Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મને વિશ્વાસ હતો કે કુદરત હંમેશા ન્‍યાય કરે જ છેઃ હેતલ રાયચુરા

રાજકોટની દીકરી ઉપર હૃદય અને ફેફસાનું સફળ ટ્રાન્‍સપ્‍લાન્‍ટઃ હાલમાં પોતાના જ ઘરે આઈસોલેટેડ : ‘ઓર્ગન ડોનેશન' જનજાગૃતિ અર્થે સમાજ સેવામાં નવજીવન વ્‍યતીત કરવાનો હેતલનો સંકલ્‍પઃ પ્રતિ વર્ષ પાંચ લાખ જેટલા ઓર્ગનની જરૂરિયાત- બ્રેઈન ડેડ વ્‍યકિતના હૃદય, ફેફસા, કિડની, લીવર સહિતના અંગો જરૂરિયાતમંદ વ્‍યકિતની જીંદગી બચાવી શકે છે

રાજકોટ, તા. ૨૭: વિલપાવર અને કોન્‍ફિડન્‍સ થકી મૃત્‍યુને સતત હાથતાળી આપી જવલ્લેજ જોવા મળતા કેસમાં શરીરમાં અતિ ઉપયોગી એવા બે ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટની સફળ સર્જરી બાદ નવજીવન પ્રાપ્ત કરતી રાજકોટની હેતલ રાયચૂરાને કુદરતની સાથે મળ્‍યો માનવતાનો સાથ અને સંવેદનશીલ સરકારની સહાય.

આ અંગે માહિતી ખાતાની ટીમને વિગતે માહિતી આપતા સામાન્‍ય પરિવારમાંથી આવતી ૨૮ વર્ષીય હેતલ જણાવે છે કે, મારૂં જીવન ખુબ સરસ રીતે વ્‍યતીત થતું હતું, પરંતુ વર્ષ ૨૦૧૪થી મારૂ સ્‍વાસ્‍થ્‍ય બગાડ્‍યું. બોલવા-ચાલવા સહીત મને થાક લાગતો. મને શ્વાસની તકલીફ થવા લાગી. અનેક ડોકટર્સનું કન્‍સલ્‍ટિંગ કરાયું. નિદાન ઉપચાર ચાલતા પણ સ્‍વાસ્‍થ્‍ય સારું નહોતું થયું. મને એક વર્ષ પહેલા હૃદય અને ફેફસાની તકલીફને કારણે ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ફરજીયાત હોવાનું ડોક્‍ટર દ્વારા જણાવાયું. જેના માટે રૂ. ૪૦ લાખ જેટલો ખર્ચ થશે તેમ હૈદરાબાદની ક્રિમ્‍સ હોસ્‍પિટલ દ્વારા જણાવાયું. આમ છતાં મેં કે મારા પરિવારે હિંમત નો  હારી.

કુદરત હંમેશા ન્‍યાય કરતો હોઈ છે, મારા પરિવારની મદદે રાજકોટના એક કર્મનિષ્‍ઠ ડોકટરે મદદ કરવાનું બીડું ઝડ્‍પ્‍યું. સાથોસાથ મીડિયાએ મારી તકલીફને વાચા આપી.જેના પરિણામે મુખ્‍યમંત્રી રિલીફ ફંડમાંથી મને રૂ. ૧૦ લાખ તેમજ અન્‍ય સામાજિક સંસ્‍થાઓનો સહયોગ પ્રાપ્ત થતા રૂ. ૪૦ લાખનું ફંડ એકત્રિત થયાનું અને સર્જરીની જર્ની તેમજ ઓર્ગન ડોનેશનનું મહત્‍વ હાલ રાજકોટ પરત ફરેલ હેતલ રાયચુરાએ સમજાવ્‍યું. 

