Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ક્રિસ્ટલ મોલ પાસેથી હોકર્સ ઝોનનાં સ્થળાંતર માટે મુદત માંગતાં ફેરિયાઓઃ મેયરને રજુઆત

રાજકોટ તા. ૩૦: શહેરનાં ક્રિસ્ટલ મોલ પાસે ઉભા રહેતાં પ૦થી વધુ રેંકડી ધારકોને આ સ્થળ છોડી અન્ય સ્થળે બનાવાયેલ હોકર્સ ઝોનમાં જવા માટે તંત્રએ નોટીસ આપતાં આજે આ હોકર્સ ઝોનનાં પ૦ થી વધુ ફેરિયાઓએ નવા હોકર્સ ઝોનમાં સ્થળાંતર માટે મુદત આપવા માંગ ઉઠાવી અને આ બાબતે મેયર બીનાબેન આચાર્ય ડે. મેયર અશ્વિનભાઇ મોલિયા અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે ૧૧ વાગ્યે ક્રિસ્ટલ મોલ, જયોતિનગર પાસે ઉભા રહેતાં ખાણી-પીણી સહીતનાં પ૦ થી વધુ રેંકડીધારકોનાં ટોળાએ સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી જઇ મેયર બીનાબેન આચાર્યને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી અને આ સ્થળેથી હોકર્સ ઝોનનાં સ્થળાંતર માટે થોડો સમય મુદત વધારો કરી આપવા માંગ ઉઠાવી હતી.

આ અંગે આવેદનપત્રમાં જણાવાયું હતું કે જયોતિનગર-ક્રિસ્ટલ મોલ પાસે વર્ષોથી પ૦થી વધુ ફેરિયાઓ રોજી-રોટી મેળવે છે ત્યારે અન્ય સ્થળે વેપાર-ધંધાનાં સ્થળાંતર માટે થોડો સમય આપવો જરૂરી છે કેમકે એકાએક સ્થળાંતરથી લોકોની રોજી-રોટી છિનવાઇ જશે. (૭.૩૧)

(4:16 pm IST)