Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જન્માષ્ટમીએ ગૌશાળામાં ૫ દિ' રંગારંગ કાર્યક્રમો

ફિલ્મી ગીતો - જન્માષ્ટમી - હસાયરો - લોકડાયરાની જમાવટ સાથે ખાણીપીણીના સ્ટોલ્સ આકર્ષણ જમાવશે

રાજકોટ, તા. ૩૦ : શહેરની ભાગોળે રાજકોટ - જામનગર હાઈવે, નવા ક્રિકેટ સ્ટેડિયમ સામે આવેલી શ્રીજી ગૌશાળામાં આગામી જન્માષ્ટમીના તહેવારોમાં તા.૨ને રવિવાર - સાતમથી તા.૬ને ગુરૂવાર અગિયારસ સુધીના સળંગ ૫ - દિવસના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨ને રવિવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી એચ.પી. પટેલ મ્યુઝીક સ્ટુડિયો સ્વર સાધના દ્વારા જૂની યાદગાર ફિલ્મોના ગીતોની કરાઓકે પ્રસ્તુત કરવામાં આવશે. તા.૩ને સોમવાર જન્માષ્ટમીના દિવસે સાંજે ૬:૩૦ વાગ્યાથી રાત્રે ૧૨:૩૦ સુધી સળંગ ૬ કલાકના મેરાથોન કાર્યક્રમોની હારમાળા યોજાશે. જેમાં જૂનાગઢના પ્રસિદ્ધ લોકગાયક શ્રી રાજુ ભટ્ટ અને કુ. નીરૂ દવે તેમજ સાથી વૃંદના સથવારે શ્રીનાથજીની આઠે સમાની ઝાંખી કરાવતી ભકિત સંગીત સંધ્યા - ''આજ ગાવત મન મેરો શ્રીનાથજી'' સહિત રાસની રમઝટ સાથે રાત્રે ૧૨ વાગ્યે ''શ્રી કૃષ્ણ જન્મોત્સવ'' નંદોત્સવ અને મટકી ફોડ જેવા દિવ્ય કાર્યક્રમો યોજાશે.

તા.૪ને મંગળવાર - નવમીના રોજ સાંજે ૬:૩૦થી સૌરાષ્ટ્રમાં સુવિખ્યાત ચારણી લોકસાહિત્ય સાથે પારિવારીક હાસ્યરસ પીરસતા પીઢ કલાકાર શ્રી ગુલાબદાન બારોટ અને વૃંદ દ્વારા હસાયરો - લોકડાયરો આયોજીત કરવામાં આવ્યો છે.

તા.૫ને બુધવાર - દશમના દિવસે સાંજે ૬:૩૦ થી રાજકોટના પીઢ અને અનુભવી કલાકારોથી સજ્જ સીઝન્સ કલબના ગાયકો દ્વારા હિન્દી સિનેમા જગતના લીજેન્ડરી ગાયકો શ્રી રફી, મુકેશ, મન્ના ડે, કિશોરકુમાર, હેમંતકુમાર, તલત મહેમુદ સહિત શ્રી લતા - આશા, સુરૈયા, નુરજહા, શમશાદ બેગમની કર્ણપ્રિય અને મધુર ગીતોની પ્રસ્તુતિ થશે.

તા.૬ને ગુરૂવાર અગિયારસની સાંજે ૬:૩૦ વાગ્યાથી શ્રી હિમાંશુભાઈ વૈદ્ય - શ્રી કચ્છી એસબીઆઈ પરીવારના પ્રબુદ્ધો - હિન્દી સિનેમા જગતના ૫૦ વર્ષોની સુમધુર સફર કરાવશે.

શ્રાવણીયા વ્યંજનોના વિવિધ ખાણી - પીણીના સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જે દ્વારા ગૌપ્રેમી પરીવારો કાઠીયાવાડી લાઈવ ઢોકળા, ખીચુ, ફીંગર ચીપ્સ, ફરાળી પેટીસ, પુરી શાક, સમોસા, ગાંઠીયા, જલેબી વિવિધ બ્રાંડના નમકીનો, કેલીબરની ખારી સીંગ જેવા વ્યંજનો સાથે ગૌશાળામાં જ ગીર ગાયના દૂધમાંથી બનાવેલા ઔષધીય અને હાઈજેનીક મિલ્ક ફૂડ - શ્રીખંડ, લસ્સી, રસગુલ્લા વિવિધ પ્રકારના ફલેવર્ડ ગૌૈદૂધ અને મટકા દહીં સહિતના દેશી આસ્વાદ સાથે મીનરલ વોટરની બોટલો પણ ઉપલબ્ધ કરાવવા શ્રીજી ગૌશાળા દ્વારા કરવામાં આવ્યુ છે.

વધુ માહિતી માટે સંસ્થાના પ્રભુદાસભાઈ તન્ના - ૯૮૨૫૪ ૧૮૯૦૦, વિનુભાઈ ડેલાવાળા - ૯૪૨૮૨ ૦૦૧૮૧, જયંતિભાઈ નગદીયા - ૯૪૨૭૪ ૨૯૦૦૧, રમેશભાઈ ઠક્કર - ૯૯૦૯૯ ૭૧૧૧૬, ભુપેન્દ્રભાઈ છાટબાર - ૯૩૭૬૭ ૩૩૦૩૩નો સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્વીરમાં સર્વેશ્રી પ્રભુદાસભાઈ તન્ના, વિનુભાઈ ડેલાવાળા, રમેશભાઈ ઠક્કર, ચંદુભાઈ રાયચુરા, ભુપેન્દ્રભાઈ છાંટબાર, રમેશભાઈ દત્તા અને બીપીનભાઈ સેજપાલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૧)

(1:51 pm IST)