Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

રાજર્ષિ સેવાશ્રમની મુલાકાત લેતા મુખ્યમંત્રી રૂપાણી

સાત હનુમાન મંદિર (ખિરસરા)ખાતે મસ્તક ઝુકાવી આશિર્વાદ લેતા વિજયભાઇઃ ગૌશાળા નિહાળી : ગોસંવર્ધન અને ગીર ગાયના ઉછેર અંગે વિસ્તૃત જાણકારી મેળવીઃ ભાજપ આગેવાનોની પણ ઉપસ્થીતી

રાજકોટ તા.૩૦: રાજ્યના મુખ્યમંત્રી રાજકોટના ગઇકાલે એમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે પણ ગૌશાળાની મુલાકાતે આવ્યા હતા. સાત હનુમાન મંદિરે માથું ટેકવી, હનુમાનજીના આશિર્વાદ લઇને એમણે ખીરસરા મોટા વડા રોડ પર આવેલી રાજર્ષી સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત ગૌ શાળાની મુલાકાત લીધી હતી. ગૌ સેવાની પ્રવૃતિ માટે વિશેષ અનુરાગ ધરાવતા જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇએ ગૌ શાળામાં ચાલતી તમામ પ્રવૃતિ અંગે ઝીણવટભરી વિગતો લીધી હતી. ગીરગાયના સંવર્ધન દ્વારા ખેતી, પશુપાલન, પર્યાવરણની અનેક સમસ્યા નિવારી શકાય એવું એમણે કહ્યું હતું.

ખીરસરા-મોટાવડા રોડ, રાજકોટથી ૧૫ કીલોમીટર દુર આવેલી રાજર્ષી આશ્રમ સંચાલિત ગૌ શાળામાં શનિવારે બપોેરે ૧૨-૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી,પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભાજપના આગેવાન ચેતન રામાણી, કારોબારી ચેરમેન હરીશચંદ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ પાંભર,બકુલસિંહ જાડેજા, મુકેશ તોગડીયા, જયુકાકા સહિતના અગ્રણીઓ ગૌ શાળાની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

સમગ્ર વાત દરમિયાન વિજયભાઇનો ગૌ સેવા માટેનો અભિગમ ગાય પાલન માટેની સતત નિસબત અને પશુપાલકો માટેની પણ સંભાળની વૃત્તિ સતત દેખાઇ હતી. સાત હનુમાન મંદિર દર્શન કર્યા બાદ ગૌ શાળામાં જઇ એમણે ગીરગાયના સંવર્ધન માટેની માહિતી મેળવી હતી. રાજર્ષી સેવાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, દર્શનસિંહ જાડેજા સાથે વિસ્તૃત ચર્ચા કરીને એમણે ગીરગાયની ઓલાદ તથા ૧૦૦ ટકા ગીર ઓલાદના ખૂંટ વિશે પણ વિગતે ચર્ચા કરી હતી. આ ગૌ શાળાના નંદીઘરમાં અસ્સલ ગીર ઓલાદના ખૂંટો રાખવામાં આવ્યા છે.

૩૦૦થી વધારે ગીર ઓલાદની ગાય અને એમની સંભાળ જે રીતે અહીં લેવાય છે એ જોઇને મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. એમણે વાત કરતાં કહ્યું કે ગાય આધારિત ખેતી આજના સમયની માંગ છે. રાસાયણિક ખાતર અને અન્ય જે કોઇ પણ બાબત જમીનની ગુણવત્તા કે ખેતી વિકાસમાં બાધક બને છે એની સામે ગાયનું છાણ,ખાતર સૌથી વધારે ઉપયોગી છે. ગૌમૂત્ર પણ અનેક રોગ માટે ઉપયોગમાં લેવાય છે. મુખ્યમંત્રી આશ્રમ સંચાલિત ઔષ્ધવનની પણ મુલાકાત લીધી હતી.

વિજયભાઇ રૂપાણી આમ પણ જીવદયા પ્રેમી મુખ્યમંત્રી છે. હંમેશા એમણે નિરાબત દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૨૦૧૭ના મે માસમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજના ઉપક્રમે ગૌપાલકોનું સન્માન કરાયું ત્યારે પણ મુખ્યમંત્રી વિજયભાઇએ નરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન પણ કર્યુ હતું. રાજકોટ અને આસપાસ આજે મુખ્યમંત્રીના સંખ્યાબંધ કાર્યક્રમ હતા. લોકાર્પણ, ઉદઘાટન સહિતના કાર્યક્રમની વ્યસ્તતામાંથી પણ એમણે ગૌશાળા માટે સમય ફાળવ્યો હતો.

લોધીકાના મોટા વડા ખાતે 'મિશન વિદ્યા' અભિયાનને ખુલ્લો મુકવા પધારેલા રાજ્યના ગૌપ્રેમી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમ પૂર્ણ કરી રાજકોટ પરત ફરી રહ્યા હતા. યોગાનુયોગ શનિવાર પણ હોય રાજર્ષિ સેવાશ્રમ સંચાલિત સાત હનુમાન મંદિર ખાતે દર્શન લાભ લેવા ત્થા સિધ્ધેશ્વર ગૌશાળાની ગૌ-સેવાશ્રમની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીના પદભાર સંભાળતાની સાથે જ ગૌ સેવા તથા બહુમૂલ્ય ગીર ગાય અને કાંકરેજ ગાયના સવર્ધન દ્વારા શ્વેત ક્રાંતિની હોમાયત કરનાર વિજયભાઇ રૂપાણીએ ગત બજેટમાં પણ ગીર ત્થા કાંકરેજ ગાયના સંવર્ધન ત્થા જાળવણી માટે મોટી રકમની જોગવાઇ કરી ગામડે ગામડે નંદીઘર માટેનું અભિયાન પણ આદર્યુ છે.

ગૌસંવર્ધન માટે જાતે જ થયેલી કામગીરી ઉપર ધ્યાન આપતા મુખ્યમંત્રીએ રાજર્ષિ સેવાશ્રમ ખાતેનો કોઇ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ હોવા છતાં પોતાના મનપસંદ વિષય ત્થા ઝુંબેશને અનુલક્ષીને ખાસ્સો સમય આ પવિત્ર આશ્રમ ખાતે ફાળવીને ગીર ગાયો અંગે વિવિધ બાબતોની જાણકારી મેળવીને સાંત્તત સમયમાં અત્યંત આવશ્યક કામગીરીમાં વધુને વધુ સફળ યોગદાન મળે તે માટે અંગત રસ દાખવ્યો હતો.

રાજર્ષિ સેવાશ્રમ ખાતે તૈયાર તથા અસ્સલ ઓલાદના ૫૦ જેટલા ગીર ખૂંટ અંગે જાતે નિદર્શન કર્યુ હતું અને કામગીરીને બિરદાવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની રાજર્ષિ સેવાશ્રમ ખાતેની મુલાકાત વેળાએ જિલ્લા કલેકટર શ્રી રાહુલ ગુપ્તા, રેન્જ ડી.આઇ.જી.શ્રી સંદિપસિંઘ, જિલ્લા પોલીસ વડા શ્રી અંતરિપ સુદ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયા પણ ઉસ્થિત રહ્યા હતા.

(4:09 pm IST)