Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મોટા મવા-મવડી સ્મશાન ખાતે સામુહિક અસ્થિ પૂજન સંપન્ન

ઓમકાર ટ્રસ્ટ દ્વારા ૩૧૪૯ સ્વર્ગસ્થનાં અસ્થિઓનું પૂજન ૯ સપ્ટેમ્બરે હરિદ્વારનાં કનખલ ઘાટનાં અસ્થિ વિસર્જન થશેઃ વિજયભાઇ કોરાટનાં માર્ગદર્શન હેઠળ પૂજા વિધી સંપન્ન

રાજકોટ તા. ૩૦ :.. મોટામવા ઓમકાર ટ્રસ્ટ સંચાલિત શાંતિધામ (સ્મશાન) મોટામવા, કાલાવડ રોડ ખાતે સોમવારે તા. ર૭ ના સમુહ અસ્થિપૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં એક વર્ષ દરમિયાન ર૦૯૯ સ્વર્ગસ્થ દિવગંતોના અસ્થિઓનું પૂજન થયેલ. ત્યારબાદ મંગળવાર તારીખ ર૮ ના આજ ટ્રસ્ટ દ્વારા સંચાલીત શિવધામ (સ્મશાન), મવડી ખાતે પણ સામુહીક અસ્થિ પૂજનનો કાર્યક્રમ રાખેલ. જેમાં મવડી ખાતે વર્ષ દરમિયાન ૧૦પ૦ દિવગંતોના અસ્થિઓનું પૂજન સંપન્ન થયું.

દરમિયાન હવે પછી તા. ૯ સપ્ટેમ્બરના હરિદ્વારા ખાતે કનખલ સતીઘાટ ખાતે ત્યાંના પંડિતો દ્વારા અસ્થિપૂજન કરી ટ્રસ્ટીઓના હસ્તે માં ગંગામૈયામાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

પાર્કીંગ માટે જગ્યા ફાળવવા માંગ

આ તકે સંસ્થાની યાદીમાં જણાવાયું છે કે, ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સામુહિક અસ્થિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. અને મોટામવા અને મવડી ખાતે ચા-પાણી, બેસવાની અને પૂજાવિધી કરવાની ઉમદા વ્યવસ્થા કરવામાં આવે છે. સમાજના આ ઉમદા કાર્યથી પ્રેરાયને ઘણા સુચનો થઇ રહ્યા છે તેના વિશે કોઇ જ ફરીયાદ નથી પરંતુ રાજકોટના ઝડપી વિકાસ અને વસ્તી વધારાના કારણે કાલાવડ રોડ શાંતિધામ ખાતે રોજની ૭ થી ૮ લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને ટ્રાફીકની સમસ્યા ખૂબ જ રહે છે. ડાઘુઓના વાહનો પાર્કીંગની જગ્યા સમિતિ હોવાના કારણે ટ્રાફીક જામ થઇ જાય છે અને તે માટે સ્મશાનની સામે આવેલ વોંકળાની ખાલી ખરાબાની જગ્યામાં પાર્કીંગની મંજૂરી માટે ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવે છે. કોર્પોરેશન આ પ્રશ્ને ગંભીરતાથી લ્યે તો આવનાર લોકોની સમસ્યા હલ થઇ શકે એમ છે.

આ કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજૂભાઇ છનુરા, ટ્રસ્ટી શ્રી વિજયભાઇ કોરાટ, શૈલેષભાઇ શિંગાળા, પરસોતમભાઇ લીલા, તાલવી, રમેશભાઇ પરસાણા, પ્રવિણભાઇ સખિયા, બચુભાઇ શિંગાળા વગેરે ગામ લોકોએ જહેમત ઉઠાવી હતી.

(3:44 pm IST)