Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પેટ પકડીને હસાવનાર ગુજ્જુભાઈ નટસમ્રાટમાં સંવેદનશીલ ભૂમિકામાં

ગુજરાતી ચલચિત્રમાં એક અનોખી આભા અને વિષય વસ્તુ સાથેની ફિલ્મ રીલીઝઃ સિદ્ધાર્થ રાંદેરીયા, મનોજ જોશી, દિપીકા ચિખલીયા સહિતનાની અદ્ભૂત ભૂમિકા

રાજકોટ, તા. ૩૦ :. ગુજરાતી થિયેટરમાં સુવર્ણકાળ લાવનાર અને સિનીયર નિવડેલા અભિનેતા ગુજ્જુભાઈ નામથી ખૂબ જ જાણીતા થયેલા સિદ્ધાર્થ રાંદેરીયાએ ફિલ્મ ક્ષેત્રે પર્દાપણ કર્યા બાદ તેની ત્રીજી ફિલ્મ નટસમ્રાટ આજે રીલીઝ થઈ છે. નટસમ્રાટ ફિલ્મ અંગે ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયાએ અકિલા સાથે વાતચીત કરી હતી.

નટસમ્રાટ ફિલ્મમાં ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયા અલગ અભિનય કરતા જોવા મળશે. જુદા જુદા નાટકો અને કોમેડી ફિલ્મમાં લોકોને પેટ પકડીને હસાવતા ગુજ્જુભાઈ નટસમ્રાટ ફિલ્મમાં સંવેદનશીલ પાત્રમાં જોવા મળશે.

સિદ્ધાર્થ રાંદેરીયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતી ભાષાની ફિલ્મ ચાલતી ન હોવાનું કારણ દર્શકો ઓછા મળતા હોય છે. જેના કારણે આવી ફિલ્મો થિયેટરમાં ચાલતી નથી. લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફિલ્મો ઘરે અથવા મોબાઈલમાં જોઈ લેતા હોય છે.

ગુજ્જુભાઈએ જણાવ્યુ હતુ કે, નાના પાટેકરની મરાઠી ફિલ્મ નટસમ્રાટનું ગુજરાતી સ્વરૂપ અને ગુજરાતી નાટક અમારી દુનિયા તમારી દુનિયાના આધારે નટસમ્રાટનું દિગ્દર્શન જયંત ગિલાટરે કર્યુ છે. ગુજરાતી નટસમ્રાટએ મરાઠી ફિલ્મનું અનુકરણ નથી પરંતુ પુનઃ સર્જન છે. આ ફિલ્મ અત્યારના પારીવારીક સંબંધ ઉપર આધારીત છે અને તેની વાર્તા હૃદયસ્પર્શી છે.

ગુજ્જુભાઈએ ગામ ગજવ્યું, લગે રહો ગુજ્જુભાઈ, ગુજ્જુભાઈની ગોલમાલ, બસ કર બકુલા સહિત અનેક નાટકો અને ગુજ્જુભાઈ ધ ગ્રેટ તથા ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડમાં અભિનય કરનાર સિદ્ધાર્થ રાંદેરીયાએ અકિલાને વધુમાં જણાવ્યુ હતુ કે, નટસમ્રાટ ફિલ્મથી હું ગુજ્જુભાઈની ઓળખ ભૂંસવા નથી માંગતો પરંતુ એક અભિનેતા તરીકે આવડત સાબિત કરવા માંગુ છું. નટસમ્રાટ ફિલ્મમાં એક સ્ટેજ કલાકારની નિવૃતિ પછીનો સમયગાળો કેવો હોય છે ? તે બતાવવામાં આવ્યો છે.

સિદ્ધાર્થ રાંદેરીયાએ જણાવ્યુ હતુ કે, આ ફિલ્મમાં મારી સાથે અભિનેતા મનોજ જોશી, રામાયણમાં સીતાનો અભિનય કરનાર દિપીકા ચિખલીયા, વિક્રમ મહેતા, તસ્મીન (શેખ), નેરૂકર, હેમાંગ શાહ, જામનગરના જાણીતા તબીબ ડો. બંસીના તબીબ પુત્રી ડો. સંવેદના સુવાલકા, હેમાંગ વ્યાસ, સ્મીત પંડયા સહિતના અભિનયના ઓજસ પાથરી રહ્યા છે.

