Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

નઝમા અને ધરતીએ દિલુડીના ઘરે બેસી 'હનીટ્રેપ'નો પ્લાન ઘડ્યો'તોઃ ગુણો શાકવાળો પૈસાની લાલચે જોડાયો

મોરબીના બે યુવાનની ૯૬ હજારની મત્તા પડાવવાના ગુનામાં ઝડપાયેલી ધરતી મારવાડી અને ગુણવંત કોળીના રિમાન્ડની તજવીજઃ સુત્રધાર નઝમા, વિજય બોરીચા સહિતની શોધખોળ

રાજકોટ તા. ૩૦: મોરબીના બે યુવાન કોૈશિક વેલજીભાઇ પાલરીયા (પટેલ) અને વિરલ કાંતિલાલ મકવાણાને ભગવતીપરા વિસ્તારના નઝમા ઉર્ફ નઝુએ છોકરી સાથે મોજમજા કરવાના બહાને બોલાવ્યા બાદ આ બંનેને ધરતી નામની છોકરીએ ભગવતીપરામાં લઇ ગયા બાદ બીજા બે શખ્સોએ આવી બંનેને 'આ અમારી જગ્યા છે, અહિથી તમે પાણીની મોટરો ચોરી ગયા છો' તેમ કહી મારમારી ૯૬ હજારની મત્તા પડાવી લઇ બીજા ૧ લાખ ૨૦ હજાર ઘરેથી મંગાવી દેવાનું કહી હનીટ્રેપમાં ફસાવ્યા હતાં. આ ગુનામાં બી-ડિવીઝન પોલીસે લાલપરી-૪માં બિલ્કીશબાનુ ઉર્ફ દિલુડી સાથે રહેતી ધરતી અરવિંદ રાઠોડ (મારવાડી) (ઉ.૨૩) તથા ભકિતનગર સર્કલ નજીક વાણીયાવાડી મેઇન રોડ લક્ષ્મી ગાંઠીયાવાળી શેરીમાં રહેતાં ગુણવંત ઉર્ફ ગુણો રાજુભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૬)ની ધરપકડ કરી છે. હનીટ્રેપનો પ્લાન દિલુડીના ઘરે બેસીને સુત્રધાર નઝમાએ ધરતી સાથે મળીને ઘડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ધરતીનો પતિ પોપટપરા કૃષ્ણનગરમાં રહે છે. પરંતુ ચારેક મહિનાથી તે અલગ  થઇ બિલ્કીશબાનુ સાથે રહે છે. તેણીને સંતાનમાં એક પુત્ર છે. પૈસાની જરૂર હોવાથી તે નઝમા ઉર્ફ નઝુ સાથે હનીટ્રેપના પ્લાનમાં સામેલ થઇ હતી. ગુણવંત બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. તેને પણ પૈસાની જરૂર હોઇ અને તે નઝમાને ઓળખતો હોઇ તેના કાવત્રામાં પૈસાની લાલચે સામેલ થયો હતો. ગુણવંત સાથે બીજો શખ્સ હતો તે વિજય બોરીચા હોવાનું ખુલતાં તેની અને નઝમાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ધરતી અને ગુણવંતના ચાર દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ બંને હાલ તો બીજા કોઇ આવા ગુના નહિ આચર્યાનું રટણ કરે છે. નઝમા અને વિજય ઝડપાયા બાદ વધુ વિગતો ખુલવાની શકયતા છે.

ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી પૂર્વ એસ.આર. ટંડેલ તથા પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ.એફ. ડામોર, એએસઆઇ એસ. ડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, મોહસીનખાન પઠાણ,  કોન્સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, કિરણભાઇ પરમાર, હંસરાજભાઇ ઝાપડીયા, કેતનભાઇ નિકોલા, હરપાલસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:38 pm IST)