Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

'વિઝીટર મેેનેજમેન્ટ સીસ્ટમ-સંપર્ક'થી સજ્જ મોડેલ પોલીસ સ્ટેશન 'ગાંધીગ્રામ'

ગુજરાતનું સૌ પ્રથમ કોર્પોરેટ કલ્ચર થીમ ઉપર વિકસાવાયેલ પોલીસ સ્ટેશન : ફરીયાદીને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવતી પોલીસ હવે 'VMS'ના કારણે ઉપરી અધિકારીઓની નજરમાંથી બચી શકશે નહી

કોર્પોરેટ ઓફીસનો અહેસાસ કરાવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની વિવિધ તસ્વીરો તાદ્રશ્ય થાય છે. પોલીસ સ્ટેશનનું પગથીયું ચડતા લાખ વાર વિચાર કરતા આમજનો એક વખત આ પોલીસ સ્ટેશન મુલાકાત લ્યે પછી તેમના માનસ પટલ પર ઘર કરી ગયેલી  છબી બદલાઇ જાય છે. આ પોલીસ સ્ટેશનને મોડેલ પોલીસ સ્ટેશન બનાવવવા પાછળ ડીસીપી મનોહરસિંહ જાડેજાનું માર્ગદર્શન અને પીઆઇ કે.એ.વાળાની કાર્યક્ષમતા મહત્વની બની ઉભરી આવી છે.(ફોટોઃ સંદીપ બગથરીયા)

ગુન્હાહીત પ્રવૃતિને તિલાંજલી આપવા પ્રેરતું 'લોકઅપ'.... : રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આવેલા લોકઅપ ઉપર નજર નાખો તો કોઇ પણ સામાન્ય ગેસ્ટ હાઉસનો રૂ.મ હોય તેવી પ્રતીતી થાય છે. ગંધાતા-ગોબરા લોકઅપમાં સબડતા ગુન્હેગારો જાણે અલગ સ્થળે પહોંચી ગયા હોય તેવું અહિં અનુભવે છે. પીઆઇ વાળાએ લોકઅપની અંદર અને બહાર ગુન્હેગારોને પોતાની માનસીકતા બદલવા વિચાર કરી દે તેવા સુવાકયો ચિત્રાવ્યા છે.

રાજકોટ, તા., ૩૦: રાજકોટનું ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુજરાતનું સૌ પ્રથમ કોર્પોરેટ કલ્ચર થીમ ઉપર વિકસાયેલું પોલીસ સ્ટેશન છે. આ પોલીસ સ્ટેશનને વીઝીટર મેનેજમેન્ટ સીસ્ટમ-સંપર્કથી સજ્જ કરવામાં આવ્યું છે. ફરીયાદી કે અરજદારોને પોલીસ કોઠુ આપતી ન હોવાની અને ધક્કા ખવડાવી પગરખા ઘસાવી નાખતી હોવાની આમ ફરીયાદનો છેદ ઉડાડતી આ સીસ્ટમ છે.  ફરીયાદી-અરજદાર પોલીસ સ્ટેશનમાં જે-તે અધિકારીને મળવા આવશે ત્યારે સિંગલ વીન્ડો પરથી ટોકન ઇસ્યુ થયા બાદ અધિકારીને ઓટોમેટીક ફોન અથવા એસએમએસથી જાણ થઇ જાશે. અધિકારી પોલીસ સ્ટેશનમાં હાજર નહિ હોય તો ફરીથી નાગરીકને કયારે મળવું તેનો સમય મળી જશે.

પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા દરેક વ્યકિત માટે ટોકન સીસ્ટમ દાખલ કરવામાં આવી છે. ટોકન લેતાની સાથે મુલાકાતીનો ફોટો, આઇડી પ્રુફ અને કોન્ટેક નંબર સહિતની માહીતી પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટરમાં આવી જશે.

કોર્પોરેટ કલ્ચર થીમ આધારીત આ પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓ માટે સુવિધાયુકત વેઇટીંગ રૂ.મની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિઝયુઅલ ડીસપ્લે મુકવામાં આવી છે. આ ડીસપ્લેના માધ્યમથી મુલાકાતીને પોતાનો વારો કેટલામો છે? તેની જાણકારી મળી શકશે. આ ઉપરાંત સ્ક્રીન ઉપર લોકજાગૃતીને લગતી માહીતી પણ સતત પ્રસારીત થતી રહેશે. પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો જો ગુન્હાહીત ભુતકાળ ધરાવતા હશે તો તેની વિગત સિંગલ વિન્ડો સીસ્ટમ ઓપરેટરના સ્ક્રીન ઉપર સંગ્રાહીત હશે.

