Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રામવન તૈયાર : લોકાર્પણ માટે મોદીજીને નિમંત્રણ

રામવનમાં પ્રવેશ ફીની જાહેરાત મનપા તંત્ર ટુંક સમયમાં કરશે : જન્‍માષ્‍ટમી પહેલા શહેરીજનોને ભેટ આપવા પ્રયાસ : મુખ્‍ય પ્રવેશદ્વાર ધનુષ આકાર : ભગવાન રામની વિશાળ પ્રતિમા ઉપરાંત રામ વનવાસ પ્રસંગોના વિવિધ ૨૨ સ્‍કલ્‍પચરો બનાવાયા

રાજકોટ તા. ૩૦ : શહેરના આજી ડેમમાં નીચાણવાસમાં મ.ન.પા. દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થયેલ ‘રામવન'ને લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને મનપા તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

મહાનગરમાં ફરવાના સૌપ્રથમ ગણાતા સ્‍થળ આજી ડેમ બાજુમાં જ વિશાળ ૪૭ એકર જગ્‍યામાં અર્બન ફોરેસ્‍ટના નિર્માણનો પ્રોજેકટ પૂર્ણ થઇ ગયો છે . આ યોજનામાં રામવનની થીમ જોડવામાં આવતા ૭.૬૮ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્‍ટ અને ૧.૬૧ કરોડના ખર્ચે થીમ આધારીત સ્‍કલ્‍પચર બનાવવાનું કામ પૂર્ણ થતા મહાનગરના આ વિશાળ અને આકર્ષક પ્રોજેકટનું ઉદ્‌ઘાટન મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રૂબરૂ ઉપસ્‍થિત રહે અને વડાપ્રધાન વર્ચ્‍યુઅલ કરે તે માટેના પ્રયાસો સાથે જન્‍માષ્‍ટમી પહેલા લોકોને આ ભેટ મળી જશે. શ્રીરામના વનવાસ સહિતના પૂરા જીવન ચરિત્ર પ્રસંગોને જીવંત કરતા સ્‍કલ્‍પચર લોકોને વન પ્રવાસ કરાવશે . ૩.૪ કિ.મી.ના રસ્‍તા, અઢી કિ.મી.ની કમ્‍પાઉન્‍ડ વોલ, બે તળાવ, પાથ - વે, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવીનીકરણ, સોલાર લાઇટ, રામસેતુ, એક બ્રીજ, ૬ ગજેબો, પ્‍લે ગ્રાઉન્‍ડ, એમ્‍ફી થીયેટર, રાશીવન, આર્ટ બેંચીંઝ વગેરે આકર્ષણ ફોરેસ્‍ટમાં ઉભા કરવામાં આવ્‍યા છે.જુદા જુદા ૨૩ સ્‍કલ્‍પચરનું કામ કરવામાં આવ્‍યું છે જેમાં ભવ્‍ય ગેટ, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજીની પ્રતિમાઓ, જટાયુ દ્વાર, શબરી, જુદા જુદા મિલાપ પ્રસંગો, ચાખડી, રામરાજય અભિષેક, યોગ કરતા બાળકો વગેરે સ્‍કલ્‍પચર જીવંત કરાયા છે . મેયર ડો.પ્રદીપ ડવ આ પ્રોજેકટનું વડાપ્રધાન લોકાર્પણ કરે તેવા પ્રયાસો કરી રહ્યા છે.  શહેરીજનોને રામવન થીમ આધારિત સ્‍કલ્‍પચરો તથા બ્‍યુટીફીકેશનની કામગીરી પૂર્ણ થઇ છે. ગત તા. ૯ જુલાઇ ૨૦૨૧ રોજ પૂર્વ સ્‍ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડે અર્બન ફોરેસ્‍ટ કામનો કોન્‍ટ્રાકટ સ્‍ટે.કમીટીમાં મંજૂર કર્યો હતો . તે બાદ થોડા સમય પૂર્વે વર્તમાન ચેરમેન પુષ્‍કર પટેલે સ્‍કલ્‍પચર પ્રોજેકટ મંજૂર કર્યો હતો. જેમાં રામવન સામેલ થયું છે. આમ આ યોજના રાજકોટના જોવાલાયક સ્‍થળોમાં ટોચ પર સ્‍થાન પામે તેવું હાલ લાગી રહ્યું છે.

(3:39 pm IST)