલ છે.

આ બાઇક રેલીને સફળ બનાવવા માટે વિવિધ કોમના યુવાનો જહેમત ઉઠાવી રહયા છે.

(3:52 pm IST)