Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

રેસકોર્ષના પાંચ દિવસીય લોકમેળાને પોલીસનું અભેદ સુરક્ષાચક્ર

ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, રવિ સૈનીના નેજા તળે ૩ હજારનો પોલીસ કાફલો ઉતરશેઃ પોલીસ કમિશ્નર અગ્રવાલ, એડી. પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીની ચાંપતી નજર : પરિવારથી વિખુટા બાળકો સરળતાથી મળી જાય તે માટે પોલીસ ઓળખ કાર્ડ આપશે

રાજકોટ, તા., ૩૦: જન્માષ્ટમી પર્વ અંતર્ગત તા.૧ થી પ સુધી યોજાનાર સુપ્રસિધ્ધ રેસકોર્ષનો લોકમેળો આમ જનતા શાંતિ પુર્વક માણી શકે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના નેજા તળે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ લોકમેળામાં પરિવારથી વિખુટા થયેલ બાળકો સરળતાથી મળી જાય તે માટે પોલીસે ઓળખકાર્ડની વ્યવસ્થા ગોઠવી છે.

રેસકોર્ષ ખાતે યોજાતો આ લોકમેળો લોકો નિર્ભીક રીતે આનંદ માણી શકે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળામાં ૩૦૦૦નો પોલીસ કાફલો ખડેપગે રહેશે.  મેળામાં લોકોની સુરક્ષા સાથે ટ્રાફીક નિયમન જળવાઇ રહે તે માટે  સુદ્રઢ ટ્રાફીક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

લોકમેળાના બંદોબસ્ત અંગે વિગતો આપતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રેસકોર્ષ ખાતે યોજાનાર પાંચ દિવસીય લોકમેળામાં લોકો આનંદથી હરી-ફરી શકે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી,  ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા ડીસીપી રવિ સૈનીના નેજા તળે  ૩૭ પીઆઇ, ૧૧ર પીએસઆઇ, ૪૦૦ એસઆરપી અને પ૦૦ જીઆરડી તથા હોમગાર્ડના જવાનો સહીત ૩૦૦૦ થી વધુ પોલીસ કાફલો તૈનાત રહેશે. આ લોકમેળામાં બાળકોની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા મેળાના તમામ ગેટ પર તમામ બાળકોને આઇકાર્ડ આપવામાં આવશે. જેમાં બાળકનું પુરૂ નામ, સરનામુ, વાલીના મોબાઇલ નંબર સહિતની વિગતો રહેશે. જેથી કોઇ બાળક મેળામાં ગૂમ થાય તો સરળતાથી તેના પરીવાર સાથે મિલાપ કરાવી શકાય.

લોકભેળામાં સેકટરવાઇઝ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક સેકટરમાં વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે. મેળાની ભીડ પર વોચ ટાવર ઉપરથી બાયકનોકયુલર દ્વારા સતત ચાંપતી નજર રખાશે. 

લોકમેળા અનુસંધાને તા.૧ થી પ સુધી રેસકોર્ષ રીંગ રોડ ફરતે તમામ વાહનો માટે નો પાર્કીગ જાહેર કરવામાં આવેલ છે. રેસકોર્ષ રીંગ રોડ ફરતે સવારના ૯ થી રાત્રીના ૧ સુધી ૧૦ કી.મી. ની ઝડપથી જ વાહનો ચલાવી શકાશે. ભીલવાસ ચોકથી ચાણકય બિલ્ડીંગથી રૂડા બિલ્ડીંગ ચોક સુધી તમામ વાહનો માટે નો પાર્કીગ ઝોન જાહેર કરાયો છે. બહુમાળી સર્કલથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધીના બંન્ને તરફ વાહન પ્રવેશ બંધી ફરમાવાઇ છે.

લોકમેળા અંતર્ગત નીચે મુજબના રસ્તાઓ પર ડાઇવર્ઝન આપવામાં આવ્યા છે. જેમાં ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, રૂડા બિલ્ડીંગ થઇ પોલીસ હેડ કવાર્ટર સર્કલ થઇ જુની એનસીસી ચોકથી એરપોર્ટ તરફ આવક-જાવક ચાલુ રહેશે તથા સર્કીટ હાઉસ થઇ ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક તરફ આવક-જાવક ચાલુ રહેશે. જીલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ તથા કિશાનપરા તરફ જઇ શકાશે. તેમજ કિશાનપરા ચોકથી જુની એનસીસી ચોક તરફ આવક-જાવક ચાલુ રહેશે. એરપોર્ટ તરફથી આવતા વાહનો જુની એનસીસી ચોકથી ડાબી બાજુ પોલીસ હેડ કવાર્ટર સર્કલ થઇ રૂડા બિલ્ડીંગ તરફ જઇ શકાશે. તેમજ એરપોર્ટ તરફથી કિશાનપરા ચોક તરફ જવા માટે એરપોર્ટ ફાટક થઇ આમ્રપાલી ફાટક થઇ રૈયા રોડ તથા કાલાવડ રોડ તરફ જઇ શકાશે. કોઇ પણ ભારે વાહન લોકમેળા દરમિયાન રેસકોર્ષ રિંગ રોડ ઉપર પ્રવેશી શકશે નહી અને બાયપાસથી વાહન આવન-જાવન કરી શકશે.

લોકમેળા દરમિયાન નીચે મુજબના ૧૦ સ્થળોએ ફ્રી પાર્કીગ કરી શકાશે. જેમાં (૧) બહુમાળી ભવન સામે નહેરૂ ઉદ્યાન, (ર) એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પુર્વ બાજુનો ભાગ રેલ્વે પાટા સામે (૩) બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીનો રોડ (૪) ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ પર બંન્ને બાજુના રસ્તાના સાઇડ પર ૩૦-૩૦ રીક્ષા પાર્ક કરી શકાશે. (પ) કિશાન પરા ચોક એજી ઓફીસ પાસે ૧પ રીક્ષા પાર્ક થઇ શકશે. (૬) કિશાન પરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યા પર ટુ વ્હીલર પાર્ક થશે. (૭) આઇકર વાટીકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સ ગ્રાઉન્ડમાં (૮) ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ (૯) હોમગાર્ડ ઓફીસર કોલોની બહુમાળી ભવન સામે તથા (૧૦) આકાશવાણી રોડ ૧ર માળની બિલ્ડીંગથી સરર્કીટ હાઉસ સુધી એક તરફ ફ્રી પાર્કીગ કરી શકાશે.

(3:25 pm IST)