Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

એકના ડબલની વિધીના નામે ઠગાઇમાં સુત્રધાર લત્તા ઉર્ફ માતાજી અને બે સાગ્રીત ઝડપાયાઃ ૮ ગુના ખુલ્‍યા

કુવાડવા રોડ પર આંગડિયા કર્મચારી જોરૂભા સાથે થયેલી ૧૧ લાખની ઠગાઇમાં ટોળકીનો ક્રાઇમ બ્રાંચે કર્યો પર્દાફાશ : અમદાવાદની લત્તા ઉર્ફ માતાજી જીતીયા, સાગ્રીત મહેસાણાનો ઇમ્‍તિયાઝ સંધી અને ઓલા કેબ્‍સનો ડ્રાઇવર લાંભા ગામનો આકાશ શર્મા આજીડેમ ચોકડીએથી કાર સાથે પકડાયાઃ ૧૧ લાખની રોકડ સહિત ૧૩,૭૫,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જેઃ સાગ્રીતો સમિલ, શાંતુજી, ભરત અને જીવાભાની શોધખોળ : રાજકોટ ઉપરાંત પાટણના દિયોદર, ગાંધીનગરના પીપલોદ, પીળજ, મહેસાણાના પીલવાઇ, ગણેશપુરા, અંકલેશ્વર, થરાદ અને સુરતમાં કરી હતી ઠગાઇઃ બે સ્‍થળે પોલ પકડાઇ જતાં ભાગવું પડયું હતું : માતાજી સાથે અલગ અલગ સ્‍થળે અલગ અલગ સાગ્રીતો જતાં હતાં: કરણ, નરેશ, ઇમ્‍તિયાઝ, જયંતિ, ઠાકોરદાદી, ભાવેશ, મુકેશ, યુનુસ, સલિમ, અબ્‍બાસબાપુ, સલિમના બે સાગ્રીતો આઠ ગુનાઓમાં સામેલ : સલિમ, શાંતુજી, ભરત, જીવાભા ગ્રાહકો શોધતાં: ઇમ્‍તિયાઝ ગ્રાહકનો માતાજી ઉર્ફ લત્તા સાથે પરિચય કરાવી વિધીનો સમય નક્કી કરાવતો, ઓલા કેબ્‍સનો ડ્રાઇવર આકાશ જ્‍યારે માતાજીનો ફોન આવે ત્‍યારે સાથે જતોઃ બધાને કામ મુજબ રૂપિયા મળતા હતાં

ઝડપાયેલી લત્તા ઉર્ફ માતાજી અને તેના બે સાગ્રીતો ઇમ્‍તિયાઝ તથા આકાશ, કબ્‍જે થયેલી રોકડ, મોબાઇલ ફોન અને કાર જોઇ શકાય છે

રાજકોટ તા.૩૦: કુવાડવા રોડ પર મહાલક્ષ્મી ડેરી પાસે રહેતાં આંગડિયા કર્મચારી જોરૂભા જીવાજી દરબાર સાથે એકના ડબલ રૂપિયા કરી આપવાની વિધીના બહાને ઠગાઇ કરી રૂા. ૧૧ લાખની રોકડ લઇ કહેવાતી સાધ્‍વી અને તેના સાગ્રીતો ભાગી ગયા હતાં. આ ગુનામાં શહેર ક્રાઇમ બ્રાંચે માતાજી તરીકે ઓળખાતી મહિલા અને તેના બે સાગ્રીતને પકડી લીધા છે. જ્‍યારે ટોળકીના અન્‍ય ૪ના નામ ખુલતાં તેની શોધખોળ શરૂ થઇ છે. આ ટોળકીએ લોકોને ભોળવી, છેતરીને લાખોની ઠગાઇ કરી લીધાનું ખુલ્‍યું છે. રાજકોટ ઉપરાંત ગાંધીનગરના પીપલોદ, પીળજ, મહેસાણાના પીલવાઇ, ગણેશપુરા, અંકલેશ્વર, થરાદ અને સુરતમાં મળી કુલ ૮ ગુના આચર્યાનો પર્દાફાશ થયો છે. જેમાં અમુકમાં પોલ પકડાઇ જતાં ભાગવું પડયું હતું. પોલીસે રાજકોટના ગુનાના ૧૧ લાખ રોકડા સહિત ૧૩,૭૫,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

