Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કેન્‍સર જેવા રોગને નોતરતા તમાકુની ખેતી બંધ થવી જોઇએ : ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ,તા. ૩૦ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, તમાકુના સેવનથી કેન્‍સરના રોગોનું પ્રમાણ દિનપ્રતિદીન વધતુ જાય છે. યુવાનોમાં માવા, ગુટકા, સીગારેટનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થવા લાગ્‍યો છે. કોઇનું મોઢુ માવા વગરનું ભાગ્‍યે જ જોવા મળશે. આ આદત ખતરનામ રોયને નોતરે છે એવું જાણવા છતાં વ્‍યસન મુકવા તૈયાર નથી એ દેશની યુવા પેઢી માટે કમનસીબી છે.

સરકાર તેમ જ ધાર્મિક સંસ્‍થાઓ, અન્‍ય સંગઠનો, વ્‍યસનમુકિત માટે પ્રયાસો કરે છે છતાં જોઇએ તેટલી તેની અસર થતી નથી. યુવાધન દારૂ, ડ્રગ્‍સ, ચરસ, તમાકુ, સીગારેટ વિગેરેની આદતથી બિંદાસ્‍તરીને વટથી જાણે સારી કામગીરી કરી રહ્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે એ દુઃખદ બાબત છે.

મોટા ભાગની ખાદ્યવસ્‍તુઓમાં ભેળસેળ થાય છે ફુટ ઝેરી કેમિકલ્‍સથી પકડવવામાં આવે છે. શાકભાજીમાં જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. આ રીતે ખોરાકમાં ઝેરનું પ્રમાણ વધવાથી લોકો જુદા-જુદા રોગની બિમારીઓનો ભોગ બને છે છતા સમજણ કે જાગૃતિ આવતી નથી એ બરબાદીની નિશાની છે.

સરકારે તમાકુનુ વાવેતર કરનારા ખેડૂતો અન્‍ય પાકનું વાવેતર કરતા થાય તે માટે પ્રોત્‍સાહન આપી સમજાવટથી તમાકુનું વાવેતર બંધ થાય તે જરૂરી છે. ગાંજા, અફીણ વાવેતરની જેમ તમાકુ વાવેતર બંધ થાય તે માટે પ્રયાસ થવો જોઇએ. સરકાર તમાકુનું ઉત્‍પાદન કરનાર ઉદ્યોગો પર ગમે તેટલો ટેક્ષ નાખે તો કંઇ પરિણામ આવવાનું નથી. આ ટેક્ષની આવક કરતા કેન્‍સરના દર્દીઓની ફ્રી સારવાર માટે વધારે ખર્ચ કરવો પડે તેવી પરિસ્‍થિતીનું નિર્માણ થતુ જાય છે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને લોકોએ સ્‍વયંભુ જાગૃત થઇ કોઇ પણ પ્રકારની વ્‍યસનની મુકત રહેવા પ્રયાસ કરવો જરૂરી છે.

મારા કમળાપુર ગામમાં જ ૧૫ જેટલા કેન્‍સરના દર્દીઓ છે આ રોગને અટકાવવા માટે તમાકુનું ઉત્‍પાદન અને ઉદ્યોગો બંધ થાય તો જ શકય બને તેમ છે. ભાવિ યુવા પેઢીને આ રોગમાંથી મુકત કરવા માટે મનોમંથન કરવાની ખાસ જરૂર છે. ટેક્ષ વધારવાથી કોઇ ઉકેલ આવવાનો નથી.

(3:51 pm IST)