Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

સદ્દગુરૂ એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં મંદિરની દેરીની આડમાં બે પાક્કા રૂમ બાંધી લીધા'તાઃ પિતા-પુત્ર સામે ફોજદારી

૧૯૯૫થી દયાળજી પરમારે પેશકદમી કરી ૬૮.૨૧ ચો.મી. જગ્‍યા પચાવી હતીઃ એપાર્ટમેન્‍ટની બાજુમાં આવેલો પોતાનો પ્‍લોટ વેંચી પચાવેલી જગ્‍યામાં રહેવા માંડયો હતોઃ એ પછી પુત્ર હરેશને આ દબાણવાળી જગ્‍યા સોંપતાં હરેશે બે રૂમ અને છાપરૂ બાંધી લીધા'તા : મ્‍યુ. કમિશનરને અનેક અરજી કરી, કોઇ કાર્યવાહી ન થઇઃ કલેક્‍ટરના આદેશથી લેન્‍ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યોઃ એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. બી.જાડેજા અને ટીમોએ આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી

રાજકોટ તા. ૩૦: રૈયા ૧૫૦ રીંગ રોડ પર શ્રીગણેશ ફોર્ડવાળી શેરીમાં આવેલા સદ્દગુરૂ એપાર્ટમેન્‍ટમાં આવેલી કોમન પાર્કિંગની જગ્‍યામાં ૧૯૯૫માં  એપાર્ટમેન્‍ટની દિવાલને લગોલગ પ્‍લોટ ધરાવતાં શખ્‍સે ઘુસણખોરી કરી જગ્‍યા દબાવી લઇ નાની મંદિરની દેરી બનાવી હતી. જે તે વખતે બિલ્‍ડરે મંદિર તોડવું નથી તેમ કહી દબાણકર્તાને સમજાવેલ. પરંતુ સમય જતાં એ શખ્‍સે પોતાનો કાયદેસરનો પ્‍લોટ વેંચી નાંખી એપાર્ટમેન્‍ટના પાર્કિંગની પોતે દબાણ કરેલી ૬૮.૨૧ ચો.મી. જગ્‍યામાં રૂમ બનાવી લીધો હતો. બાદમાં તેના પુત્રને આ જગ્‍યા સોંપતા તેણે સુધારા કરી બે પાક્કા રૂમનું બાંધકામ કરી લીધું હતું. આ મામલે અગાઉ મ્‍યુ. કોર્પોરેશનમાં અનેક રજૂઆતો થઇ હતી. પણ ઉકેલ આવ્‍યો હતો. હવે કલેક્‍ટરશ્રીને રજૂઆત થતાં લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધવા સુચના આપતાં પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા કાર્યવાહી કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ જય ગણેશ ફોર્ડવાળી શેરી સોમનાથ સોસાયટી-૧ પાસે સદ્દગુરૂ એપાર્ટમેન્‍ટ-બી, ફલેટ ૧ ગ્રાઉન્‍ડ ફલોરમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં જીતેન્‍દ્રભાઇ રમેશભાઇ સોલંકી (ઉ.૫૯)ની ફરિયાદ પરથી દયાળજી કરસનભાઇ પરમાર અને તેના પુત્ર હરેશ દયાળજી પરમાર (રહે. સદ્દગુરૂ એપાર્ટમેન્‍ટ-બીના પાર્કિંગમાં વિરૂધ્‍ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિંબંધના કાયદાની કલમો તથા આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૩૪ મુજબ એપાર્ટમેન્‍ટના કોમન પાર્કિંગમાં ગેરકાયદેસર મકાનનું બાંધકામ કરી પાર્કિંગની જગ્‍યામાં ૬૮.૨૧  ચો.મી.નો કબ્‍જો કરી લેવા અંગે ગુનો નોંધાયો છે.

