Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

આવતીકાલે રફીદાની પૂણ્યતિથિ

સૂરના શહેનશાહ - રફી

રફી કાયમ કહેતા 'મુઝે તો બસ ઐસા લગતા હૈ કિ જૈસે અલ્લાહને મુઝે સિર્ફ યહી એક હુનર દે કર દુનિયામે ભેજા હૈ' : 'ચમન તો બેશક ન હુઆ ખાલી, પર અબ વો બહાર કહાં જો આપ લેકર આયે થે ?' - યાસમીન ખાલિદ રફી : રફી સાહેબે ૧૯૬૦ જેટલી ફિલ્મોમાં અંદાજે ૪૯૪૯ ગીતો ગાયા : એક જ દિવસમાં ૬ ગીતોનો રેકોર્ડ : ૩૬ વર્ષ સુધી હિન્દી ફિલ્મોમાં પોતાનો સ્વર આપ્યો : શમી કપૂર માટે ખાસ ગાયનશૈલી વિકસાવેલી : શરાબ, ધૂમ્રપાનને કદી હાથ નથી

મુંબઇની બોમ્બે હોસ્પિટલમાં તા.૩૧ જૂલાઇ ૧૯૮૦ની રાત્રે ૧૦-૨૫ વાગ્યે વિશ્વ વિખ્યાત ગાયક મહમ્મદ રફીએ દેહ છોડયો. રેડીયો ઉપર આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. 'હિન્દુસ્તાન કે અજીમતરીન ગુલુકાર મુહમ્મદ નહી રહે' સમગ્ર વિશ્વમાં ફેલાયેલા રફી ચાહકોના હૃદય ધબકારો ચૂકી ગયા. સંગીત ચાહકો ઉંડા શોકમાં સરી પડયા એ પછીના દિવસે રફીના પાર્થીવ શરીરના દર્શન માટે લાખો લોકો ઉમટી પડયા. સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે નિષ્પ્રાણ બની ગઇ.

આ કારમી ઘટનાને આજે ૩૮ વર્ષના વહાણા વાઇ ચૂકયા છે. આજે પણ રફીનો અવાજ સાંભળવા કાન અને હૃદય તરસી રહ્યા છે. નાનામાં નાના ચાહકથી લઇને સંગીતકારો, બધા જ રફીનો વિકલ્પ શોધવા લાગી ગયા, પણ બધાને નિરાશા જ મળી છે. રફીનો વિકલ્પ માત્ર રફી જ હોઇ શકે.

ફિલ્મ કથા લેખક સલીમ ખાને રફી વિશે બહુ દિલચસ્પ વાત કહી હતી. 'મુહમ્મદ રફી તો એક સુફી થે, જો અલ્લાહ કી બખ્શી આવાઝ સે ગાને ગાતે થે, કભી કોઇ દુસરા રફી હો હી નહી સકતા, કયોં કી ઉપરવાલા અપને ખાસ કરમ દોહરાતા નહી.'

રફીએ ગાયેલા ગીતોની કોઇ ચોકકસ સંખ્યા ઉપલબ્ધ નથી પરંતુ એક અંદાજ પ્રમાણે તેમણે ૧૯૬૦ જેટલી ફિલ્મોમાં અંદાજે ૪૯૪૯ ગીતો ગાયા છે. માત્ર એક દિવસમાં તેમણે ૬ ગીતોનો રેકોર્ડ કર્યો હતા. તે તેમનો પોતાનો રેકોર્ડ છે. આ ઉપરાંત ૧૯૬૦ના વર્ષ દરમિયાન તેમણે પોતાની કારકીર્દીના સૌથી વધુ ગીતો અર્થાત ૨૧૦ ગીતો ગાયા હતા. રફીએ સતત ૩૬ વર્ષ હિન્દી ફિલ્મોમાં પોતાનો સ્વર આપ્યો હતો.

રફીના અવાજે અનેક ફિલ્મ અદાકારોની કારકિર્દી ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આવા કલાકારોમાં રાજેન્દ્રકુમાર, ધર્મેન્દ્ર અને શમ્મીકપુર અગ્રસ્થાને ગણાવી શકાય. અભિનેતાઓની અભિનય છટા પ્રમાણે રફી પોતાની શૈલી બનાવતા, તેથી તેઓ 'અવાજના અભિનેતા' તરીકે પ્રખ્યાત થયા હતા. શમ્મીકપુર માટે તો તેમણે ખાસ ગાયનશૈલી વિકસાવી હતી.

ફિલ્મ 'જાનમ સમજા કરો' (૧૯૯૮)ના શુટીંગ માટે શમ્મીકપુર લંડન ગયા હતા. રફીના પૌત્ર શશીદ સાથે કોઇએ શમ્મીકપુરનો પરિચય કરાવ્યો. શમ્મીકપુરે તેના માથા ઉપર હાથ રાખીને તેને આર્શિવાદ આપ્યા અને કહ્યુ, 'બેટે, તુમ્હારે દાદાજી બહુત હી બડે ગાયક થે, ઉનકી તારીફમે મૈ કયાં કહુ ? બસ ઇતના કહુંગા કિ મેરી મકબુલીયનમે તુમ્હારે દાદાજી કા બહુત બહા હાથ હૈ.'