વિગત એવી છે કે રાજકોટ રહેતાં આંગડિયા કર્મચારી જોરૂભા દરબાર એક વર્ષ પહેલા પોતાના વતન પાટણના ચાણસ્‍મા તાબેના મેરવાડા ગામે ગયા હતાં અને પાછા રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં વડાવલી (તા. ચાણસમા) ખાતે એક હોટલે ચા પાણી પીવા ઉભો રહેતાં એક ભાઇ મળ્‍યો હતો તેણે પોતાનું નામ ભરત કહ્યું હતું. તેમજ પોતે વડાવલી ગામમાં રહેતો હોવાનું અને એકના ડબલ પૈસા કરવા હોય તો મારી પાસે એવા માણસો છે જે વિધી કરીને ડબલ પૈસા કરી આપે છે તેવી વાત કરી હતી. ત્‍યારે જોરૂભાએ આવી વિધી કરાવવાની ના પાડી હતી. પણ વાત વાતમાં ભરતે મોબાઇલ નંબર લઇ લીધા હોઇ તે સતત એક વર્ષ સુધી અવાર-નવાર જોરૂભાને ફોન કરી વિધી કરાવી લેવા કહેતો હતો.

અંતે ગત તા. ૨૫/૭ના રોજ ભરતે ફોન કરી પોતે વિધી કરવા આવે જ છે તેવી વાત કરી હતી અને ૨૬મીએ ભરત, શાંતુજી, એક કહેવાતી સાધ્‍વી અને એક ડ્રાઇવર કાર લઇને રાજકોટ પહોંચ્‍યા હતાં અને જોરૂજીને તેના ઉપરના રૂમમાં વિધી કરવાના બહાને લઇ જઇ રૂા. ૧૧ લાખ વિધીમાં મુકાવ્‍યા હતાં. એ પછી કહેવાતી સાધ્‍વી નિર્વષા થઇ વિધી કરવી પડશે તેવું કહી જોરૂજીને બાજુમાં રૂમમાં મોકલી પુરી દઇ તેમજ તેના બે સાગ્રીતોને પણ રૂમમાં પુરી દઇ ૧૧ લાખ લઇને ભાગી ગઇ હતી.

આ ગુનામાં ક્રાઇમ બ્રાંચના કિરતસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી તેમજ સીસીટીવી કેમેરાઓની મદદથી ત્રણ આરોપીઓ લત્તા ઉર્ફ માતાજી જયંતિ જેઠાભાઇ જીતીયા (ઉ.વ.૩૫-રહે. રિધ્‍ધી કેટરીંગ, બાપુનગર પોલીસ સ્‍ટેશન પાસે, આનંદ ફલેટ ૧૧૩/૬, ત્રીજો માળ, બળદેવ પરમારના મકાનમાં ભાડેથી) તથા તેના સાગ્રીતો ઇમ્‍તિયાઝ મહમદકાદર સંધી (ઉ.૩૭-ધંધો શેર બજારનો, રહે. વિસનગર રોડ, કરિશ્‍મા પાર્ક-૨, ઘર નં. ૨ મહેસાણા) અને આકાશ છગનલાલ શર્મા (ઉ.૨૭-ધંધો ડ્રાઇવીંગ, રહે. લાંભા ગામ, મહાકાળી ચોક, મકાન નં. ૪૬૪, તા. દસકોઇ જી. અમદાવાદ)ની કાર નં. જીજે૨૭ટીટી-૩૨૮૭ સાથે આજીડેમ ચોકડી પાસેથી ધરપકડ કરી રોકડા રૂા. ૧૧ લાખ, અઢી લાખની કાર, પાંચ મોબાઇલ ફોન, લેડીઝ પર્સ, વિધીનો સામાન, બે માળા, સોપારી સહિત મળી રૂા. ૧૩,૭૫,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

સુત્રધાર લત્તા ઉર્ફ માતાજીની પુછતાછ થતાં તેણે પોતાની સાથે ટોળકીમાં ઇડરનો સલિમ, ચાણસ્‍માના સેંધા ગામનો શાંતુજી, ભરત, જીવાભા પણ સામેલ હોવાનું કબુલતાં આ ચારેયની શોધખોળ યથાવત રખાઇ છે.  આ ટોળકીના ઇમ્‍તિયાઝ, સલિમ, શાંતુજી, ભરત અને જીવાભા અલગ અલગ જગ્‍યાએ ગમે તે લોકોની સાથે વાતચીત કરી તેને એકના ડબલની લાલચ આપતાં હતાં. એક લાખના બે લાખ પાંચ દિવસમાં થઇ જશે, અથવા દસ દિવસમાં ડબલ થઇ જશે તેવી વાતો કરી માતાજી ઉર્ફ લત્તા સાથે મુલાકાત કરાવતાં હતાં અને તે માટેની વિધી કરાવવી પડશે તેમ કહી રોકડ લઇ ભાગી જતાં હતાં.

