Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

૩૧ મે- વર્લ્ડ 'નો ટોબેકો ડે'

તમાકુ અને ધુમ્રપાનથી થતા કેન્સરના રોગોમાં મો, જીભ, જડબા, તાળવાના કેન્સર, અન્નનળી, જઠર, ફેફસા, સ્વાદુપિંડ, સ્તન, મુત્રાશય, મુત્રપીંડ વિગેરેના કેન્સરનો સમાવેશ થાય છે

''વર્લ્ડ નો ટોબેકો ડે'' ના સંદર્ભમાં એન,એમ,વિરાણી વોકહાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઓન્કોસર્જન ડો.દિપેન પટેલે માહિતી આપતા જણાવેલ હતુ કે વિશ્વ આરોગ્ય સંસ્થા તથા તેના સહભાગી દેશોએ નક્કી કર્યા મૂજબે દર વર્ષે ૩૧ મે ને ''વર્લ્ડ નો ટોબેકો ડે'' તરીકે ઉજવવામાં આવે છે. આ દ્વારા તમાકુથી થતા શારિરીક નુકશાનને કઈ રીતે અટકાવવું તે અંગેની જાગૃતિ લાવવા સામાજિક સંસ્થાઓ તબીબી એશોસીએશનો અને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષનો વિશેષ વિષય ''તમાકુ અને ફેફસાનું સ્વાસ્થ્ય'' છે. સરકાર દ્વારા જાહેરમાં ધુમ્રપાન ઉપરનો  પ્રતિબંધ ઓકટોબર ૨૦૦૮થી અમલમાં છે પરંતુ તેનું પાલન કેટલુ થાય છે તે આપણે જાણીએ છીએ,

ડો.દિપેન પટેલે વધુમાં જણાવેલ હતું કે તમાકુનું ધુમ્રપાન અને તેનું પરોક્ષ સેવન એ ઘણા રોગોને આમંત્રણ આપે છે, જેમ કે પ્રત્યક્ષ અને પરોક્ષ ધુમ્રપાન એ ફેકસાના સ્વાથ્ય પર ઘણી ખરાબ અસર કરે છે, જેમાં નીચે જણાવેલા રોગોનો સમાવેશ થાય છે.

(૧) ફેફસાનું કેન્સરઃ ધુમ્રપાન વિશ્વભરમાં લગભગ બે તૃતીયાંશ ફેફસાના કેન્સરથી થતા મૃત્યુ માટે જવાબદાર છે અને પરોક્ષ રીતે થતું ધુમ્રપાન ને જે લોકો કયારેય બીડી સીગારેટ ન પીતા હોય તેવા લોકોમાં પણ ફેફ્સાના કેન્સર થવાનું જોખમ વધારે છે, ફેફસાનું કેન્સર એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના યુરોપીયન દેશોમાં કેન્સરથી થતા મૃત્યુમાનું એક મોટું જવાબદાર પરિબળ છે, ૨૦૧૮માં આશરે ૪ લાખ ૩૦ હજાર લોકો આ દેશોમાં ફેફસાના કેન્સરના લીધે મૃત્યુ પામ્યા હતા અને પાંચ લાખ કરતા પણ વધારે નવા કેસોનો ઉમેરો આ ગાળામાં જોવા મળ્યો છે. ધુમ્રપાન છોડવાથી ફેફસાના કેન્સરનું જોખમ ૧૦ વર્ષ પછી લગભગ અડધુ થઈ જાય છે.

(૨) શ્વસનમાર્ગના રોગો જેમકે સીઓપીડી, દમ વિગેરે :  તમાકુનું ધુમ્રપાન એ ફેફસા અન શ્વસનમાર્ગમાં થતા રોગોનું મુખ્ય કારણ છે. જેમાં દર્દીને દુખાવા સાથે ગળફા પડવા, ખાંસી થવી અને શ્વાસમાં તકલીફ વિગેરે થઈ શકે છે. તમાકુના ધુમ્રપાનથી દમની તકલીફમાં વધારો થાય છે. જેનાથી કાર્યક્ષમતા જોખમાય છે અને દર્દીના શારિરીક ખામીઓમાં પરિણમે છે. માહિતી પ્રમાણે કુલ મૃત્યુઆંકમાંથી ૩.૬ % મૃત્યુ યુરોપમાં વર્ષ ૨૦૧૭ માં સીઓપીડીના કારણે થયા હતા, જલ્દી ધુમ્રપાન છોડવાથી સીઓપીડી આગળ વધતો અટકે છે અને દમના લક્ષણોમાં પણ સુધારો જોવા મળે છે. જે બાળકો પરોક્ષ ધુમપાનનો ભોગ બને છે તેઓને શ્વસનમાર્ગના રોગો થવાની શકયતા ધણી વધી જાય છે અને દમ, ન્યુમોનીયા, ઈફેકશન જેવા રોગોના પ્રમાણમાં વધારો જોવા મળે છે. 

