Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ચૂંટણી સંદર્ભે શહેર પોલીસની કામગીરીઃ દારૂના ૨૧૯ કેસ, ૩૬૬૯ શખ્સો સામે અટકાયતી પગલા : ૨૨૩૧ હથીયાર જમા

માહિતી જાહેર કરતાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા : ૧૬ ચેકપોસ્ટ પર વાહનોનું સતત ચેકીંગ : યુનિવર્સિટી પોલીસની પીસીઆરના બે કર્મચારીને સારી કામગીરી બદલ ઇનામઃ બહુમાળી ભવનની ચેકપોસ્ટ પર બેદરકારી દાખવતાં બે પોલીસ કર્મચારીને ૫૦૦૦ના દંડની નોટીસ

રાજકોટ તા. ૨૯: લોકસભાની ચૂંટણી અન્વયે શહેર પોલીસ દ્વારા અલગ-અલગ કામગીરી કરવામાં આવી છે. ઝોન-૧ અને ઝોન-૨ હેઠળના તમામ પોલીસ મથકોના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા અધિકારીઓની સુચના મુજબ ખુબ સારી કામગીરી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી-૨૦૧૯ના નોડલ અધિકારી ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છેકે શહેરમાં અલગ-અલગ જગ્યાઓ પર ૧૬ ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જેનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક કામ કરે છે. દરેક ચેકપોસ્ટ પર ચાર પોલીસ કર્મચારીઓ, આઠ એસઆરપીના જવાનો અને ચાર હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા છે. આ તમામ ચેકપોસ્ટ પર ચૂંટણી લક્ષી ખાસ વાહન ચેકીંગ કરવામાં આવે છે. તેમજ શંકાસ્પદ વાહનોની રજીસ્ટરમાં નોંધ કરવામાં આવે છે.

આચાર સંહિતા અંતર્ગત અલગ-અલગ જગ્યાઓ પર પ્રોહીબીશનના ૨૧૯ કેસ કરાયા છે. જેમાં દેશી દારૂના ૧૮૯ અને વિદેશી દારૂના ૩૦ કેસ કરાયા છે અને કુલ રૂ. ૫,૨૧,૦૬૦નો દારૂ પકડાયો છે. ૩૬૬૯ ઇસમો સામે અટકાયતી પગલા લેવાયા છે. વારંવાર ગુના કરવાની ટેવવાળા ૪૮ શખસોને પાસા-તડીપાર કરાયા છે. આ ઉપરાંત ૬ ગેરકાયદે હથીયારો, ૧૩ કાર્ટીસ પકડવામાં આવ્યા છે. સંવેદનશીલ બુથ આસપાસ રહેતાં અને માથાકુટ કરવાની ટેવ ધરાવનારા સામે પણ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.

શહેર પોલીસે ૨૨૩૧ હથીયારો જમા લઇ લેવામાં આવ્યા છે. કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે થાણા અધિકારીઓની ટીમો બનાવી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસને જે પેરામિલ્ટ્રી ફોર્સ ફાળવવામાં આવી છે તેને સાથે રાખી જુદા-જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ, એરિયા ડોમિનેશન કરવામાં આવે છે.

યુનિવર્સિટી પોલીસ મથકના પીસીઆર ઇન્ચાર્જ સલમાનભાઇ રહિમભાઇ અને પીસીઆર ડ્રાઇવર જીતેન્દ્રસિંહ જાડેજાએ ઇંગ્લીશ દારૂ પકડતાં તેને ૨૦૦૦નું ઇનામ અપાયું છે. જ્યારે બહુમાળીભવન ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ પ્રશાંતભાઇ પ્રવિણભાઇ અને કિશોરભાઇ મંગળભાઇ વાહન ચેકીંગમાં ધ્યાન આપતાં ન હોઇ તેને રૂ. ૫૦૦૦ના દંડની નોટીસ ફટકારાઇ છે.

(4:25 pm IST)