Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મનપા વધુ ૧૫ મુખ્‍ય સર્કલો જનભાગીદારીથી વિકસાવાશે

શહેરની સુંદરતા વધારાશે : વેસ્‍ટ ઝોનમાં ૬, ઇસ્‍ટ ઝોનમાં ૫ તથા સેન્‍ટ્રલ ઝોનમાં ૪ સર્કલોની પસંદગી : ઓફર મંગાવાઇ : મેયર ડો.પ્રદીપ ડવે આપી માહિતી

રાજકોટ,તા. ૧૯ : શહેરના મુખ્‍ય રસ્‍તાઓના સર્કલોની સુંદરતામાં વધારો થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા સર્કલો જનભાગીદારીથી ૧૫ સર્કલો ડેવલોપ કરવાની ઓફર આપવા માટે ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યાનું મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્‍યું હતું.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્‍યુ હતુ કે, મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી અને અન્‍ય સુવિધાઓ માટે જુદાજુદા પ્રોજેક્‍ટો જેવા કે, પીવાનું પાણી, ડ્રેનેજ, આરોગ્‍ય કેન્‍દ્ર, નાના મોટા ગાર્ડન, આંગણવાડી, શાળાઓ, જાહેર સ્‍વચ્‍છતા, સ્‍પોર્ટ્‍સ ફેસિલિટીઝ, જાહેર માર્ગો, ઓવરબ્રિજ/અન્‍ડરબ્રિજ, હરવા ફરવાના સ્‍થળો, રામવન તથા અટલ સરોવર જેવા સ્‍થળોનો વિકાસ, જાહેર પરિવહન, સ્‍ટ્રીટલાઈટ વગેરેની સુવિધા આપવામાં આવી રહી છે. સાથોસાથ શહેરની ખુબસુરતી વધારવા માટે જુદાજુદા પ્રોજેક્‍ટો હાથ ધરવામાં આવે છે. જેમાં, શહેરના મુખ્‍ય માર્ગોનું ડેવલોપમેન્‍ટ અને આવા મુખ્‍ય માર્ગો પર આવેલ સર્કલોની સુંદરતામાં વધારો થાય તેવા હેતુથી મહાનગરપાલિકા દ્વારા જનભાગીદારીથી ૧૫ સર્કલો ડેવલોપ કરવાની ઓફર આપવા માટે ટેન્‍ડર પ્રસિદ્ધ કરેલ છે.

અગાઉ કટારીયા ચોક સર્કલ, મવડી સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મોરબી રોડ પર બેડી ચોક સર્કલ, પુનિતનગર ૮૦ ફૂટ રોડ પરનું સર્કલ, ચુનારાવાડ ચોક મળી કુલ-૫ સર્કલ શહેરની જુદીજુદી એજન્‍સીઓને સર્કલ ડેવલોપ માટે ફાળવણી કરવામાં આવેલ છે. શહેરના વિવિધ વિસ્‍તારમાં જનભાગીદારીની ડેવલોપ કરવાની ઓફર મંગાવામાં આવેલ સર્કલોની યાદી આ મુજબ છે.

વેસ્‍ટ ઝોન

 શહેરમાં વેસ્‍ટ ઝોનના મુખ્‍ય રસ્‍તાઔ પર આવેલ કુલ-૬ સર્કલો (૧) વગડ ચોકડી, મવડી પાલ રોડ, (૨) જેટકો ચોકડી, મવડી કણકોટ રોડ, (૩) ગોવર્ધન ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, (૪) પુનિતનગર સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, (૫) પંચાયત ચોક, યુનિવર્સીટી રોડ, (૬) આકાશવાણી ચોક, યુનિવર્સીટી રોડ, વગેરે ટ્રાફિક સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરવા તથા ૫ વર્ષ માટેના O&M સહિતના રાઈટ્‍સ મેળવવા ઇચ્‍છુક સંસ્‍થા/પેઢીઓએ પ્રતિ સર્કલ દીઠ વાર્ષિક પ્રીમિયમ આધારિત ઓફર તા.૦૬ ઓગસ્‍ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.

