Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

વધુ એક ટ્રાફિક વોર્ડનને ડિસમીસ કરી બ્લેક લિસ્ટમાં મુકી દેતાં સિધ્ધાર્થ ખત્રી

સત્તા ન હોવા છતાં નાગરિક બેંક ચોકમાં વાહનો રોકી કાગળો ચેક કરતો'તો અને ચાલકોને રૂમમાં લઇ જતો હતોઃ સવારે ૧૦ વાગ્યે સીસીટીવીમાં દેખાયો

રાજકોટ તા. ૩૦: શહેરમાં જુદા-જુદા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા ટ્રાફિક વોર્ડનની ભરતી કરવામાં આવી છે. પરંતુ વોર્ડન સાઇડ આપવાની અને વાહન વ્યવહાર બરાબર ચાલતો રહે તેની કામગીરી કરવાને બદલે વાહન ચેકીંગ કરી કાગળો ચેક કરવા સહિતની પ્રવૃતિ કરવા માંડે છે અથવા તો ફરજના સ્થળે મોબાઇલમાં ગપાટા મારતાં જોવા મળે છે. અગાઉ આવા કર્મચારીઓ સામે જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી કડક કાર્યવાહી કરી ચુકયા છે. આજે વધુ એક ટ્રાફિક વોર્ડનને ડિસમીસ કરવામાં આવ્યો છે.

નાગરિક બેંક ચોકમાં ટ્રાફિક બ્રિગેડનો જવાન અફઝલ આમીર પઠાણ પોતાને સત્તા ન હોવા છતાં વાહન ચાલકોને રોકીને તેના કાગળો ચેક કરતો સવારે ૧૦ કલાકે સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો. સત્તા બહારની પ્રવૃતિ કરતો આ વોર્ડન બાદમાં વાહન ચાલકોને પોતાની સાથે રૂમમાં લઇ જઇ લાંચીયા પ્રકારની શંકાસ્પદ પ્રવૃતિ કરતો હોવાનું જણાતાં તેને સિધ્ધાર્થ ખત્રીએ માનદ સેવામાંથી ડિસમીસ કર્યો છે અને ભવિષ્યમાં તે ટ્રાફિક બ્રિગેડમાં ભરતી ન થઇ શકે તે માટે બ્લેક લિસ્ટમાં મુકયો છે.

(3:57 pm IST)