Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

જીએસટીમાં ૭ ટકાના વધારાથી સોલર વોટર હીટરના ધંધાને ઝટકો

સોલર વોટર હીટરના ઉત્પાદન - વપરાશમાં કર્ણાટક પછી બીજા નંબરે ગુજરાત

રાજકોટ, તા.૩૦: સોલર વોટર હીટરના ઉત્પાદન અને વેચાણમાં કર્ણાટક પછી ગુજરાતનો નંબર બીજો આવે છે. રાજયમાં રાજકોટ સોલર વોટર હીટરના ઉત્પાદનનું હબ છે. જો કે જીએસટી ૫ ટકાથી ૧૨ ટકા થવાના કારણે આ ઉદ્યોગને બહુ મોટો ઝટકો લાગ્યો છે.

સોલર વોટર હીટર મુખ્યત્વે રહેણાંક મકાનોમાં લગાવાતા હોય છે પણ તેના અન્ય ખરીદનારાઓમાં હોટલો, હોસ્ટેલો અને હોસ્પિટલો પણ સામેલ છે. પોતાના સીંગલ ઘરોમાં રહેનારા લોકો વીજળી અને ગેસ બચાવવા માટે સોલર હીટર લગાવે છે તો સ્થાનીક પ્રશાસન પણ નવા બનતા ફલેટોમાં સોલર હીટર લગાવવા માટે બીલ્ડરોને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં રાજકોટ અને ગોંડલ ખાતે સોલર વોટર હીટર બનાવતી ૫૦ જેટલી ફેકટરીઓ છે. જીએસટીના દરમાં ૭ ટકાના વધારાથી આ ફેકટરી માલીકોને મોટો ઝટકો લાગ્યો છે.સોલર થર્મલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એસટીએફઆઇ)ના સેક્રેટરી જયદિપ માલવીયાએ કહ્યું, 'આ એક વીજળી અને ઇંધણ બચાવતી ચીજ છે અને મોટા ભાગે મધ્યમ વર્ગના લોકો દ્વારા પોતાના ઘરમાં વાપરવામાં આવે છે. ગુજરાત કર્ણાટક પછીનું બીજા નંબરનું મોટુ બજાર છે. પણ ટેક્ષનો આ વધારાનો બોજ ગ્રાહકોને ખરીદી કરતા રોકશે.' એસટીએફઆઇની દલીલ છે કે ૧૦૦ લીટર કેપેસીટીનું એક સોલર હીટર વર્ષે ૧.૫ ટકા કાર્બન ઉત્પાદીત થતો રોકે છે જે ભારતના કાર્બન એમીઝન ઘટાડવાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૃપ બની શકે તેમ છે. જીએસટી આવ્યા પહેલા જયારે વેટ અમલી હતો ત્યારે સોલર હીટર પર કોઇ ટેક્ષ નહોતો. જીએસટી આવ્યા પછી તેના પર પાંચ ટકા ટેક્ષ લગાવાયો હતો જે હવે વધારીને ૧૨ ટકા કરી દેવાયો છે.

(4:04 pm IST)