હેતલ તેની જર્ની અને નવજીવન બાદના સપનાઓ વિષે વાત કરતા કહે છે કે, છેલ્લા ૬ મહિનામાં માનવ અંગોનું મહત્‍વ સમજાયું છે. ઈશ્વરે આપેલી સૌથી મોટી કોઈ બક્ષિસ હોઈ તો તે સ્‍વાસ્‍થ્‍ય છે. માનવ અંગો મહામુલા છે. તેની યોગ્‍ય જાળવણી કરવી જોઈએ. મને મળેલ હૃદય અને ફેફસા, કે  જે કોઈ વ્‍યક્‍તિએ ડોનેટ કર્યા હશે તેમના પરિવારજનોએ ખુબ જ હિંમતભર્યું પગલું લીધું હશે. લોકો અંગદાન કરી અન્‍યને મદદરૂપ બને તે માટે જાગૃતિ અર્થે આવનારા સમયમાં કામ કરવાનો સંકલ્‍પ હેતલે કર્યો છે. માત્ર એટલું જ નહીં હોસ્‍પિટલ ખાતે ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ટ્રીટમેન્‍ટ દરમ્‍યાનના અનુભવો, કાળજી સહિતની જર્નીની એક બુક લખવાનો પણ હેતલે નીર્ધાર કર્યો છે.

હેતલની ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટની જર્ની એક ચમત્‍કાર હોવાનું પરિવારજનો અને તેમની સાથે સંકળાયેલા ડોક્‍ટરનું કહેવું છે. હેતલના સદનસીબે તેમને સમય કરતા વહેલા ઓર્ગન બેન્‍કમાંથી હૃદય અને ફેફસા મેચ થયા. સફળ સર્જરી, પ્રિકોશનને કારણે માત્ર ત્રણ મહિનામાં જ તેમને રજા આપવામાં આવી. હાલ હેતલ આઈસોલેટેડ રહી વિવિધ એક્‍સરસાઇઝ સાથે અન્‍ય ત્રણ મહિના સુધી ઓબ્‍જઝર્વેશનમાં જ રહેશે.

પહેલા મારી દીકરી ૧૦૦ મીટર ચાલવા પણ અસમર્થ હતી. ફેફસા અને હૃદયના ટ્રાન્‍સપ્‍લાન્‍ટ બાદ તે મુંબઈ એરપોર્ટ ટર્મિનલમાં ૨ થી ૩ કિલોમીટર જેટલું સ્‍વસ્‍થતાપૂર્વક ચાલી. સ્‍વસ્‍થ થઈને હાલમાં જ રાજકોટ પરત ફરેલી હેતલ રાયચુરાના પિતાએ તેની પુત્રીને નવજીવન પ્રાપ્‍ત થતાં અનહદ ખુશી સાથે રાજય સરકાર, દાતાઓ સહિતના સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

નેશનલ હેલ્‍થ વિભાગ પર રજુ થયેલા સર્વે મુજબ વર્ષે ૫ લાખ જેટલા લોકોનું ઓર્ગનના અભાવે મૃત્‍યુ થાય છે. ૨ લાખ જેટલા લોકોને લીવર, ૫૦ હજાર જેટલા લોકોને હૃદય, ૧.૫ લાખ લોકોને કિડનીની જરૂરિયાત સામે માત્ર ૫ હજાર લોકોને અંગ દાન થકી ટ્રાન્‍સપલાન્‍ટ શકય બને છે.

ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્‍યાતી પામી રહેલા સુરતની જેમ રાજકોટ સહિતના અન્‍ય શહેરમાં આ અંગે જનજાગૃતિ વધુને વધુ ફેલાઈ તેમજ લોકોમાં અંગદાન અંગેની ગેર સમજ દૂર થાય તે પણ જરૂરી હોવાનું હેતલ સાથોસાથ સ્‍થાનિક ડોકટર્સ સંસ્‍થાઓનું  માનવું છે.  રાજકુમાર, માહિતી ખાતુ- રાજકોટ, મો.૯૫૫૮૬ ૯૫૦૨૦

(5:04 pm IST)