Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ભીમનગરમાં પાણીની લાઇન લીકેજ અંગે વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરિયા તંત્રને બદનામ કરે છે : મેયર

વર્ષો જુની લાઇનમાંથી પાણી નિકળે છે જેનું સમારકામ ચાલુ છે અને નવી પાઇપલાઇન નાંખવાની છે : બીનાબેન આચાર્ય, અશ્વિન ભોરણિયા, જ્યોત્સનાબેન ટીલાળાની સ્પષ્ટતા

રાજકોટ તા. ૩૦ : વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર અને મેયર બિનાબેન આચાર્ય, અશ્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, આજરોજ વોર્ડ નં.૧૦ના કોંગ્રેસના કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ ભીમનગર ચોકથી કાલાવડ રોડ જડુસ સુધીની લાઈનમાં લાખો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે, તેવો પ્રચાર કરી રહ્યા છે. અને તંત્રને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અંબિકા ટાઉનશીપ, ભીમનગર, આંબેડકરનગર વિગેરે વિસ્તારને પાણી વિતરણ માટેની ભીમનગર ચોકથી કાલાવડ રોડ સુધીની ઘણા વર્ષો જૂની એમ.એસ.પાઈપ લાઈન આવેલ છે. આ પાઈપ લાઈન ઘણા વર્ષો જૂની હોય જેના કારણે લીકેજ થવાના બનાવ બનેલ છે. અને આ લાઈનમાં જયાં જયાં લીકેજ છે તેને બંધ કરવા તંત્ર દ્વારા ૦૨ દિવસથી કામગીરી ચાલી રહી છે.

વિશેષમાં વર્ષોજુની લોખંડની લાઈનની જગ્યાએ નવી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાની કાર્યવાહી પણ ગતિમાં છે. બેક દિવસમાં પાઈપ લાઈનનું ઓનલાઈન ઇન્સ્પેકશન પણ કરવામાં આવનાર છે. ઇન્સ્પેકશન થયા બાદ ડી.આઈ. પાઈપ લાઈન સપ્લાય થાય કે તુરંત જ નવી પાઈપ લાઈન નાખવાની કામગીરી શરૂ થશે. અને આ માટે એજન્સીને સુચના પણ આપવામાં આવેલ છે. આ વર્ષો જૂની લાઈન બદલવા તંત્ર કાર્યવાહી કરી જ રહેલ છે. પરંતુ કોરોના મહામારીના અનુસંધાને લોકડાઉનના કારણે આ લાઈન બદલી શકેલ નહિ. પરંતુ હવે ટૂંક સમયમાં જ પાઈપ સપ્લાય થઇ જશે અને કામગીરી પણ શરૂ થઇ જશે. જેથી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ વિગતની જાણકારી મેળવ્યા વિના તંત્રને બદનામ કરવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહેલ છે.

થોડા સમય પહેલા ન્યારા સંપની સફાઈના કારણે વોર્ડ નં.૦૧, ૦૯ અને વોર્ડ નં.૧૦ (પાર્ટ)ને પાણી નહિ મળે તેવો નિર્ણય કરેલ. પરંતુ વોર્ડ નં.૧૦ (પાર્ટ)માં ન્યારી ડેમની અન્ય લાઈન મારફત પાણી આપી શકાય તેમ હોવાથી વોર્ડ નં.૧૦ (પાર્ટ)નો તંત્ર દ્વારા પાણી કાપના બદલે પાણી આપવામાં આવેલ. ત્યારે પણ કોંગ્રેસના કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ અધિકારીઓ સાથે ચર્ચા કરી પાણી કાપ બંધ રખાવેલ છે તેવું જાહેર કરેલ. પરંતુ વોર્ડ નં.૧૦ (પાર્ટ)માં ન્યારીની લાઈનમાંથી પાણી આપી શકાય તેમ હોય તેવો નિર્ણય તંત્રદ્વારા જ કરવામાં આવેલ અને કોઈ દ્વારા આવી રજૂઆત કરવામાં આવેલ નહિ તેવું તંત્રદ્વારા સ્પષ્ટ જણાવેલ. પરંતુ મનસુખભાઈ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા ફકત અને ફકત પ્રજાને ગેરમાર્ગે જ દોરવાની કાર્યવાહી કરી રહ્યા છે. પરંતુ વોર્ડ નં.૧૦ના શહેરીજનો કોર્પોરેશનની અને ભારતીય જનતા પક્ષના કોર્પોરેટરની કામગીરીથી વાકેફ છે. તેમ અંતમાં વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરે જણાવેલ છે.

(3:31 pm IST)