Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજકોટના હલેન્‍ડા ગામમાં લમ્‍પી વાયરસથી ૧૦ દિ'માં પ૦ થી વધુ ગાય-બળદના મોત

ગઇકાલે સવારથી બપોર સુધીમાં વધુ ૧૪ ગૌવંશના મોતથી અરેરાટી : ખેડૂતોમાં ચિંતા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ર૯ : રાજકોટ આટકોટ રોડ ઉપર આવેલા હલેન્‍ડા ગામે છેલ્લા ૧૦ દિવસથી પશુઓમાં આવેલા લમ્‍પી વાયરસે પ૦ થી વધુ ગાયો અને બળદનો ભોગ લીધો છે પાંચ દિવસથી તંત્રને જાણ કરવા છતાં કોઇ સરકારી પશુ ડોકટર દેખાયા નથી ગામના સેવાભાવી યુવાનોએ વિડીયો વાયરલ કરતા અત્‍યારે બપોરે બે વાગ્‍યે એક ટીમ હલેન્‍ડા આવી છે.

રાજકોટ તાલુકાના હલેન્‍ડા ગામે લમ્‍પી વાયરસે હાહાકાર મચાવ્‍યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ગામનાં સેવાભાવી યુવાન ઉદયભાઇ આહીરના જણાવ્‍યા મુજબ પ૦ થી વધુ ગૌવંશ મૃત્‍યુ પામ્‍યા છે તેમના જણાવ્‍યા મુજબ કાલે સવારથી બપોર સુધીમાં જ ૧૪ ગૌવંશના મૃત્‍યુ થયા હતા.

છેલ્લા ૧૦ દિવસથી હલેન્‍ડામાં લમ્‍પી વાયરસથી રોજ બે પાંચ ગૌવંશના મૃત્‍યુ થાય છે ગામ લોકો અને સરપંચ દ્વારા આ અંગે તંત્રને પાંચ દિવસથી જાણ કરે છે. પરંતુ કોઇ ડોકાવા સુધી આવ્‍યું નથી કે નથી રસીકરણ હાથ ધર્યુ. ગામના સેવાભાવી યુવાનો દ્વારા મૃત્‍યુ પામેલા પશુઓનો અને તેમને દફન કરવા ખાડો ખોદતા જે.સી.બી.નો વિડીયો વાયરલ કરતા આજે બપોરે બે વાગ્‍યે એક ગાડી આવી છે !

મરણ જનાર પશુઓના માલિકમાં ભાવેશભાઇ ઝાપડા  ૩ -ગાય, જીલાભાઇ રાતડીયા  ૧-ગાય, ભૂપભાઇ ઝાપટા પ-ગાય, રાણાભાઇ ઝાપડા ૩-ગાય, નારણભાઇ વકાતર ૩-ગાય, નારણભાઇ ઝાપડા ર-ગાય, બાબુભાઇ રોકડ ૧-ગાય અને ૧-બળદ, વિરમભાઇ મુંધવા ૪, શૈલેષભાઇ મુંધવા-ર, ભૂપતભાઇ ગમારા-૧, પોપટભાઇ ઝાપડા ર, ધનાભાઇ ઝાપડા ૧, રઘુભાઇ ઝાપડા ર, હરેશભાઇ ઝાપડા ૧ ગાય સહિત અનેક માલધારીઓ અને પશુ પાલકોના પશુઓ મૃત્‍યુ પામ્‍યા છે.

તંત્ર દ્વારા કોઇ પગલા નહી લેવાતા પશુ-પાલકોમાં ભારે રોષ ફેલાઇ ગયો છે.

હલેન્‍ડામાં ટપો-ટપ ગૌવંશના મૃત્‍યુ થતા ગામના યુવાનો જેમાં સરપંચ બાબુભાઇ, ઉદય ગરૈયા, વિશાલભાઇ જળુ, દિનેશભાઇ ગમારા, ભાવેશભાઇ ઝાપડા, નિર્મળભાઇ ઝાપડા, ભાવેશભાઇ રાઠોડ સહિતનાં જે.સી.બી. લઇ મૃત્‍યુ પામેલા ઢોરને ખાડો ખોદી દાટી દેવામાં અને બીજી મદદ માટે બે દિવસથી દોડા-દોડી કરી સેવા કરી રહ્યા છે.

હલેન્‍ડા ગામમાં કાલેબપોર સુધીમાં  જ ૧૪ ગૌવંશના મૃત્‍યુ થયા હતા અને હજુ અનેક ગૌવંશ બીમાર છે તંત્ર દ્વારા યુધ્‍ધના ધોરણે યોગ્‍ય કામગીરી નહી કરવામાં આવે તો પશુના મૃત્‍યુનો આંકડો વધી શકે છે.

આ અંગે તંત્ર દ્વારા યોગ્‍ય પગલા ભરવામાં  આવે તે માટે સરપંચ બાબુભાઇ, માજી સરપંચ  વનરાજભાઇ આહીર, સેવાભાવી યુવાન ઉદયભાઇ ગરૈયા સહીતના પશુપાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

(11:10 am IST)