દરેક અરજદારની મુલાકાત પુરી થયા પછી સિંગલ વિન્ડો ફીડબેક લેવામાં આવે છે. જે મોનીટરીંગ અધિકારી સુધી પહોંચશે. જે -તે વિભાગના ઉચ્ચ અધિકારી શહેરના બધા જ પોલીસ સ્ટેશનનું ઓનલાઇન મોનીટરીંગ કરી શકે  છે. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં કેટલા ફરીયાદી-મુલાકાતીઓ આવ્યા? કેટલી અરજી આવી? કેટલી અરજીનો નિકાલ થયો? એક અરજદારને કેટલી વખત પોલીસ સ્ટેશનને આવવું પડયું? સહીતની માહીતી ઉચ્ચ અધિકારીને મળી જશે. અધિકારીઓ પોતાના મોબાઇલ એસએમએસ દ્વારા જે તે મુલાકાતીઓને મુલાકાત આપવી કે નહિ ? તેની પ્રાયોરીટી નક્કી કરી શકશે. જેને લઇને નાગરીકો અને અધિકારીઓનો કિંમતી સમય બચી જશે. મુલાકાતીઓ કે ફરીયાદીના પ્રશ્નોનું સમાધાન જે તે વિભાગ અને અધિકારી દ્વારા યોગ્ય રીતે થયું છે કે કેમ? તેની માહીતી પણ સુપરવીઝન અધિકારીને મળી જશે.

મોડેલ પોલીસ સ્ટેશનમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ સીસ્ટમ, થર્મલ પ્રીન્ટર, ટીવી, એલઇડી કીયોસ્ક,  એલઇડી સ્ક્રીન અને થર્મલ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ આધુનીક સિસ્ટમના ઉપયોગથી મુલાકાતીઓની એન્ટ્રી, ડોકયુમેન્ટની વિગતો, મુલાકાતીનું ટોકન પ્રીન્ટ, વેઇટીંગ રૂ.મમાં બેઠેલા નાગરીકોની જાગૃતી માટેની માહીતી તેમજ વર્તમાન કોરોના કાળમાં દરેક મુલાકાતીઓના શરીરનું તાપમાન, ફોટો સાથે સ્કેન કરતી ટાઇમ-તારીખ સહીતની માહીતી સ્ટોર થઇ જશે.

ગાંધીગ્રામ રાજયનું અનોખ પોલીસ સ્ટેશન બની ઉભરી આવ્યું છે. દરેક દિવાલો ઉપર જુદા-જુદા ચિત્રો થકી જાગૃતી ફેલાવતા સુત્રો લખવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના લોકઅપમાં ગુન્હેગારને બીજી વખત ગુન્હો કરવાનું મન ન થાય તેવા સુત્રો પેઇન્ટ કરવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં પગ મુકતા જ કોઇ કોર્પોરેટ ઓફીસમાં પ્રવેશ્યા હોય તેવો અહેસાસ લોકોને થાય છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂ.પાણીના રહેણાંક વિસ્તારમાં આવેલા આ પોલીસ સ્ટેશનને રાજયના અનોખા પોલીસ સ્ટેશન તરીકે વિકસાવવા માટે ડીસીપી ઝોન-ર શ્રી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યદક્ષ અને પ્રજાલક્ષી કામગીરી કરતા પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.એ.વાળાએ ખુબ જ મહેનત લીધી છે. 

  • સંપર્ક

ફરીયાદી-અરજદાર પોલીસ સ્ટેશનમાં જે-તે અધિકારીને મળવા આવશે ત્યારે 'ટોકન' ઇસ્યુ થયા બાદ અધિકારીને ઓટોમેટીક ફોન/ SMS થી જાણ થશેઃ અધિકારી હાજર નહી હોય તો નાગરીકને ફરી કયારે મળવુ તેનો સમય મળી જશે

-: અહેવાલ :-

જયદેવસિંહ જાડેજા

-: તસ્વીર :-

સંદીપ બગથરીયા

(4:11 pm IST)