Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

E-FIR દાખલ થવાના કલાકોમાં જ રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો : અંકિતને ભકિતનગર પોલીસે પકડયો

અંકિત યાદવ અગાઉ મારામારી, દારૂ, જુગારના ૭ ગુનાઓમાં સામેલ

રાજકોટ તા. ૩૦ : ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ ચોરી અને વાહન ચોરીની ઘરબેઠા ફરીયાદ કરવા માટે સીટીઝન પોર્ટલમાં ઇ-એફઆઇઆરની સુવિધાની લોકો ઉપયોગ કરતા થયા છે ત્‍યારે બે દિવસ પહેલા ભુતખાના ચોક પાસેથી રીક્ષા ચોરીની ફરિયાદ દાખલ થતા ભકિતનગર પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી એક શખ્‍સને ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર ભુતખાના ચોક પાસેથી બે દિવસ પહેલા કોઇ અજાણ્‍યો શખ્‍સ રીક્ષા ચોરી જતા રીક્ષાના માલીકે ઇ-એફઆઇઆર દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થતા ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.એન.રાયજાદા સહિતના સ્‍ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોન્‍સ. પુષ્‍પરાજસિંહ ગોહિલ, મનીષભાઇ ચાવડા અને વિશાલભાઇ દવેને બાતમી મળતા કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાસેથી અંકિતસિંહ પ્રવિણસિંહ જાદવ (ઉ.૨૮) (રહે. કોઠારીયા સોલવન્‍ટ ત્રણ માળીયા કવાર્ટર બ્‍લોક નં. ૨૮, કવાર્ટર નં. ૩૩૪)ને ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો. અંકિતસિંહ અગાઉ વાહન ચોરી, મારામારી, દારૂ અને જુગાર સહિત સાત ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એન.રાયજાદા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:12 pm IST)