 ફેફસાનું કેન્સરઃ તમાકુનું ધુમ્રપાન એ મુખ્ય કારણ છે, જેના લીધે વૈશ્વિક સ્તરે લગભગ બે તૃતીયાંશથી પણ વધારે ફેફસાના કેન્સરથી થતા મૃત્યુ માટે જવાબદાર છે. ઘરે કે વ્યવસાયની જગ્યાએ થતા પરોક્ષ ધુમ્રપાન પણ ફેફસાના કેન્સરમાં વધારો કરે છે. ધુમ્રપાન છોડવાથી ૧૦ વર્ષ પછી ફેફસાના કેન્સરના જોખમમાં પ૦ % ધટાડો જોવા મળે છે.

નાની ઉંમરે તમાકુની અસરોઃ જે બાળકોને ગર્ભમાં હોય ત્યારે માતાના પ્રત્યક્ષ કે પરોક્ષ ધૂમ્રપાનથી થતા રસાયણોની, અસર થાય છે તેમાં ફેફસાના વિકાસ અને કાર્યમાં ખામીઓ જોવા મળે છે. નાની વયના બાળકોને આસપાસ થતા, ધુમ્રપાનના લીધે દમ, ન્યુમોનીયા, બ્રોન્કાઈટીસ, ઈન્ફેકશન, કફ વિગેરે થાય છે, વૈશ્વિક સ્તરે લગભગ પાંચ વર્ષની વય પહેલા પરોક્ષ પ્રકારના ધુમ્રપાનના લીધે ફેફસાના ઈન્ફેકશનથી, ૧,૬૫,૦૦૦ બાળકો મૃત્યુ પામે છે. ઉપરાંત જેમને નાની વયમાં ધુમ્રપાનની અસર થઈ હોય તેવા બાળકોને પુખ્તવયે ફેફસાના રોગો થવાની શકયતા વધી જાય છે.

ટીબીઃ ટીબી એ ફેફસાને નુકશાન પહોંચાડે છે અને તેની કાર્યદક્ષતામાં ઘટાડો પણ કરે છે જેમાં ધુમ્રપાનને લીધે વધારે અસર જોવા મળે છે. વિશ્વભરની પ્રજામાં એક ચતુર્થાંશ લોકોને સુષુપ્ત અવસ્થામાં રહેતો ટીબી હોય છે જેમાં ધુમ્રપાનથી સક્રિય થવાની શકયતા રહેલી હોય છે. ધુમ્રપાન કરતા લોકોમાં ટીબી થવાની બમણી. શકયતા રહેતી હોય છે.

હવા પ્રદુષણઃ તમાકુ (ધુમ્રપાન) નો ધુમાડો એ ઘણું જ જોખમકારક ઘરની અંદરનું પ્રદૂષણ છે. તેમાં ૭૦૦૦ રસાયણો ૨હેલા છે, જેમાંથી ૬૯ રસાયણો કેન્સરજન્ય હોય છે, ધુમાડો એ અદ્રશ્ય અને દુર્ગધમુકત હોય છે પરંતુ તે હવામાં પાંચ કલાક સુધી રહી શકે છે અને રૂમના વ્યકિતઓને ફેફસાના કેન્સર, ચેપ અને દમના રોગ કરી શકે છે.

માહિતી અને માર્ગદર્શનઃ ડો.દિપેન પટેલ, એમ.બી.બી.એસ., એમ.એસ.જનરલ સર્જરી એમ.સીએચ (સર્જીકલ ઓન્કોલોજી) કન્સલ્ટન્ટ ઓન્કો સર્જન (કેન્સરના રોગોના નિષ્ણાંત સર્જન વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ

(4:05 pm IST)