Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

બહેનોના જાગરણમાં 'ઉજાગરા' કરવા નીકળેલા 'બાબુડીયા'ઓને પોલીસે બરાબરના 'પોંખ્યા': કિસાનપરા ચોકમાં છેડતી કરતાં પાંચ શખ્સ પકડાયા

નશો કરી વાહન હંકારતો એક શખ્સ પણ પકડાયોઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી સિધ્ધાર્થ ખત્રીના માર્ગદર્શન હેઠળ ખુદ ડીસીપી રવિમોહન સૈની, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી ભરત રાઠોડ, પી.આઇ. કાતરીયા, પી.આઇ. સોનારા અને કયુઆરટીની ટીમો, મહિલા પોલીસની ટીમોએ સતત રાતભર પેટ્રોલીંગ કર્યુઃ ટુવ્હીલરોમાંથી એરહોર્ન દૂર કરાયાઃ ત્રણ સવારીવાળા પણ ઝપટે ચડ્યા

રાજકોટ તા. ૩૦: જયા પાર્વતિના જાગરણ નિમીતે રવિવારે રાત્રે રેસકોર્ષ રીંગ રોડ પર જાણે દિવસ ઉગ્યો હોય તેમ માનવ કિડીયારૂ ઉભરાયું હતું. આ વ્રતનું જેને જાગરણ હતું તેવી બહેન-દિકરીઓ પોતાના ગ્રુપમાં કે પરિવારના સભ્યો સાથે  મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોઇ શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ જાગરણના વ્રત સાથે જેને કંઇપણ લેવા દેવા નહોતું તેવા બાબુડીયાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. પોલીસે આવા શખ્સોને શોધી કાઢી કારણ વગર ઉજાગરા નહિ કરવા સમજાવ્યા હતાં. આમ છતાં અમુક ન સમજતાં તેને જાહેરમાં ઉઠબેસ કરાવાઇ હતી અને ઘરે રવાના કરાયા હતાં. બીજી તરફ કિસાનપરા ચોકમાં બહેન-દિકરીઓ સામે જોઇ ચેનચાળા કરી સીટીઓ વગાડી કે ઇશારા કરીને છેડતી કરનારા ચાર શખ્સો પણ પોલીસની ઝપટે ચડતાં ગુનો નોંધી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવાયું હતું.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની રાહબરી હેઠળ ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, એસીપી બી. બી. રાઠોડ અને પ્ર.નગર પી.આઇ. બી. એમ. કાતરીયા તથા એ-ડિવીઝન પી.આઇ. બી. પી. સોનારા અને  મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ટીમોએ રાતભર રેસકોર્ષ રીંગ રોડ પર પેટ્રોલીંગ કર્યુ હતું. કયુઆરટીની ટીમે પણ સતત પેટ્રોલીંગ કરી કારણ વગર ઉજાગરા કરવા નીકળેલા અને હો-હા-દેકારો મચાવતાં શખ્સોને શોધી કાઢી ઉઠબેસ કરાવી ઘરે રવાના કર્યા હતાં. ટુવ્હીલરોમાં કર્કશ હોર્ન રાખીને નીકળેલા શખ્સોને આંતરી તેના હોર્ન કઢાવી નાંખ્યા હતાં અને દંડની કાર્યવાહી કરાઇ હતી. ત્રણ સવારીમાં નીકળનારા શખ્સોને પણ અટકાવીને એનસી કેસ કરવામાં આવ્યા હતાં.

દરમિયાન કિસાનપરા ચોકમાં રાત્રે બે વાગ્યા આસપાસ વૈશાલીનગર-૪માં રહેતો રાહુલ હર્ષદભાઇ રાવલ (ઉ.૨૪) રોડ પર ઉભો રહી બહેન દિકરીઓ સામે હાથથી ઇશારા કરી સીટીઓ મારી ચેનચાળા કરતો મળતાં પીએસઆઇ એસ. વી. સાંખરા, હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, કરણભાઇ વિરસોડીયા, ભાવેશભાઇ, નરેશભાઇ, જગદીશભાઇ સહિતના સ્ટાફએ જીપીએકટ ૧૧૦ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારબાદ રાત્રે ત્રણ વાગ્યે આ સ્થળે જ બે શખ્સો મેહુલ જેસીંગભાઇ હેરભા (ઉ.૨૩-રહે. સોમનાથ પાર્ક-૪ રણુજા મંદિર પાસે) અને સંદિપ રસિકભાઇ રાદડીયા (ઉ.૨૪-રહે. ગોકુળ પાર્ક-૩, રણુજા મંદિર પાસે)ને પણ સીટીઓ વગાડી વ્રત રાખનારી બહેનો સામે ચાળા કરતાં પકડી લીધા હતાં.

તેમજ સવારે પોણા ચાર વાગ્યે કિસાનપરા-૩માં રહેતાં જયકર રવિન્દ્રભાઇ વૈશ્નવ (ઉ.૨૬)અને ધવલ જયેશભાઇ ભટ્ટ (ઉ.૨૨)ને જીલ્લા પંચાયત ચોકમાંથી બહેન-દિકરીઓ સામે ચેનચાળા કરતાં પકડી લેવાયા હતાં.

 આ ઉપરાંત કિસાનપરા ચોકમાંથી જતીન હસમુખભાઇ રાઠોડ (ઉ.૨૮-રહે. સુર્ય પાર્ક બી-૨, અમીન માર્ગ) સવારે પાંચ વાગ્યે દારૂ પી એકટીવા હંકારી નીકળતાં પકડી લેવાયો હતો. તસ્વીરોમાં વાહનોમાંથી એરહોર્નકાઢવાની કાર્યવાહી કરતી પોલીસ, ત્રીજી તસ્વીરમાં ડીસીપી સૈની, એસીપી જે. એચ. સરવૈયા, બી. બી. રાઠોડ, પી.આઇ. બી. પી. સોનારા તથા અન્ય તસ્વીરોમાં રેસકોર્ષ રીંગ રોડ પર ચેકીંગમાં નીકળેલો પોલીસ સ્ટાફ, મહિલા પોલીસની ટીમો તથા ઉઠબેસ કરતાં બાબુડીયાઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૯)

(4:09 pm IST)