Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

લોકસેવા અને પરોપકારની ભાવનાના કારણે વિઠ્ઠલભાઇ આજે પણ લોકોના マદયમાં ધબકે છે

તેમની પુણ્‍યતીથીએ ચોમેર રકતદાન કેમ્‍પ સહીતના સેવાયજ્ઞો

રાજકોટ : પરોપકારી ભાવના ઉજાગર કરનાર વિઠ્ઠલભાઇ રાદડીયાની વિદાય પછી પણ આજે લોકોમાં તેમનું સ્‍થાન એવું  જ અકબંધ રહ્યુ છે. તેમની પૂણ્‍યતીથી નિમિતે ચોમેર રકતદાન કેમ્‍પ જેવા સેવાયજ્ઞો ચાલી રહ્યા છે. અદના આદમી વિઠ્ઠલભાઇની ધરા એટલે જામકંડોરણા. ત્‍યાંની માટી આજે પણ વિઠ્ઠલભાઇના પગલાની અનેક યાદો સાચવીને અડીખમ બેઠી છે. સૌરાષ્‍ટ્ર આખુ જાણતુ કે વિઠ્ઠલભાઇ જેવા રખેવાળથી સૌરાષ્‍ટ્ર સોહામણુ લાગે. ૮ નવેમ્‍બર ૧૯૫૮ ના દિવસે જન્‍મેલા વિઠ્ઠલભાઇ નોખી માટીના માણસ હતા. બી.એ. સુધી અભ્‍યાસ કરી રાજકીય ક્ષેત્રે કેડી કંડારનાર વિઠ્ઠલભાઇએ તાલુકા પંચાયતના પ્રમુખથી લઇને ધારાસભ્‍ય, રાજયના મંત્રી, સાંસદ સભ્‍ય સુધીના પદ પર પ્રભાવ બતાવ્‍યો. અનેક સામાજીક સેવાકીય સંસ્‍થાના ચેરમેન તરીકે રહી લોકસેવાના કાર્યોને ઉજાગર કર્યા. શ્રીનાથજી ભગવાનમાં અનન્‍ય શ્રધ્‍ધા ધરાવતા. કોઇપણના પ્રશ્‍નો આવે એટલે તુરંત ઉકેલ માટે પ્રયત્‍નશીલ રહેતા. નાદુરસ્‍ત તબીયત દરમિયાન પણ તેઓએ છેલ્લે સુધી લોકોના પ્રશ્‍નો અને સમસ્‍યાઓના ઉકેલ માટે જ વિચાર્યુ. આજે તેમના દિકરા જયેશભાઇ રાદડીયા અને લલીતભાઇ રાદડીયા પણ તેમના પંથે ચાલી સેવાયજ્ઞની જયોત જળહળાવી રહ્યા છે. (આલેખન : હાર્દીક સોરઠીયા, મો.૯૦૩૩૫ ૦૭૯૩૧)

 

(11:45 am IST)