Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

સિન્ડીકેટ બેંકની લોનની લેણી રકમ નહિ ભરતા પ્રતિવાદીને એક માસની દિવાની કેદ

રાજકોટ તા.૩૦: સિન્ડીકેટ બેંકની વાહન લોનની લેણી રકમના ભરતા પ્રતિવાદી અયુબભાઇ જીકરભાઇ શેખાને એક માસની દિવાની કેદની સજા કોર્ટે ફટકારી છે.

આ કેસની હકીકત એવી છે કે પ્રતિવાદી અયુબભાઇ જીકરભાઇ શેખાએ વાદી સિન્ડીકેટ બેંક પાસેથી કાર ખરીદવા માટે લોન રૂા. ૩,૮૯,૦૦૦/- મેળવેલ હતી, અને પ્રતિવાદીના જામીન તરીકે જીકરભાઇ અજીજભાઇ શેખા રહેલ પ્રતિવાદીએ સિન્ડીકેટ બેંકમાંથી કાર લોન મેળવી નિશાન એવાલીયા કાર ખરીદ કરેલ. સદર લોન પ્રતિવાદીએ ૬૦ માસિક રૂા. ૮,૫૦૨.૪૯ પૈસાના સરખા હપ્તાથી નિયમિત રીતે વાદીને પરત કરવાની હતી. જે અંગેના બેંકના નિયમો મુજબના ડોકયુમેન્ટ પ્રતિવાદીએ વાદી બેંકની તરફેણમાં કરી આપેલ છે. એગ્રીમેન્ટની શરતો અનુસાર પ્રતિવાદીઅયુબભાઇ જીકરભાઇ શેખાએ ઉપરોકત લોનની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ જતા વાદી સિન્ડીકેટ બેંક દ્વારા રાજકોટની સ્મોલ કેઇઝ કોર્ટમાં સ્મોલ દાવો પ્રતિવાદી વિરૂદ્ધ રૂા. ૩,૩૯,૨૨૨/- લેણી રકમ વસુલ કરવા દાવો કરેલ સદર દાવાના કામે પ્રતિવાદીને નોટીસ બજતા હાજર થયેલ અને બચાવ કરેલ. જે દાવો સ્મોલ કેઇઝ જજ સાહેબે ગુણાદોષ પર મંજુર કરેલ અને પ્રતિવાદીને રૂા. ૩,૩૯,૨૨૨/-ની રકમ તથા તેના પર વાર્ષિક ૧૦.૯૦% લેખે વ્યાજની રકમ વાદી બેંકને ચૂકવી આપવાનો આદેશ ફરમાવેલ હતો.

 પ્રતિવાદીએ વાદી બેંકની લેણી રકમ જમા કરાવે નહી કે તેણે જે વાહન પર લોન લીધેલ તે વાહન બેંકને પરત સોપેલ નહિ કે મિલ્કત જપ્તી વોરંટની બજવણી વખતે રજુ કરેલ નહિ. તેથી વાદી બેંક દ્વારા પ્રતિવાદીને દીવાની કેદમાં બેસાડવામાં માટે અરજ કરતા કોર્ટે પક્ષકારોને સાંભળીને બેંકની અરજ મંજૂર કરેલ તથા પ્રતિવાદીને એક માસ માટે દિવાની કેસમાં બેસાડવાના હુકમ ફરમાવેલ છે.

આ દરમ્યાન પ્રતિવાદીએ તેમના વકીલશ્રી મારફતે મુકિત ફરમાવવા અરજ કરેલ તે અરજી અદાલતે રદ કરવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત કામે વાદી સિન્ડીકેટ બેંકના એડવોકેટ તરીકે શ્રી હિરેન વી. ગોસલીયા, શ્રી ચંદ્રકાંત આર. ચાવડા અને શ્રી સંજય જે. ગોંડલીયા તથા એસોસિએટ રોકાયેલ હતા.

(3:21 pm IST)