Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

લોકમેળો : યાંત્રિક સ્‍ટોલ ધારકોએ ટીકીટના દર ૪૦ - ૫૦ રૂા. કરી આપવાની માંગણી કરતાં યાંત્રિક સ્‍ટોલની હરરાજી મોકૂફ રહી : હવે ૨ ઓગષ્‍ટે થશે : ભાવવધારાનો નિર્ણય લોકમેળા કમીટી કરશે

હરરાજીમાં હાજર રહેનાર તમામ સ્‍ટોલ ઈચ્‍છુકોએ લેખિતમાં ટીકીટના ભાવ વધારવા અંગે અરજી આપી કલેકટર અને સીટી પ્રાંત - ૧ને વિસ્‍તૃત રજૂઆત : આવતીકાલે આઈસ્‍ક્રીમના ૨૦ ચોકઠાની હરરાજી થશે

રાજકોટ, તા. ૨૯ : રાજકોટમાં આગામી ૧૭ ઓગષ્‍ટથી યોજાનાર ભવ્‍યાતિભવ્‍ય લોકમેળામાં ૩૩૦ સ્‍ટોલની ફાળવણી અંગે વિવિધ કેટેગરીના સ્‍ટોલની કલેકટર તંત્ર દ્વારા જૂની કલેકટર કચેરી ખાતે હરરાજીઓ શરૂ થઈ છે.

ગઈકાલે રમકડાના ૩૨ કોર્નર સ્‍ટોલની હરરાજી બાદ આજે બપોરે ૧૨ વાગ્‍યાથી યાંત્રિક કે જેમાં નાના ચકડોળ, મોટા જમ્‍બો ચકડોળ, ટોરા ટોરા, મોતના કૂવા, કપ રકાબી, હિંચકા સહિતના કુલ ૪૪ સ્‍ટોલની હરરાજી થનાર હતી. પરંતુ તે આજરોજ સ્‍ટોલધારકોની ટીકીટના દર વધારવાની માંગણી સંદર્ભે મુલત્‍વી રહી છે અને હવે આ ૪૪ સ્‍ટોલની હરરાજી તા.૨ ઓગષ્‍ટના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે જૂની કલેકટર કચેરી ખાતે થશે.

આજરોજ હરરાજીમાં ઉપસ્‍થિત રહેનાર યાંત્રિક સ્‍ટોલ ઈચ્‍છુકોએ કલેકટરને અને સીટી પ્રાંત ૧ કચેરીને લેખિતમાં કલેકટર તંત્રે જે ટીકીટના દર રૂા. ૨૦ અને ૩૦ રાખ્‍યા છે તેના બદલે રૂા. ૪૦ અને ૫૦ કરી દેવાની વિનંતી કરી હતી. આ સાથે તંત્રે એવુ જણાવેલ કે આ ટીકીટના ભાવવધારાની જાણ લોકમેળા સમિતિને છે. તાબડતોબ ભાવ વધી ન શકે. તંત્રના આ પ્રત્‍યુત્તર બાદ તમામ સ્‍ટોલધારકોએ એવી વિનંતી કરી હતી કે લોકમેળા કમીટી નિર્ણય કરે પછી હરરાજી કરો તો વધુ સારૂ, પરિણામે અધિકારીઓએ નિર્ણય લઈ હરરાજી મોકૂફ રાખી દીધી છે અને આગામી તા.૨ ઓગષ્‍ટના રોજ યાંત્રિકના ૪૪ સ્‍ટોલની હરરાજી થશે.

દરમિયાન આઈસ્‍ક્રીમ ૨૦ ચોકઠાની હરરાજી આવતીકાલે સવારે ૧૧:૩૦ રાખવામાં આવી હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

(4:02 pm IST)