ફિલ્મ 'જંગલી'ના રફી સાહેબના ગાયેલા 'યાહુ...' ગીતની સફળતાથી ભલભલા સંગીતકારો ચમકી ઉઠયા હતા. આ સમયે શશીકપુર ફિલ્મ 'જબ જબ ફૂલ ખીલે' કરી રહ્યા હતા. તે ફિલ્મના સંગીતકાર કલ્યાણજી - આણંદજી યે 'યાહુ'ના ચોકઠામાં રહીને રફીના અવાજમાં એક તોફાની ગીત કમ્પોઝ કર્યુ. આ ગીતના શબ્દો હતા 'યાહુ ખુદાયા... વાહ.. ઇસ દિવાને દિલને કયા જાદુ ચલાયા' રફીયન સ્પર્શે આ ગીતને પણ લોકપ્રિય બનાવ્યું.

રફીને સંગીત પ્રત્યે લગાવતો બચપણથી જ હતો. ૧૦ વર્ષનો રફી તેના ગામમાં એક ફકીર આવતા તેની પાછળ તેના ગીત ગઝલ સાંભળતો સાંભળતો ચાલતો જતો. એ ફકીરના ગાયેલા શબ્દો રફીને કાયમ માટે યાદ રહી ગયા હતા. 'ખેદન દે દિન ચાર' (ખેલ મસ્તીના થોડા દિવસો છે)

આમ તો રફીની માતૃભાષા પંજાબી હતી. રફી જયારે પણ ઉર્દુમાં વાત કરતા ત્યારે તેની ભાષામાં પંજાબી અંદાજ આવી જતો. રફી તેમના બાળકો તથા પરિવાર સાથે ઉર્દુમાં વાતચીત કરતા હતા.

૧૯૪૪થી પાર્શ્વગાયનની શરૂ થયેલ. રફીની ગાયન કલાને ૧૯૪૮થી વેગ મળ્યો અને એ પછી તો તેમણે કદી પાછુ વાળીને થયુ નથી. ફિલ્મ ઉદ્યોગના તેઓ ખૂબ જ લોકપ્રિય અનિવાર્ય ગાયક બની ગયા.  રફીના સાળા ઝહીર ૧૯૫૦ થી રફી સાથે જોડાયા. રફીના સેક્રેટરી તરીકે તેઓ વહેલી સવારે રફી પાસે આવી જતા. રેકોર્ડીંગ કે રિહર્સલ હોય કે કોઇ પ્રોગ્રામ હોય, ઝહીર સતત રફીની સાથે જ રહેતા. રફીએ ગાવાના ગીતો સુંદર અક્ષરે ઝહીર રફી માટે ડાયરીમાં લખી આપતા. ઝહીર અભિનેતા રાજેન્દ્રકુમારના ફેન હતા. રહેનસહેન તથા પોષાકમાં પણ તેમની નકલ કરતા હતા. રફીના પડછાયો બનીને સતત સાથે  રહેતા ઝહીર રફીના અવસાન પછી એક વર્ષે ગુજરી ગયા.

રફી અલગ અલગ પ્રકારના વ્યંજનોના શોખીન હતા. ઠંડી લસ્સી, આઇસ્ક્રીમ - ખાટુ તીખુ બધુ જ ખાતા રહેતા પણ શરાબ, પાન, ધુમ્રપાન ને તેમણે કદી હાથ નથી લગાડયો.

રફી હંમેશા સંગીતકારના કમ્પોઝીશનને વફાદાર રહીને પોતાના ઇમ્પ્રુવાઇઝેશન સાથે ગાતા. સંગીતકારો સાથે સારા સબંધ હોવાના નાતે કયારેક ગીત માટે સૂચન કરતા હતા. સંગીતકાર શંકર જયકિશનના સંગીતમાં પ્રોફેસરના ગીત 'મૈ ચલી મૈ ચલી' માં રફીએ 'સજદે મે હુશ્ન કે ઝૂક ગયા આસમાન' અંગે નાનુ પણ કર્ણપ્રિય સૂચન કરેલુ. એ લાઇન નીચેના સૂરથી ઉપર ઉઠાવવાનું સુંદર સૂચન રફીએ કર્યુ હતુ. આ સૂચન સંગીતકારોએ તુરંત જ સ્વીકારી લીધુ હતુ.

