Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

હોસ્‍પિટલ ચોક બ્રિજ માટે ૧૫ ઓગષ્‍ટની મુદત પણ કામ પુરૂ નહિ થઇ શકે : તહેવારોમાં ટ્રાફિક જામ થશે

ચોકમાં ૩૩ ટકા અને સમગ્ર પુલનું ૯ર ટકા કામ પૂર્ણ : સ્‍લેબ ભર્યા પછી ૧૪ દિ' પાકવા દેવાનો

રાજકોટ, તા., ૩૦: શહેરમાં મ્‍યુનીસીપલ  કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્‍તારોમાં ઓવરબ્રીજના કામ ચાલી રહયા છે. સિવિલ હોસ્‍પીટલ ચોકમાં ચાલતા બ્રીજનું કામ પુર્ણતા તરફ છે. ૨૦ જુલાઇની વધારેલી મુદત પુર્ણ થયા બાદ કોર્પોરેશને ૧૫ ઓગષ્‍ટ સુધીની મુદત આપી છે પરંતુ તે સમયમાં કામ પુરૂ થાય તેવા કોઇ એંધાણ નથી. પ્રજાએ હજુ વધુ એક-બે મહિના પરેશાની વેઠવી પડશે.

કોર્પોરેશનના વર્તુળોના જણાવ્‍યા મુજબ ટેન્‍ડર વખતે પુલનું કામ નવેમ્‍બર-ર૦ર૧ સુધીમાં પુરૂ કરવાની મહેતલ હતી. કોરોના અને અન્‍ય કારણો આગળ ધરી કોન્‍ટ્રાકટરે  બે વખત મુદત વધારો મેળવ્‍યો છે. હવે ૧૫ ઓગષ્‍ટ સુધીમાં કામ પુરૂ કરવાની મુદત છે.  સ્‍થળ પરની સ્‍થિતિ જોતા તે સમય મર્યાદા જળવાય તેવુ હાલ દેખાતુ નથી. સમગ્ર પુલનું ૯૨ ટકા કામ પુરૂ થઇ ગયું છે. સિવિલ હોસ્‍પીટલ ચોકમાં જ બ્રીજની છત ભરવાનું કામ હવે શરૂ થશે. સીમેન્‍ટથી ઓવરબ્રીજનું તળીયુ કર્યા પછી ઓછામાં ઓછા ૧૪ દિવસ સુધી તેનો ઉપયોગ ન કરી શકાય તવુ ઇજનેરી વર્તુળોનું કહેવું છે. બ્રીજને કલરકામ પણ બાકી છે. સર્વિસ રોડ અને હોસ્‍પીટલ ચોક આસપાસ ડામર કામ કરવુ પડે તેમ છે. ચોમાસાની મોસમ છે. સંજોગો જોતા ૧૫ ઓગષ્‍ટ સુધીમાં ઓવરબ્રીજ ઉપયોગ કરવા લાયક બને તેની સામે મોટો પ્રશ્નાર્થ છે.જન્‍માષ્‍ટમીના તહેવારોમાં સામા કાંઠાથી અને કુવાડવા તરફના ગામોમાંથી લોકો મોટી સંખ્‍યામાં રાજકોટના લોકમેળામાં આવતા હોય છે. બ્રીજનું કામ શરૂ થયા પછી પ્રથમ વખત લોકમેળો આવી રહયો છે. સર્વિસ રોડ કોર્ટ ચોક સુધી જ ચાલુ છે. હાલ પણ અવાર નવાર ટ્રાફીક જામ થઇ જાય છે. તંત્ર વાહકો કોઇ વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા ન કરે તો તહેવારોમાં પુલની નજીકના માર્ગોમાં ભારે ટ્રાફીક જામ થવાની ભીતી છે. 

(3:41 pm IST)