Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજકોટ જિલ્લા માટે લમ્પી વિરોધી રસીના ૩૨ હજાર ડોઝ આવ્યા, ૭૫ હજાર આવશે

પશુપાલકો ચિંતા ન કરે, વાઇરસ સામે પંચાયત સજ્જઃ ભૂપત બોદર

રાજકોટ,તા. ૩૦ : કેટલાક દિવસથી પશુઓમાં  લમ્પી  વાયરસ જોવા મળી રહ્યો છે,જેનો પગપેસારો રાજકોટ જિલ્લાનાં કેટલાક વિસ્તારમાં જોવા મળ્યો છે, તેથી રાજકોટ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા ૪૯ ટીમોને રસીકરણ અને પશુઓની સારવાર માટે ખેડૂતો અને પશુપાલકોની વચ્ચે ઉતારવામાં આવી છે.સરકાર દ્વારા જિલ્લા માટે લમ્પી ૩૨૦૦૦ ડોઝ ફાળવેલ છે.જેની ફાળવણી તાલુકા કક્ષાએ જરૃરિયાત મુજબ કરવામાં આવી છે.હજુ આગામી ૩ દિવસમાં  જીલ્લા માટે સરકારશ્રી તરફથી ૭૫૦૦૦ ડોઝ ફાળવવામાં આવનાર છે.જેથી જિલ્લાના કોઈપણ પશુપાલકોએ ચિંતા કરવાની જરૃર નથી.

લમ્પી વાયરસ બાબતે ખેડૂતો અને પશુપાલકો પોતાના તાલુકાના વેટરનરી ઓફિસર તથા જે તે વિસ્તારના સદસ્ય નો સંપર્ક કરી શકશે.જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે વધુમાં જણાવ્યું હતું કે લમ્પી વાયરસ સામે તમામ પ્રકારે લડવા જિલ્લા પંચાયતની ટીમ સજ્જ છે. લમ્પી વાઈરસ સામેની લડતમાં રાજકોટ ભુપત બોદર ઉપરાંત ,ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા,શાસક પક્ષ નેતા વિરલ પનારા તથા દંડક શ્રી અલ્પાબેન તોગડિયા અને સમગ્ર જીલ્લા પંચાયતની ટીમ સતત કાર્યરત છે.

(4:05 pm IST)