આ રીતે આ ટોળકીએ એક વર્ષ પહેલા પાટણના દિયોદર ગામે પ્રજાપતિ પરિવાના ઘરે એકના ડબલની વિધીના બહાને ૫ લાખ પડાવી લીધા હતાં. એ પછી નવેમ્‍બર-૨૦૨૧માં ગાંધીનગરના પીપલોદમાં પટેલ પરિવાના ઘરેથી ૨ લાખ, ગત દિવાળ પહેલા ધનતેરસે પીપળજ ગામે દરબાર પરિવારના ઘરે એકના ડબલની વિધીના નામે રૂા. ૮૦ હજાર, એ દિવસોમાં જ મહેસાણાના પીલવઇ ગામે તબેલામાં વિધી કરવા જતાં વિધીમાં ૫ લાખ મુકાયેલ તેમાં શંકા જતાં માતાજી અને સાથેની ઠાકોર દાદીને લોકોએ પકડી લેતાં ભાઇસાબ બાપા કરતાં છોડી મુકાયા હતાં ત્‍યારે કામ કેન્‍સલ થયું હતું.

ત્‍યારબાદ આજથી બે મહિના પહેલા મહેસાણાના ગણેશપુરામાં કમલેશભાઇની વાડીએ વિધી કરવા જઇ ૨,૧૨,૦૦૦ની ઠગાઇ કરી હતી. આ ઉપરાંત બે મહિના પહેલા અંકલેશ્વરના ગામડામાં વિધીના બહાને ૫ લાખની ઠગાઇ કરી હતી. ડિસેમ્‍બર-૨૦૧૯માં થરાદ નજીકના ગામમાં વિધીમાં ૧૧ લાખ મુકાવ્‍યા હતાં. પરંતુ ગામના પુરોહિતે મુહર્ત જતું રહ્યું તેમ કહેતાં કામ કેન્‍સલ થયુ હતું. આ ઉપરાંત ફેબ્રુઆરી-૨૦૨૨માં સુરતના વરાછામાં ૧૧ લાખ વિધીના પાટ ઉપર મુકાવવાનું નક્કી થયા બાદ અઢી લાખ મુકાયા હતાં. પરંતુ પકડાઇ જવાની બીક લાગતાં હાલ કામ નહિ થાય તેમ કહી બધા નીકળી ગયા હતા.

ઉપરોક્‍ત દરેક ઠગાઇ અને ઠગાઇના કારસામાં માતાજી ઉર્ફ લત્તા સાથે અલગ અલગ શખ્‍સો ઇમ્‍તિયાઝ, સલિમ, મહાકાલ, સમિલના બે માણસો, નરેશ, અબ્‍બાસબાપુ, કરણ, ઠાકોરદાદી, ભાવેશ, મુકેશ, યુનુસ સહિતના જોડાતાં હતાં. મુરગા ફસાવવાનું કામ એટલે કે છેતરપીંડી માટેના માણસો શોધવાનું કામ સલિમ, શાંતુજી, ભરત, જીવાભા કરતાં હતાં. તેમજ આ લોકો જેને એકના ડબલની વિધી માટે મનાવીને લઇ આવે તેનો માતાજી ઉર્ફ લત્તા સાથે પરિચય કરાવવાનું કામ ઇમ્‍તિયાઝ કરતો હતો. આકાશ શર્મા ઓલા કેબ્‍સ કંપનીનો ડ્રાઇવર હોઇ તે જ્‍યારે પણ માતાજી ઉર્ફ લત્તાનો ફોન આવે ત્‍યારે કાર લઇ પહોંચી જતો હતો અને જે તે સ્‍થળે માતાજી અને ટોળકીના સાગ્રીતોને પહોંચાડી ત્‍યાંથી પાછા ઘરે મુકી આવવાનું કામ કરતો હતો. આ બધાને માતાજી ઉર્ફ લત્તા જે રકમ મળી હોઇ તેમાંથી અમુક રકમ વાપરવા આપતી હતી.

