Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ગમે તેટલા સભ્યો પક્ષપલ્ટો કરે, પક્ષાંતર ધારો લાગુ પડે જ

૧/૩નો નિયમ આખી પાર્ટીમાં ભંગાણ પડે ત્યારે જ અસરકર્તા : જિલ્લા પંચાયતના બાગીઓ સભ્યપદેથી ગેરલાયક ઠરવાની લટકતી તલવાર

રાજકોટ, તા., ૩૦: જિલ્લા પંચાયતના બહુમતી સભ્યોએ તા.ર૭મીની સામાન્ય સભામાં કોંગ્રેસના વ્હીપનો અનાદાર કરી તેની વિરૂધ્ધ મતદાન કરતા હવે રાજકીય રીતે અને કાનુની રીતે શું થશે? તે સવાલ ઉભો થયો છે. સામાન્ય છાપ એવી છે કે કુલ સભ્ય સંખ્યાના ૧/૩ સભ્યો પક્ષાંતર કરે અથવા વ્હીપનો અનાદર કરે તો પક્ષાંતર ધારો લાગુ પડવા પાત્ર નથી. આવા સંજોગોમાં ગેરલાયક ઠરવામાંથી બચી શકે છે પરંતુ સરકારના આધારભુત સુત્રો અને કાનુની નિષ્ણાંતો તેનાથી અલગ અભિપ્રાય આપે છે તે લોકોના અભિપ્રાય મુજબ ગમે તેટલા સભ્યો પક્ષ પલ્ટો કરે તો પણ પક્ષાંતર ધારો લાગુ પડી શકે છે. જો રાજકોટ જિલ્લા પંચાયતના કિસ્સામાં બાગીઓ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન ન થાય તો સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કાર્યવાહી થવાના નિર્દેશ મળે છે.

સરકારી સુત્રો એવુ કહે છે કે જયારે કેન્દ્ર કક્ષાએથી આખી પાર્ટીમાં ભંગાણ પડે અને તે વખતે જો સ્થાનિક કક્ષાએ ૧/૩ સભ્યો પક્ષ પલ્ટો કરે તો પક્ષાંતર ધારા હેઠળના પગલાથી બચી શકે. જો આ જ વાત આખરી રહે તો રાજકોટના કિસ્સામાં પક્ષાંતર ધારો લાગુ પડવા પાત્ર બને છે.

કુલ ૩૬ સભ્યો ચુંટાયેલા હોવાથી ઓછામાં ઓછા ૧ર સભ્યો પક્ષપલ્ટો કરે તો પક્ષાંતર ધારો લાગુ ન પડે તે બાબત સાથે સરકારના સુત્રો સંમત થતા નથી. કેન્દ્ર કક્ષાએ કોંગ્રેસમાં ભંગાણ જેવી કોઇ સ્થિતિ ન હોવાથી પક્ષાંતર ધારાની બાગીઓ માટેની જોગવાઇઓનો રાજકોટના કિસ્સામાં લાભ મળવા પાત્ર નથી.  ૩૪ પૈકી ગમે તેટલી સંખ્યામાં સભ્યો પક્ષપલ્ટો કરે તો પણ કોંગ્રેસ ફરીયાદ કરીને પક્ષાંતર વિરોધી ધારા હેઠળ કાર્યવાહી કરાવી શકે છે.

રાજકોટ જિલ્લા પંચાયતના કિસ્સામાં પાર્ટીના આદેશના અનાદાર બદલ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી થઇ શકે કે નહિ? તે બાબતે વિભિન્ન મત પ્રવર્તે છે. જો બાગીઓ સાથે સમાધાન ન થાય તો કોંગ્રેસ તમામ બાગી સભ્યોને સામાન્ય સભાની કાર્યવાહીના રેકોર્ડના આધારે ઘરે બેસાડી દેવા માંગે છે. સૌ પ્રથમ અપીલ સરકારના સચિવ કક્ષાના અધિકારી પાસે કરવાની હોય છે. ત્યાર બાદ તેના ચુકાદાથી સંતોષ ન થાય તો કોઇ પણ પક્ષકાર હાઇકોર્ટમાં અપીલમાં જઇ શકે છે. સચિવ સમક્ષ સુનાવણી અને ચુકાદામાં અમર્યાદિત સમય પસાર ન થઇ જાય તે માટે પણ કોંગ્રેસના નિષ્ણાંતો કાનુની સલાહ લઇ રહયા છે. જિલ્લા પંચાયતમાં આવનારા દિવસોમાં લાંબા રાજકીય અને કાનુની જંગના એંધાણ વર્તાઇ રહયા છે.

(4:05 pm IST)