Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાજકોટ શહેર-જિલ્લા માટે પ૦ હજાર એન્ટીજન કીટ ખરીદાશે

મુખ્યમંત્રીએ સુચના આપતા આજથી જ ડબલ ટેસ્ટ કરી દેવાયા : હાલ જીલ્લામાં ૧ હજાર તો સીટી માટે ર હજાર કીટ છે : કાલથી સિવિલમાં તાલીમ અપાયેલ ૪૯ સ્ટુડન્ટ (નર્સીગ કોલેજના) ફરજ બજાવશે : મહિને ૧૦ હજારનું ભથ્થુ અપાશે : ગોંડલમાં ૪૮ બેડની હોસ્પિટલ તૈયાર ઓકસીજન લાઇન નખાઇ ગઇ : સમરસ-ગેરૈયા-રેનબસેરામાં હાલ ૮ર કોરોના દર્દીને સારવાર ચાલુ

રાજકોટ, તા. ૩૦ :  રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે શહેર-જિલ્લામાં કોરોના ટેસ્ટ ડબલ કરી નાંખવાની સૂચના આપ્યા બાદ આજથી ગ્રામ્ય ક્ષેત્રે ટેસ્ટ ડબલ કરી નખાયા છે, ઓ ૪પ૦ થી વધુ વ્યકિતના ટેસ્ટ કરાશે તેમ ડોકટરો જણાવી રહ્યા છે.

દરમિયાન આજે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે ટેસ્ટ વધારવાની સુચના હોય, જીલ્લા માટે રપ હજાર અને રાજકોટ શહેર માટે રપ હજાર મળી એમ કુલ પ૦ હજાર કીટ ખરીદાશે. તેમણે જણાવેલ કે ઓર્ડર નથી આપ્યો પરંતુ તબક્કાવાર એન્ટીઝન કીટની ખરીદી થશે અને તેની સંખ્યા કુલ પ૦ હજાર આસપાસ થશે.

અત્રે એ નોંધનીય છે કે પહેલા ર હજાર કીટ આવી હતી પછી ૧પ૦૦ કીટ આવી, હાલ ૧ હજાર કીટ ગ્રામ્ય ક્ષેત્રે માટે અને ર હજાર કીટ રાજકોટ શહેર માટે છે, અને હવે કુલ પ૦ હજાર કીટ તબક્કાવાર ખરીદ કરશે. દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે તાજેતરમાં જે નર્સિગ કોલેજના ફાઇનલ ઇંયરના ર૦૦ સ્ટુડન્ટને તાલીમ અપાઇ હતી, તેમાં પ્રથમ તબક્કાના જે ૮૦ વિદ્યાર્થીઓને તાલીમ અપાઇ તેમાંથી ૪૯ વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં નર્સિગ આસિસ્ટન્ટ તરીકે ઓર્ડર અપાયા છે, જે આવતીકાલે સિવિલમાં ચાર્જ સંભાળશે, દરેકને મહિને ૧૦ હજારનું ભથ્થુ અપાશે અને રહેવા જમવાનું ફ્રી રહેશે.

તેમણે જણાવેલ કે ગોંડલમાં સાયન્સ સેન્ટલ ખાતે ૪૮ બેડ ધરાવતી કોવિડ- હોસ્પિટલ તૈયાર થઇ ગઇ છે, જયાં ઓકસીજન લાઇન પણ નખાઇ ગઇ છે, આવી જ રીતે જેતપુરમાં ૪૮ બેડ અને ધોરાજીમાં ર૦ બેડ ધરાવતી હોસ્પિટલ આ સપ્તાહમાં તૈયાર થઇ જશે.

શ્રી પંડયાએ ઉમેયુ હતું કે રાજકોટની સમરસ હોસ્ટેલમાં -૪૪ રેનબસેરામાં-ર, અને ગેરૈયા કોલેજ ખાતે ર૬ -કોરોના પેશન્ટને સારવાર અપાઇ રહી છે.

એન્ટીજન અંગે તેમણે જણાવેલ કે અમદાવાદ-સુરત માટે જયાંથી કીટ ખરીદાઇ ત્યાં જ ઓર્ડર અપાયો છે.

(3:17 pm IST)