Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

નકલી પત્રકાર ટોળકીમાં સામેલ રોહિત રાણપરા સામે મારામારી-ધમકીનો અલગથી ગુનો દાખલ

પ્રહલાદપ્લોટના વેપારીનું ૩૨ ગ્રામ સોનુ અને ૫૨ હજાર પાછા ન આપી ડખ્ખો કર્યો'તોઃ એ-ડિવીઝન પોલીસે ધર્મેશભાઇ પારેખની ફરિયાદ નોંધીઃ રોહિત ઉપરાંત તેના પિતા અને ભાઇના પણ આરોપીમાં નામ

રાજકોટ તા. ૩૦: સિવિલ હોસ્પિટલમાંથી ઝડપાયેલા નકલી પત્રકારોમાં સહાયક તરીકે સામેલ મેહુલનગરના રોહિત રાણપરા સામે એ-ડિવીઝન પોલીસમાં પણ મારામારી, ધમકીનો ગુનો દાખલ થયો છે. જેમાં તેના પિતા અને ભાઇ પણ આરોપીમાં સામેલ છે. સોની વેપારીએ પોતાના ૩૨ ગ્રામ સોના અને ૫૨ હજારની ઉઘરાણી કરતાં આ ડખ્ખો કરાયો હતો.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્લોટ-૪૯માં રહેતાં અને સોની બજાર સવજીભાઇની શેરીમાં ગોપાલ મેન્સનમાં બીજા માળે સોની કામની દૂકાન ધરાવતાં ધર્મેશભાઇ ભરતભાઇ પારેખ (ઉ.૩૭)ની ફરિયાદ પરથી રોહિત મનહરભાઇ રાણપરા, તેના ભાઇ સંદિપ મનહરભાઇ અને પિતા મનહરભાઇ વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૦૩, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ધર્મેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે મેં મેહુલનગરના મનહરભાઇ રાણપરા અને તેના દિકરા સંદિપને સાડા ચારેક વર્ષ પહેલા મંગલસુત્ર બનાવવા ૩૨ ગ્રામ સોનુ આપ્યું હતું. તેમજ મનહરભાઇના પત્નિ બિમાર હોઇ જેથી તે તથા તેનો દિકરો સંદિપ કટકે-કટકે રૂ. ૫૨ હજાર પણ લઇ ગયા હતાં. મનહરભાઇ મારા ફુવા પ્રવિણભાઇના સગા સાઢુ થાય છે. તેણે પોતે સોનુ અને પૈસા સમયસર આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ તે સમયસર પૈસા કે સોનુ આપી શકયા નહોતાં. આ પછી ૨૬/૩ના રોજ હું અને મારા ફુવા પ્રવ્ણિભાઇ મનહરભાઇને સમજાવવા તે સોની બજારમાં એ.જી. રોલ પ્રેસમાં કામ કરતાં હોઇ ત્યાં ગયા હતાં. ત્યારે મનહરભાઇએ મારા ફુવાને તમે આમાં વચ્ચે ન આવો તેમ કહી મને ગાળો દઇ તને તો પુરો કરી નાખીશ તેમ કહી ધમકી આપી હતી.

એ પછી હું અને મારા ફુવા દુકાને જવા નીકળતાં પાછળથી મનહરભાઇ અને તેનો પુત્ર સંદિપ આવ્યા હતાં અને મારા પર હુમલો કરી ગાળો ભાંડી હતી. તેમજ ઝપાઝપી થતાં મારા હાથમાંથી ૧૪ ગ્રામની વીંટી ૪૨ હજારની કયાંક પડી ગઇ હતી. મને હાથમાં ઇજા પણ થઇ હતી. અમે ફયિરાદ કરવા જતાં હતાં ત્યાં મનહરભાઇનો નાનો દિકરો રોહિત આવી ગયો હતો અને  'હું પત્રકાર છું, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે, મારું કંઇ નહિ થાય' તેમ કહી ગાળો ભાંડી ધમકી આપી હતી. અગાઉ મેં અરજી આપી હતી. હવે ફરિયાદ નોંધાવી હતી.સિવિલ હોસ્પિટલમાંથી નકલી પત્રકારો ઝડપાયા તેમાં રોહિત રાણપરા પણ આરોપીમાં સામેલ હોઇ એ-ડિવીઝન પોલીસ પણ તેનો કબ્જો લેશે.

(11:41 am IST)