Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જૈન સમાજના ચારેય ફિરકાઓ સોમવારે રથયાત્રાનું ''અકિલા ચોક'' ખાતે ભવ્ય સ્વાગત કરશે

સમસ્ત જૈન સમાજને ઉમટી પડવા ચારેય ફિરકાઓના અગ્રણીઓની હાકલ

રાજકોટ,તા.૩૦: આગામી તા.૩ને સોમવારના રોજ વિશ્વ હિંદુ પરીષદ પ્રેરીત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેરમાં ભવ્ય રથ યાત્રા નીકળવાની છે.અત્રે નોંધનીય છે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી વિશ્વ હિન્દુ પરિષદ ઐતિહાસિક, દર્શનીય અને ભવ્યાતિભવ્ય રથયાત્રાનું સુંદર આયોજન કરે છે.રાજકોટની રથયાત્રાએ વિશ્વભરમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરેલ છે.રથયાત્રાનું શહેરની અઢારે આલમ,વિવિધ જ્ઞાતિઓ અને સંસ્થાઓ અલગ - અલગ સ્થળે સન્માન - બહુમાન કરશે.

રાજકોટ શહેરની એક આગવી ઓળખ એ છે કે અહીં દરેક ધર્મના ઉત્સવો - પ્રસંગો સૌ હળીમળીને પ્રેમ અને ભાઈચારાની ભાવનાથી ઊજવી આયોજકોના ઉત્સાહમાં વધારો કરે છે.જલારામ જયંતિ હોય, ગુરૂનાનક જયંતિ હોય કે મહાવીર જન્મ કલ્યાણક શોભાયાત્રા હોય સૌ ધર્મોલ્લાસ પૂર્વક અભિવાદન કરે છે. આવતી ચોવીસીમાં શ્રી કૃષ્ણ વાસુદેવ બારમા અમમ નામના તીથઁકર થશે તો આ મહાપુરૂષ ત્રિખંડાધિપતિ શ્રી કૃષ્ણ વાસુદેવની રથયાત્રાનું સન્માન - અભિવાદન કરવા જૈન સમાજના ચારેય ફિરકાઓને ભાવ - ભકિત સભર નિમંત્રણ છે.

દરેક ધર્મ પ્રેમીઓએ તા. ૩ સવારે ૧૦ કલાકે અકિલા ચોક( જિલ્લા પંચાયત ચોક) રેસકોર્સ ખાતે ઉપસ્થિત રહેવા સમસ્ત જૈન સમાજને નમ્ર અનુરોધ કરેલ છે.વિશેષ માહિતી માટે વિશ્વ હિંદુ પરિષદ રથયાત્રા સમિતિના ઉપાધ્યક્ષ એડવોકેટ કમલેશભાઈ શાહ (૯૯૯૮૨ ૧૮૯૩૨) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:42 pm IST)