ઇસ્‍ટ ઝોન

શહેરમાં ઈસ્‍ટ ઝોનના મુખ્‍ય રસ્‍તાઓ પર આવેલ કુલ-૫ સર્કલ (૧) નંદા હોલ સર્કલ, કોઠારીયા રોડ, (૨) આહિર સર્કલ, નહેરૂનગર ૮૦ ફુટ રોડ (૩) પટેલ ચોક સર્કલ, નહેરૂનગર ૮૦ ફુટ રોડ, (૪) પાંચ રસ્‍તા, સ્‍વાતી પાર્ક મે.રોડ, કોઠારીયા વિસ્‍તાર (૫) આજીડેમ સર્કલ, ભાવનગર રોડ, જનભાગીદારીથી ડેવલોપ કરવા તથા O&M સહિતના રાઈટ્‍સ મેળવવા ઇચ્‍છુક સંસ્‍થા/પેઢીઓએ પ્રતિ સર્કલ દીઠ વાર્ષિક પ્રીમિયમ આધારિત ઓફર તા.૪ ઓગસ્‍ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.

સેન્‍ટ્રલ ઝોન

શહેરમાં સેન્‍ટ્રલ ઝોનના મુખ્‍ય રસ્‍તાઓ પર આવેલ કુલ-૪ સર્કલો (૧) જલારામ ચોક, વાણીયા વાડી, (૨) ચૌધરી હાઈસ્‍કુલ ચોક, બહુમાળીભવન રોડ, (૩) સ્‍વામીનારાયણ ચોક, કૃષ્‍ણનગર મેઈન રોડ, (૪) માલવિયા ચોક, ડો.યાજ્ઞિક રોડ વગેરે સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરવા ૫ વર્ષ માટેના O&M સહિતના રાઈટ્‍સ મેળવવા ઇચ્‍છુક સંસ્‍થા/પેઢીઓએ પ્રતિ સર્કલ દીઠ વાર્ષિક પ્રીમિયમ આધારિત ઓફર તા.૫ ઓગસ્‍ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.ᅠ

પ્રીમિયમ સાથેના સર્કલો માટે

* શહેરમાં જનભાગીદારીથી પ્રીમિયમ સાથે નવા ડેવલપ કરવાના થતા સર્કલ/આઈલેન્‍ડ માટે પ્રથમ પાંચ વર્ષની મુદ્દત માટે ડેવલપ કરવા મંજુરી આપવામાં આવશે.

* સર્કલ/આઈલેન્‍ડમાં મંજુર થયેલ વાર્ષિક પ્રીમિયમની રકમમાં પ્રતિ વર્ષ પછીના વર્ષની પ્રીમિયમની રકમમાં તેના આગળના વર્ષ કરતા ૧૦% વધુ લેખે મુજબની પ્રીમિયમની રકમ ભરપાઈ કરવાની રહેશે.

* પ્રથમ પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થયા બાદ પરસ્‍પર સમજૂતીથી વધુ પાંચ વર્ષ માટે સક્ષમ કક્ષાએથી મંજુરી મેળવી મુદ્દત લંબાવી શકાશે. આ માટે અંતિમ વર્ષ (પાંચમાં વર્ષ)ના વાર્ષિક પ્રીમિયમને બેઇઝ પ્રીમિયમ ગણીને પ્રતિ વર્ષ ૧૦%ના વધારા સાથે પ્રીમિયમની રકમ ભરપાઈ કરવાની રહેશે.

* રાજકોટ મહાનગરપાલિકા પાસેથી જનભાગીદારીના ધોરણે ટ્રાફિક સર્કલ/આઈલેન્‍ડ ડેવલપ કરવાના હક્ક મેળવનાર સંસ્‍થા/એજન્‍સીએ વાર્ષિક પ્રીમિયમની રકમ કરાર કર્યાની તારીખથી દરેક વર્ષે પ્રીમિયમ શરૂ થવાના વર્ષના પ્રથમ ૩ મહિનામાં ભરપાઈ કરવાની રહેશે. જેમાં કસુર થયે સિક્‍યુરિટી ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે તેમજ ડેવલપમેન્‍ટની મંજુરી રદ કરવામાં આવશે.

* સંસ્‍થા/આઈલેન્‍ડની માલિકી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે. સંસ્‍થા દ્વારા શહેર વધુ સુંદર અને નયનરમ્‍ય બની રહે તે મુજબ અને રાજકોટ મહાનગરપાલિકા સૂચવે તે મુજબ રાષ્ટ્રીય પ્રવાહ સાથે અથવા સામાજીક ઉત્‍થાનને લગત થીમ હોય તે જરૂરી છે.

* જે તે એજન્‍સીએ ડેવલોપ માટે ત્રણ થીમ મહાનગરપાલિકાની ડીઝાઈન કમિટી સમક્ષ રજુ કરવાનું રહેશે.

*સર્કલ/ આઈલેન્‍ડમાં  મહાનગરપાલિકાનો લોગો રાખવાનો રહેશે.

(5:06 pm IST)