Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

સોખડા ડમ્પીંગ સાઇટ ખાતે ગાય સહિત મૃત પશુઓનો ઢગલોઃ મનપા દ્વારા વ્યવસ્થા વધારાય

સ્થળ પર જેસીબી, સ્ટાફ વધારવા તથા મૃત પશુઓના ખાડામાં ખાસ મીઠુ નાખવા ડે.મેયર ડો. દર્શિતાબેન શાહની સુચના

રાજકોટ તા. ૩૦ : સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ પશુઓમાં લક્ષ્મી વાયરસનો કહેર છે. રોજ અનેક પશુઓ આ વાયરસથી મૃત્યુ પામે છે, પણ પશુઓના મૃતદેહોના ઢગલા અમદાવાદ હાઇવે સ્થિત સોખડા ખાતે આવેલ ડંપીગ યાર્ડ ખાતે હોવાની જાણ થતા ડે. મેયર ડો. દર્શીતાબેન શાહે તંત્રને દોડતું કર્યુ છે.

પશુઓના મૃતદેહ ઉપર મૃતદેહના રીતસર ઢગલા થઇ ગયા હતા અને કુતરાઓ મૃતદેહોને ખાઇ રહ્યાનું પણ ધ્યાને આવતા તંત્ર દ્વારા તુરંત પશુઓને દફનાવવાનું શરૃ કર્યુ છે.

જો આ પશુઓના ઢગલા પડયા રહે તો આસપાસના ગામોમાં અન્ય રોગચાળો ફેલાવવાની દહેશતને ધ્યાને રાખી ડો. દર્શીતાબેને દફનવીધી તુરંત કરવા અને પશુને દફનાવવા માટ કરાતા ખાડામાં પુરતા પ્રમાણમાં નમક નાખવા તથા સ્ટાફ અને જેસીબી વધારવા પણ મનપા અધિકારીઓને સુચના આપી હતી.

મનપા તંત્રના અધિકારીઓ દ્વારા તુરંત કામ ચાલુ કરી દફનવિધી શરૃ કરી દીધી હતી અને મશીન અને મેનપાવર પણ વધારી દીધો છે.

ડો. દર્શીતાબેને જણાવ્યું હતું કે ગત જુન માસમાં કુલ ૬૬૦ ગાય, ભેંસ, કુતરા, બીલાડી સહિતના પશુઓની દફનવિધી કરવામાં આવી હતી, જયારે આ માસમાં ર૯ જૂલાઇ સુધીમાં ૧૪૦૮ પશુઓની દફનવિધી સોખડા ડમ્પીંગ યાર્ડ ખાતે કરવામાં આવી હતી. (પ-ર૩)

ગ્રામજનોનો વિરોધઃ બે કલાક કામગીરી બંધ રહી

સોખડા ડમ્પીંગ યાર્ડ ખાતે પશુઓની દફનવિધી દરમિયાન આસપાસના ગામોના સ્થાનીકોએ ભારે વિરોધ કરતા કામગીરી બે કલાક બંધ રહી હતી. ત્યારબાદ રાજકોટ તાલુકા પોલીસ અને વિજીલન્સ દ્વારા ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી ફરી દફનવીધી શરૃ કરાવી હતી.

(4:11 pm IST)