Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સર્વ મંત્રનો સાર મંત્રાધિરાજ નવકાર મહા મંત્રમાં સમાઈ જાય છેઃ શ્રી નવકાર.. કરે ભવપાર..

જૈનાગમ શ્રી આવશ્યક સૂત્ર તથા શ્રી ભગવતીજી સૂત્ર માં નવકાર સૂત્રનો ઉલ્લેખ આવે છે.સામાયિકનો શુભારંભ નવકાર મંત્રના પાઠથી થાય છે.મંગલાચરણ પણ નવકાર મહા સૂત્રથી જ કરવામાં આવે છે.જેવી રીતે પર્યુષણ પર્વને પર્વનો રાજા એટલે કે પર્વાધિરાજ કહેવામાં આવે છે તેવી જ રીતે નવકાર મંત્રને મંત્રાધિરાજ એટલે કે મંત્રનો રાજા કહેવામાં આવે છે.

નવકાર મંત્રની વિશિષ્ટતા એ છે કે નવ પદમાં કોઈ વ્યકિતના ગુણગ્રામ નથી કે કોઈનો નામોલ્લેખ નથી. નમો અરિહંતાણં ભાવથી ઉચ્ચારણ કરીએ એટલા દરેકે દરેક તીથઁકર પરમાત્માને આપણાં વંદન - નમસ્કાર થઈ જાય...એવી જ રીતે નમો લોએ સવ્વ સાહૂણંનું ઉચ્ચારણ કરીએ એટલે લોકમાં બીરાજતા ૨૭ ગુણના ધારક સર્વે પૂજનીય એવમ્ વંદનીય સંત - સતિજીઓને આપણા નમસ્કાર પહોંચી જાય છે.

પ્રાર્થનામાં સૌ ભાવિકો ભાવપૂર્વક સ્મરણ કરે છે એ શ્રી રત્નાકર પચ્ચીસીના રચયિતા પૂ.શ્રી રત્નાકરજી મ.સાહેબ નવકાર મંત્રનો મહિમા ગાથા ૧૧ માં બેજોડ વર્ણવે છે... કહેવાય છે કે નવકાર મહા મંત્રને દિલથી સ્મરણ કરી જપી લ્યો એટલે જગતના તમામ મંત્રનો સાર તેમાં સમાઈ જાય છે. ટૂંકમાં, નવકાર મંત્રનો મહિમા અપરંપાર છે. જૈનોના ચારેય ફિરકાઓ માન્ય છે.માત્ર જૈન જ નહીં પરંતુ જનમાત્ર અહોભાવપૂર્વક નવકાર મંત્રનો આદર કરી જાપ જપે છે. હજારો મંત્ર શું કરશે, મારો નવકાર બેલી છે... જગત રૂઠીને શું કરશે, મારો નવકાર બેલી છે.

મંત્રાધિરાજ,ધર્મ અને સત્ત્।નો પ્રભાવ જ એવો છે કે જો સાચી શ્રદ્ઘા હોય તો ગળામાં કોઈ નાગ પહેરાવી જાય તો ફૂલની માળા થઈ જાય...પાપી ફેંકે પથરો ફૂલ થઈ પથરાય.. પ્રચૂર પૂણ્યોદયે જૈનોને ગળથૂથીમાં નહીં ગર્ભમાંથી જ નવકાર મંત્રનું શ્રવણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયેલ છે. કહેવાય છે કે આગમાં જલતા તિર્યચ એવા નાગ - નાગણીને અંતિમ સમયે નવકાર મંત્રનું શ્રવણ કરાવવાથી તિયઁચ પણ ધરણેન્દ્ર અને પદ્દમાવતી થઈ સદ્દગતિને પામી જાય છે. શ્રી નવકાર, છે ચૌદ પૂર્વનો સાર અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર..આવો,આપણે સૌ પણ નવકાર મંત્રને હ્રદયસ્થ કરીએ અને દેવાધિદેવને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વમાંથી કોરોના વાઈરસ કાયમ માટે નષ્ટ થઈ જાય અને જીવ માત્ર પરમ સુખ,શાંતિ અને શાતાની અનુભૂતિ કરે.

સંકલન

મનોજ ડેલીવાળા

 રાજકોટ, મો.૯૮૨૪૧૧૪૪૩૯

(2:38 pm IST)