Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

વોટસન મ્યુઝિયમમાં ચાલી રહેલા "દેશી રજવાડાના દસ્તાવેજો" પ્રદર્શનનેજનતાનો અનેરો પ્રતિસાદ મળતાં પ્રદર્શન તા. ૨ ઓગસ્ટ સુધી લંબાવાયું

૨૪ જુલાઈથી શરૂ થયેલાં પ્રદર્શનને આશરે ૧,૫૦૦થી વધુ લોકોએ નિહાળ્યું

રાજકોટ:રાજકોટમાં જયુબેલી બાગ ખાતે આવેલા ઐતિહાસિક વોટસન મ્યુઝિયમમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા ‘‘દેશી રજવાડાના દસ્તાવેજો"નું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ૨૪ જુલાઈથી શરૂ થયેલાં આ પ્રદર્શનને જનતાનો અનેરો પ્રતિસાદ મળતાં પ્રદર્શનને તા. ૨ ઑગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ તા. ૨ ઓગસ્ટ સુધી સવારે ૧૦ થી સાંજના ૫ સુધી પ્રદર્શનને માણી શકશે.

  ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઈતિહાસ પ્રેમીઓ માટે રજવાડાના સમયની પ્રાચીન કલાકૃતિઓ અને દસ્તાવેજોના સંગ્રાહકશ્રી રમેશગીરી ગોસાઈના સંગૃહિત દસ્તાવેજોનું પ્રદર્શન કરવામાં આવ્યું  છે.તા. ૨૪ જુલાઈથી યોજાયેલ પચાસ રજવાડાના સમયના ચલણો, ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષાના બ્રિટીશ દસ્તાવેજોને નિહાળવા માટે આશરે ૧૫૦૦થી વધુ લોકોએ વોટસન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અને રોમાંચ સાથે દસ્તાવેજોને નિહાળ્યા હતા. આ પ્રદર્શનનો લાભ વધુને વધુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા લેવા માટે વોટસન મ્યુઝિયમના ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:30 am IST)