આ કામગીરી પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ ઘનશ્‍યામભાઇ મેણીયા, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, શૈલેષગીરી ગોસ્‍વામી, કોન્‍સ.નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, સુર્યકાંત જાદવ, મહિલા કોન્‍સ. નિલમબેન પાસી, દિપલબેન ચોૈહાણ અને નીતાબેન ચાવડાએ કરી હતી. આગળની કાર્યવાહી માટે આરોપીઓને બી-ડિવીઝન પોલીસને સોંપવામાં આવશે. 

 

 

માતાજી ઉર્ફ લત્તા ખાલી વાસણમાં ફુલ ભરી ઉપર રૂપિયાની અમુક નોટો રાખીને આપતી અને કહેતી- ઢાંકીને પાંચ દિવસ રાખી મુકજો, અગરબત્તી કરજો...રૂપિયા ડબલ થઇ જશે!

વિધી માટે બે મીટર સફેદ કપડું, ગુલાબના ફુલ, અગરબતી, અઢીસો ચવાણું, અઢીસો પેંડા, બે પાણીની બોટલ, એક  સીગારેટનું પાકીટ તૈયાર રાખવાનું કહેવાતું

માતાજી ઉર્ફ લત્તા અને તેની ટોળકી કઇ રીતે લોકોને છેતરતાં તેની વિગતો પણ જાહેર થઇ છે. જે તે લોકોને એકના ડબલની વિધી કરાવવા માટે વિશ્વાસમાં લઇ બાદમાં  માતાજી ઉર્ફ લત્તા સાથે મુલાકાત કરાવવામાં આવતી હતી. એ પછી માતાજી તેને એકના ડબલ માટે વિધી કરવી પડશે તેમ કહી વિધી માટે શું શું જોઇએ તેની વિગત આપતી હતી.

આ વિધી માટે બે મીટર સફેદ કપડું, બેથી ત્રણ કિલો ગુલાબના ફુલ, અગરબતી, અઢીસો ચવાણું, અઢીસો પેંડા, બે પાણીની બોટલ, એક  સીગારેટનું પાકીટ સહિતની ચીજવસ્‍તુ હાજર રાખવા કહેવાતું હતું. વીધી માટે ફોન કરી સમય મેળવી માતાજી અને સાગ્રીતો જે તે વ્‍યક્‍તિના ઘરે પહોંચતા અને જે રૂમમાં કોઇની અવર-જવર ન હોય તેવો રૂમ પસંદ કરાતો હતો.

વિધી કરવાનો સામાન મંગાવી માતાજી રૂમમાં વચ્‍ચો વચ્‍ચ સફેદ કલરનું કપડુ પાથરી તેના પર ફુલ પાથરી, અગરબતી કરી, પૈસા મુકાવી પૈસા ઉપર કંકુના ચાંદલા કરી અને કેટલા પૈસા જોઇએ છે? તેમ પુછી ખાલી વાસણ મંગાવી પોતે વીધી કરે છે તેવો દેખાવ ઉભો કરી વિધી કરાવનાર વ્‍યક્‍તિને થોડીવાર માટે બહાર જવાનું કહી દેતી હતી અને થોડી વાર પછી પોતે કહે ત્‍યારે અંદર આવવાનું તેમ કહેતી હતી.

ત્‍યારબાદ ખાલી વાસણમાં નીચે ફુલો ભરી તેના ઉપર રૂપીયાની છુટી નોટો રાખી બાદમાં વિધી કરાવનારને બોલાવી વાસણ પૈસાથી ભરાઇ ગયું છે, હવે આને ઢાંકણાથી ઢાંકીને પાંચ દિવસ સુધી અડવાનું નથી અને રોજ અગરબત્તી કરવાની છે. મારો ફોન આવે પછી જ આ વાસણને ખોલજો, ત્‍યારે તમારા પૈસા ડબલ થયેલા મળશે...તેમ કહેતી હતી.  ત્‍યારબાદ પાટ ઉપર મુકેલા રૂપીયા વીધી માટેના છે, જે તમારે ન લેવાય તેમ કહી તે રૂપીયા લઇને નાસી જતી હતી. ત્‍યારબાદ કામ મુજબ રૂપીયાની વહેંચણી સાગ્રીતો વચ્‍ચે કરી લેવામાં આવતી હતી. અમુક વખત વિધી કરાવનારને રૂમમાં પુરીને કે ગમે તે બહાનુ કરી બીજા રૂમમાં મોકલીને રૂપિયા લઇ ટોળકી ભાગી જતી હતી. 

(4:03 pm IST)