જીતેન્‍દ્રભાઇ સોલંકીએ પોલીસને જણાવ્‍યું છે કે હું પત્‍નિ હેમલત્તા અને દિકરી સૃષ્‍ટી સાથે રહુ છું. મોટી દિકરી સાસરે છે. સદ્દગુરૂ એપાર્ટમેન્‍ટ-બી આશરે ૧૯૯૪-૧૯૯૫માં તૈયાર થયેલ છે. સોૈ પ્રથમ મેં આ એપાર્ટમેન્‍ટમાં ૧૯૯૫માં ફલેટ લીધો હતો. ત્‍યારથી અહિ રહુ છું અને પંજાબ નેશનલ બેંક સોમનાથ ખાતે હું નોકરી કરતો હતો તેમાંથી ૩૧/૫/૨૧ના રોજ નિવૃત થયો છું. અમારા એપાર્ટમેન્‍ટમાં કુલ ૭ ફલેટ છે. જેમાં પ્રમુખ તરીકે પંકજભાઇ કારીયા અને મંત્રી તરીકે વિજયભાઇ ગાંધી છે. તા. ૧૮/૧૨/૨૧ના રોજ કલેક્‍ટરશ્રીને એપાર્ટમેન્‍ટના રહીશોએ અરજી કરી હતી. તેના આધારે લેન્‍ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધવા સુચન થયું હતું.

હું જે ફલેટમાં રહુ છું તે ગ્રાઉન્‍ડ ફલોરમાં છે. આ એપાર્ટમેન્‍ટ ત્રણ માળનું છે અને દરેક માળે બબ્‍બે ફલેટ છે. આ એપાર્ટમેન્‍ટના બિલ્‍ડર શ્રીરામ સ્‍થાપત્‍ય પ્રા.લિ.ના પ્રવિણભાઇ વસાણી છે. જે તે સમયે હરેશ દયાળજીભાઇ પરમારના પિતા દયાળજીભાઇએ એપાર્ટમેન્‍ટની દિવાલને લગોલગ તેનો કાયદેસરનો પ્‍લોટ આવોેલ હોઇ ત્‍યાં તેઓ રહેતાં હોઇ તેણે અમારા એપાર્ટમેન્‍ટના પાર્કિંગ એરીયામાં આશરે પાંચ ફુટની દિવાલ ચણી લઇ નાની મંદિરની દેરી બનાવી લીધી હતી. ત્‍યારે બિલ્‍ડર પ્રવિણભાઇએ મંદિર પાડવું નથી તેમ કહી કોઇ માથાકુટ કરી નહોતી. એ પછી દયાળજીભાઇએ સમય જતાં પોતાની કાયદેસરની જગ્‍યા હતી એ વેંચી દીધી હતી અને અમારા એપાર્ટમેન્‍ટના પ્‍લોટ નં. ૬૮માં જે કોમન પાર્કિંગની જગ્‍યા હતી તેમાં મકાન બનાવી લીધુ હતું અને પરિવાર સાથે રહેવા માંડયા હતાં.

ત્‍યારબાદ દયાળજીભાઇ બીજી કોઇ જગ્‍યાએ રહેવા જતાં રહ્યા હતાં અને અમારા પાર્કિંગવાળુ મકાન ગેરકાયદેસર રીતે પોતે બનાવ્‍યું છે તે જાણતા હોવા છતાં પોતાના પુત્ર હરેશને આ મકાન સોંપતા ગયા હતાં. હરેશે આ મકાનમાં સુધારા વધારા કરી બે રૂમનું પાકુ બાંધકામ કરી લીધું હતું. તેમજ અગાઉ જ્‍યાં મંદિરની નાની દેરી હતી ત્‍યાં પણ સંડાસ બાથરૂમ અને લોખંડના પતરાની એંગલથી છાપરુ બનાવી લીધું છે. અમે જે તે વખતે આ મકાનનો ફોટો અને દસ્‍તાવેજો સાથે મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી.

આ પછી હવે અમે એપાર્ટમેન્‍ટના રહેવાસીઓએ એકઠા થઇ કલેક્‍ટરશ્રીને ફરિયાદ રજૂઆત કરી હતી. જેના આધારે જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ ગુનો નોંધવા સુચના મળી હોઇ પોલીસે બોલાવતાં અમે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં જીતેન્‍દ્રભાઇ સોલંકીએ જણાવતાં યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ અ. બી. જાડેજા, ગિરીરાજસિંહ, લખમણભાઇ  સહિતે ગુનો દાખલ કર્યો હતો. એસીપી પી. કે. દિયોરા, બ્રિજરાજસિંહ ઝાલાની ટીમે આરોપીને સકંજમાં લેવા તજવીજ આદરી છે. 

(3:02 pm IST)