Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મહિલાઓને વધુ સક્ષમ બનાવવા પ્રશિક્ષણ યોજનાઓ આવશ્યક : રાકેશ ધવન

અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા રાજકોટ ખાતે મળી ગયેલ ઝોનલ કોન્ફરન્સ : વિશિષ્ટ કલા અને હુન્નરને ઉજાગર કરવા સંકલ્પના

રાજકોટ : અખિલ હિંદ મહિલા પરિષદ વેસ્ટઝોન પશ્ચિમ ભારતની ઝોનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે મળી હતી. જેમાં મહિલા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ સુ.શ્રી રાકેશ ધવનજી અને જલવાયુ પરિવર્તન ક્ષેત્રે વૈશ્વિક નામના મેળવી જનાર મહામંત્રી સુ.શ્રી કલ્યાણી રાજની ઉપસ્થિત રહ્યા હતા. ઝોનલ ઓર્ગેનાઇઝર ડો. ભાવનાબેન જોશીપુરા, ડો. દર્શનાબેન પંડયા, ડો. બબીતાબેન હપાણી, ડો. બાનુબેન ધકાણે  ઉપસ્થિત રહી પરીષદની પ્રવૃત્તિઓને બીરદાવી હતી. કોન્ફરન્સમાં સશકત, સક્ષમ અને સ્વાવલંબી મહિલાની સંકલ્પના વ્યકત કરવામાં આવી હતી. શ્રીમતી કલ્યાણી રાજે સંયુકત રાષ્ટ્ર સંઘના સંતુલિત વિકાસ કાર્યક્રમો પૈકી ગરીબી ઉન્મુલન, મહિલા સુરક્ષા અને વિકાસમાં સાજેદારી એમ ત્રણ ક્ષેત્રમાં રાજયમાં કામ કરવા અર્થેની સારી તકો પડેલી હોય કેન્દ્રીય કક્ષાએથી આવા પ્રકલ્પોમાં આર્થિક સહાય કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ગુજરાતમાં દમણથી લઇ સૌરાષ્ટ્રના અંતરીયાળ વિસ્તાર સુધી તેમજ બનાસકાંઠાથી લઇ ડાકોર સુધી તથા વલ્લભવિદ્યાનગરથી અંકલેશ્વર અને કચ્છથી લઇ સુરત સુધી એમ ૮૦ શાખાઓમાં કાર્યરત વરિષ્ઠ મહિલા અગ્રણીઓ અને હોદેદારો મોટી સંખ્યામાં રાજકોટ ખાતેની આ ઝોનલ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રની ગૃહિણીઓ દ્વારા નિર્મિત કલાત્મક ચીજ વસ્તુઓના ગોઠવવામાં આવેલ પ્રદર્શનને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. માટી કામ જેવા કેટલાક હુન્નરોનું આ તકે જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યુ હતુ. અધ્યક્ષીય ઉદ્દબોધનમાં શ્રીમતી રાકેશ ધવને જણાવેલ કે વર્તમાન સમયમાં સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં અને અન્યત્ર મહિલા લોકપ્રતિનિધિઓની સંખ્યા વધી રહી છે ત્યારે મહિલાઓને સુશાસન સંદર્ભે વધારે સક્ષમ બનાવવા અર્થે પ્રશિક્ષણની ખુબ આવશ્યકતા છે. આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી શિવાનીબેન મહેતા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીબેન ગાંધી, ગુજરાત શાખાના પ્રમુખ લતાબેન ચોકસી, રેણુકાબેન ચોકસી, દક્ષાબેન મામતોરા, ડો. બાનુબેન ધકાણ, અનંતાબેન, રોહીણીબેન પટેલ, વર્ષાબેન શાહ, ઉષાબા જાડેજા તેમજ રાજયભરના અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહેલ. સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા અખિલ હિન્દ મહિલા પરીષદ રાજકોટના મંત્રી પ્રવિણા જોશી અને આશાબેન મદલાણી તેમજ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)