રફીના સરળ સ્વભાવ વિશે એક ઘટના જાણવા જેવી છે. રફીને રાહુલદેવ બર્મનના સંગીતમાં 'હમ કિસીસે કમ નહી' (૧૯૭૭)ના ગીત 'કયાં હુઆ તેરા વાદા' એ ગીત માટે ફિલ્મ ફેર એવોર્ડ જાહેર થયેલો. એ જ વર્ષે સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલને ફિલ્મ 'અમર અકબર એન્થોની'ના સંગીત માટે પણ એવોર્ડ જાહેર થયેલો, તે સમયે જે તે પાર્શ્વ - ગાયકે એવોર્ડ ફંકશનમાં ગીત ગાવું પડયું હતુ. રફીએ વિચાર્યુ કે, લક્ષ્મીકાંત - પ્યારેલાલની ઓરકેસ્ટ્રા મંચ ઉપર હશે તો તેઓ રાહુલ દેવ બર્મનનું ગીત કેવી રીતે ગાશે ? લક્ષ્મીકાંત - પ્યારેલાલ સાથ આપશે ?  આ મનોમંથન બાદ રફીએ એવોર્ડ ફંકશનમાં ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો. બધા લોકો મુંજાઇ ગયા. છેવટે સંગીતકાર પ્યારેલાલને ખબર પડતા જ તેમણે રફીને ફોન કર્યો અને કહ્યુ, 'રફી સા'બ, આપ એવોર્ડ લેને જરૂર આયેંગે, હમ અપની ઓરકેસ્ટ્રા કે સાથ આર.ડી. કા ગીત જમકર બજાયેંગે' આ સાંભળીને રફી ખૂબ જ ખૂશ થયા, અને ફંકશનમાં પણ ગયા. જયા સંગીતકાર ઓ.પી.નય્યરના હાથે તેમને એવોર્ડ એનાયત થયો.

રફી એક શ્રેષ્ઠ ગાયક હોવા ઉપરાંત  હાર્મોનિયમ વાદક તથા તબલાવાદક હતા. નવરાશની પળોમાં તેમણે કેટલીક ગૈરફિલ્મી રચનાઓ કમ્પોઝ કરી હતી. જે આજે પણ ચાહકોના સંગ્રહમાં સાંભળવા મળે છે.

રફીના પુત્રવધુ યાસમીને એક વાર ઉત્સાહમાં કહ્યુ, 'અબ્બા, આપ જૈસા તો કભી કોઇ ગા હી નહી શકતા.' રફીએ કહ્યુ, ' અરે, અરે, ઐસા નહી કહેતે, અલ્લાહ કો બડે બોલ બુરે લગતે હૈ' રફી પોતાના ગીત વિશે હંમેશા સતર્ક રહેતા. ગીતની શુ જરૂરત (ડિમાન્ડ) છે તે પ્રમાણે તેઓ સૂર લગાવતા અને હરકત આપતા હતા.

રફી આપવા માટે એટલો અમુલ્ય વારસો મૂકીને ગયા છે કે કોઇપણ ભાવકને તેમાથી પ્રેરણા મળી રહે છે.

રફીના ચાહકો માત્ર ભારતમાં જ નહી બલ્કે સરહદ પાર વિદેશોમાં પણ ફેલાયેલા છે.અવાર નવાર રફીની યાદમાં કાર્યક્રમો યોજાતા રહે છે. ગુજરાત અમદાવાદમાં પણ રફીની સ્મૃતિમાં કાર્યક્રમો યોજાતા રહે છે. સુવિખ્યાત લેખક અને સંગીતપ્રેમી અશોકભાઇ દવે પણ રફીના ચાહક છે. ઉમેશ મખીજા (અમદાવાદ)એ તો પોતાના ઘરને 'રફી સ્મૃતિ ભવન' બનાવી દીધુ છે. રાજકોટના રફી ચાહક અને ભકત જીતેન્દ્રભાઇ ભટ્ટે પણ રફીની સ્મૃતિમાં 'રફી ફેન કલબ'ની સ્થાપના કરી છે. તેમાં ગુજરાત કે ગુજરાત બહારથી પણ રફીના ગીતોના ગાયકોને નિમંત્રણ આપતા રહે છે. ગુજરાતના અગ્રપંકિતના ગાયકો બંકિમભાઇ પાઠક, ચિરાગ દેસાઇ, વિશ્વનાથ બાટુંગે, નફીસ આનંદ જેવા રફી ચાહકો રફીના ગીતોને પ્રસાર આપીને ઉમદા સાંગીતિક પ્રદાન આપે છે. રફીયન માર્ગના આ સઘળા પ્રવાસીઓએ રફીને સમગ્ર વિશ્વમાં વધુને વધુ લોકો સુધી પહોચાડવાનું ઉમદા કાર્ય કર્યુ છે. રફી જેટલી જ સરળતા આ સર્વે કલાકારોને મહાન બનાવે છે. (૪૫.૫)

રફી કાયમ કહેતા 'મુઝે તો બસ ઐસા લગતા હૈ કિ જૈસે અલ્લાહને મુઝે સિર્ફ યહી એક હુનર દે કર દુનિયામે ભેજા હૈ'

સલામ રફી સાહેબ !

સંકલન - લેખન જયંત જોશી

મો. ૯૪૨૬૨ ૫૦૮૦૭, માહિતી સંદર્ભે, મુહમ્મદ રફી, હમારે અબ્બા કુછ યાદે, યાસમીન ખાલિદ રફી

(3:57 pm IST)