Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ભકિતનગર રેલ્‍વે સ્‍ટેશનથી લક્ષ્મીનગર બ્રિજ સુધીનો રોડ પહોળો કરવા મંજુરી : કામગીરી ચાલુ

હવે ટ્રાફિકનો પ્રશ્ન હળવો થવાની સંભાવનાઃ અનેકની યાતનાઓનો અંત આવશે : સ્ટેન્ડીંગના ઠરાવ બાદ રેલવેમાં પ્રશ્ન અટવાતા તાજેતરમાં સાંસદની હાજરીમાં યોજાયેલ મીટીંગ બાદ રેલ મંત્રાલયની સુચના આવી ગઇ : હવે આ રોડ ૨૪ મીટરનો થશે

રાજકોટ : શહેરના વધુ એક રાજમાર્ગ લક્ષ્મીનગર અન્‍ડરબ્રીજથી ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ સુધીનો રોડ પહોળો કરવાની મંજુરી મળતા આજે રેલવે અને મનપાના અધિકારીઓ, કોર્પોરેટરોએ સ્‍થળ મુલાકાત લઇ કામ ચાલુ કરાવ્‍યું હતું. તસવીરમાં ડે.કમિ. આશીષકુમાર, મનપાના બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલ, સીટી ઇજનેર એચ.એમ.કોટક, ડે. કમિ. ચેતન નંદાણી તથા પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર નજરે પડે છે.

રાજકોટ તા. ૨૯ : શહેરના લક્ષ્મીનગર અન્‍ડરબ્રિજથી ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ સુધીના ૯ મીટર રોડને ૨૪ મીટર પહોળો કરવા આખરે રેલવેની મંજુરી મળતા મનપા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રોડ પહોળો થવાથી ભવિષ્‍યમાં ટ્રાફિક સમસ્‍યા ન સર્જાવાની આશા તંત્રવાહકોએ વ્‍યકત કરી હતી.

આ અંગેની પ્રાપ્‍ત માહિતી મુજબ શહેરના લક્ષ્મીનગર અન્‍ડર બ્રિજને લાગુ ૪ રસ્‍તાઓ પહોળા કરવા માટે ઓકટોબર માસની સ્‍ટેન્‍ડીંગ કમિટિ બેઠકમાં લાઇન ઓફ પબ્‍લીક સ્‍ટ્રીટની નીતિ નક્કી કરવામાં આવી હતી છતાં હજુ સુધી રેલવે તંત્ર દ્વારા જમીન કપાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી. રેલવે તંત્રમાં અટવાયેલા પ્રશ્નની ચર્ચા ગત સપ્‍તાહે મનપા અને રેલવે વિભાગના અધિકારીઓની મીટીંગ સાંસદની હાજરીમાં થઇ હતી. આ મીટીંગ બાદ રેલવે મંત્રાલયમાંથી સુચના આવતા સ્‍થાનીક રેલ તંત્ર દ્વારા જમીન કપાત મંજુરી મળી જતા મનપા દ્વારા આ રોડ પહોળો કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ બાવીસી પ્‍લાયવુડથી શરૂ કરી ભકિતનગર રેલવે સ્‍ટેશનના ગેટ સુધી (ભકિતનગર રેલવે સ્‍ટેશનની પૂર્વ દિશા તરફનો રોડ)ને કપાત કર્યા બાદ હાલ ૯ મીટરનો છે તે ૧૫ મીટર વધુ પહોળોકરી ૨૪ મીટર પહોળાઇ મળી રહેશે.

 

ભકિતનગર સ્‍ટેશનથી લક્ષ્મીનગર પુલ સુધીના માર્ગ વિસ્‍તૃતિકરણમાં મોહનભાઇ સહયોગી

રાજકોટ : ભકિતનગર સ્‍ટેશન ગેઇટથી લક્ષ્મીનગરના નવનિર્મિત પુલ સુધીનો રસ્‍તો સાંકળો હોવાથી ટ્રાફિકજામ થઇ જતો હતો. આ રસ્‍તો પહોળો કરવા જમીન માટે રેલવે તંત્રની મંજુરી જરૂરી હતી. મ્‍યુનિસિપલ કોર્પોરેશનની રજુઆત મુજબ સાંસદ મોહનભાઇ કુંડારિયા આ બાબતે સક્રિય હતા. તેમણે રોડ ૯ મીટર પહોળાઇનો છે તે ૨૪ મીટરનો કરવા રેલવેની મંજુરી માટે દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્‍ણવને રૂબરૂ મળી ભારપૂર્વક રજુઆત કરેલ. તેમના પ્રયાસોથી આયોજનમાં ગતિ આવેલ. આખરે રેલવેએ મંજુરી આપતા આજથી કામ શરૂ થયું છે.

(3:34 pm IST)