Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ભાવેશ ઉર્ફ ભાવલો જવાહર રોડ પરથી તબિબનો મોબાઇલ ચોરીને ભાગ્‍યો, સિવિલ હોસ્‍પિટલ પાસેથી પકડાઇ ગયો

હમ નહિ સુધરેંગે...સિવિલ હોસ્‍પિટલ, પોસ્‍ટ ઓફિસ સહિતના સ્‍થળોએ ખિસ્‍સા કાપનારો વધુ એક વાર પકડાયો : જો કે પકડાયા પછી તેણે કહ્યું-મોબાઇલ ફોન તેનો સાગ્રીત લઇને ભાગી ગયો છે!

રાજકોટ તા. ૩૦: સિવિલ હોસ્‍પિટલમાં અગાઉ અનેક વખત લોકોના મોબાઇલ ચોરતા, ખિસ્‍સા કાપતાં પકડાઇ ચુકેલા મુળ ગોંડલના ભાવેશ ઉર્ફ ભાવલો ઉર્ફ આકાશ ભલાભાઇ કુહાડીયાને સુધરવું જ ન હોય તેમ એક વખત હેડ પોસ્‍ટ ઓફિસમાંથી મોબાઇલ ચોરતાં પકડાઇ ગયો હતો. જો કે પકડાયા પછી છુટીને ફરી એકનું એક કામ કરવાની ટેવ ધરાવતો આ શખ્‍સ આજે જવાહર રોડ પરની એક ખાનગી હોસ્‍પિટલમાં પહોંચી ગયો હતો અને તબિબનો મોબાઇલ ફોન બઠ્ઠાવીને ભાગી ગયો હતો.

પોલીસને જાણ થતાં પોલીસે ત્‍યાં પહોંચી સીસીટીવી કેમેરા ચેક કરતાં રીઢો ઉઠાવગીર ભાવેશ ઉર્ફ ભાવલો જોવા મળ્‍યો હતો. તે મોટે ભાગે સિવિલ હોસ્‍પિટલ આસપાસ પડયો રહેતો હોઇ પોલીસ ત્‍યાં પહોંચી હતી અને તેને સિવિલના ગેઇટ નજીકથી સકંજામાં લીધો હતો. જો કે તેણે મોબાઇલ ફોન પોતાનો સાગ્રીત સિકંદર લઇને ભાગી ગયાનું રટણ કરતાં પોલીસે સિકંદરને શોધવા મથામણ આદરી હતી. ડોકટરે મોબાઇલમાં મહત્‍વના ડોક્‍યુમેન્‍ટ, દર્દીઓની અપોઇન્‍ટમેન્‍ટ હોવાનું જણાવ્‍યું હતું. ‘હમ નહિ સુધરેંગે'ના સુત્રને અનુસરતો ભાવેશ ઉર્ફ ભાવલો ઘણીવાર પકડાઇ જતાં લોકોના માર પણ ખાય છે અને પોલીસ પણ પરચો આપે છે. પરંતુ તે છુટયા પછી ફરીથી પોતાની ‘કામગીરી' બતાવવા નીકળી પડે છે.

(3:11 pm IST)