Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ થી ૭ ઓગસ્ટ વિવિધ થીમ સાથે “નારી વંદન ઉત્સવ” યોજાશે

રાજકોટ જિલ્લામાં ૨ ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાનો“બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસનો કાર્યક્રમ ઉજવાશે:“નારી વંદન ઉત્સવ” કાર્યક્રમનું સુચારૂ આયોજન માટે કલેકટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચન-માર્ગદર્શન અપાયું

રાજકોટ :મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “નારી શક્તિને વંદન” કરવા માટે રાજ્યભરમાં તથા જિલ્લા સ્તરે તા. ૧ થી ૭ ઓગસ્ટ વિવિધ થીમ અંતર્ગત નારી વંદન ઉત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત તા. ૧ થી ૭ ઓગસ્ટ મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસની થીમ સાથે નારી વંદન ઉત્સવ ઉજવાશે.

  રાજકોટ જિલ્લામાં “નારી વંદન ઉત્સવ”ની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી. કાર્યક્રમની રૂપરેખા આપતાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૧ થી ૭ ઓગસ્ટ વિવિધ થીમ આધારિત “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી હાથ ધરવામાં આવશે. આ ઉજવણી હેઠળ રાજકોટ જિલ્લામાં ૨ ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાનો “બેટી બચાઓ બેટી પઢાઓ”  દિવસનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મંજૂરી હુકમ વિતરણ અને  વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરેલી નારીઓનું સન્માન કરવામાં આવશે.

        આ તકે કલેકટરએ સંબંધિત અધિકારીશ્રીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. તેમજ મહિલાઓના કલ્યાણ અર્થે કામ કરતી સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ., કન્યા કેળવણી મંડળો સહિત સરકારી અને ખાનગી ઓફિસોની મહિલાઓ આ કાર્યક્રમનો લાભ લે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કલેકટરએ જણાવ્યું હતું

 આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કે.બી ઠક્ક્રર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલભાઈ ગમારા, બ્રિજેશભાઈ કાલરીયા, અન્ન અને નાગરિક પુરવઠાં અધિકારી અવનીબેન હરણ, જિલ્લા આરોગ્ય અધિકારી નિલેશ શાહ સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:25 am IST)