રામાયણના સીતાજી દિપીકા ચિખલીયાનું કમબેક

રાજકોટઃ. રામાયણ સિરીયલમાં સિતાજીનો અભિનય કરનાર દિપીકા ચિખલીયા નટસમ્રાટ ફિલ્મમાં નાયીકાના પાત્રથી કમબેક થયા છે. આ ફિલ્મની વાર્તામાં તેના અને પુત્રી સાથેના સીન પાવરફુલ છે. નટસમ્રાટ ફિલ્મની વાર્તા તેમના હૃદય સુધી પહોંચ હોવાથી આ ફિલ્મમાં તેણે અભિનય કર્યો છે. દિપીકા ચિખલીયાની આગામી ફિલ્મ ગાલીબ પણ આવી રહી છે. જેમાં તે અલગ પ્રકારનો રોલ કરનાર છે.

માતા-પિતાને ફિલ્મ બતાવીને સરપ્રાઈઝ આપજો

રાજકોટ :. સિદ્ધાર્થ રાંદેરીયાએ જણાવ્યુ હતુ કે, નટસમ્રાટ ફિલ્મ આજની સામાજિક પરિસ્થિતિઓ વિશેની વાત સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ પડશે.ગુજ્જુભાઈએ જણાવ્યુ હતુ કે, યુવક-યુવતીઓએ નટસમ્રાટ ફિલ્મ પોતાના માતા-પિતાને બતાવીને સરપ્રાઈઝ આપે તેવુ કરવુ જોઈએ.

પતિ-પત્નિ અને સંતાનોના કૌટુંબીક સંબંધો પ્રદર્શિત કરતી નટસમ્રાટ ફિલ્મમાં

પરિવાર ભાવના કેળવવાનો સંદેશ

રાજકોટઃ. ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરીયાએ અકિલાને જણાવ્યુ હતુ કે, નટસમ્રાટ ફિલ્મમાં પતિ-પત્નિ અને સંતાનોના કૌટુંબીક સંબંધો પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને પરિવાર ભાવના કેળવવાનો સંદેશ અપાયો છે.ફિલ્મની વાર્તા જોઈએ તો લોકપ્રિયતાના શિખરો સર કરનાર અભિનેતા કારકિર્દીની ટોચ પર પહોંચી નિવૃત થવાનો નિર્ણય લે છે. પરિવારજનો સાથે સમય ગાળતા, એમને જવાબદારી સોંપતા જાય છે કે સંબંધોમાં ધારી એવી મિઠાશ નથી. પરિસ્થિતિ અને પ્રિયજનોથી હારી-થાકીને તખ્તાનો સમ્રાટ ફુટપાથ સુધી પહોંચી જાય છે. પોતાની ખુમારીને લાચારી સુધી જતા જોઈ ખીન્ન હરીદ્ર, સમજી જાય છે કે છેવટે તે વિધિના હાથમાં એક કઠપુતળી જ છે. પડદો ઉઘડે અને પડે એ વચ્ચે ભજવાતા નાટકોની જેમ જ જિંદગી પણ જીવવી રહી. જેમાં સહકલાકારોનો સાથ મળે તો ઠીક, ન મળે તો પોતે લડી લેવાનો હોય છે. મિત્ર માધવ (મનોજ જોશી) અને પત્નિ (દિપીકા ચિખલીયા) પ્રેમ અને સહકાર ખોઈ, છેવટે પ્રેક્ષકો અને ચાહકોથી હંમેશા ઘેરાયેલો આ નટસમ્રાટ દરીદ્રતા અને એકલતાનો ભોગ બની રહી જાય છે. ગુજરાતી ચલચિત્રોમાં એક અનોખી આભા અને વિષય વસ્તુ સાથે નટસમ્રાટ રજૂ કરવામાં આવી છે તેમ સિદ્ધાર્થ રાંદેરીયાએ અકિલાને જણાવ્યુ હતું.

-:સંકલનઃ-

તુષાર એમ. ભટ્ટ

(3:41 pm IST)