Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

એકસપાયરી ડેટના ખાદ્ય પદાર્થોનું વેંચાણ અટકાવવા આરોગ્ય શાખાને રજૂઆત

ગ્રાહક તરીકે ધર્મવીરસિંહ જાડેજાએ ખરીદેલા પેકડ જ્યુસ એકસપાયરી ડેટનું હોવા છતાં મોલ માલિકે ઉડાવ જવાબ આપ્યાઃ પગલા લેવા માંગણી

રાજકોટ તા. ૩૦: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આઇ નગરમાં રહેતાં જાગૃત ગ્રાહક ધર્મવીરસિંહ યશવંતસિંહ જાડેજાએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાને બજારમાં ખુલ્લેઆમ વેંચાતા એકસપાયરી ડેટના ખાદ્ય પદાર્થો અને પીણાનું વેંચાણ અટકાવવા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી કડક પગલા લેવા લેખિત રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે ગત ૨૧/૮/૧૮ના પોતે બીગ બાઝાર ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ઠંડાપીણા ખરીદ કરવા ગયો હતો. ત્યારે પેકડ ગ્વાવા જ્યુસની એકસપાયરી ડેટ ચેક કરતાં તે પુરી થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ મોલમાં આવા અનેક એકસપાયરી ડેટના ખાદ્ય પદાર્થો વેંચાતા હોવાનું પ્રાથમિક રીતે જોવા મળ્યું હતું. સનકિસ્ટ નામની બ્રાન્ડની મેન્યુફેકચર ડેટ ૧૪-૨-૧૮ દર્શાવેલી છે. આ જ પેક પર બેસ્ટ બીફોર સિકસ મન્થ લખાયું છે. મુદ્દત વીતી ગઇ હોવા છતાં અઠવાડીયા પછી પણ મોલના રેકમાં આવા પીણા ખુલ્લેઆમ વેંચાતા હતાં. આ અંગે મોલમાં વિડીયો શુટીંગ કરી પુરાવો પણ એકત્ર કરાયો છે. મોલ માલિકોની બેદરકારી અંગે આરોગ્ય શાખાએ ઘટતું કરવું જોઇએ અને નાગરિકોના આરોગ્ય સાથે થતાં ચેડા અટકાવવા જોઇએ. (૧૪.૧૨)

(3:30 pm IST)