Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

દેના બેંક સાથે કરોડોની છેતરપીંડીના કેસમાં કોટેચા ઇન્ડ. લી.ના ડાયરેકટરના જામીન મંજુર

રાજકોટ તા. ૩૦: દેના બેંક સાથે કરોડોની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાના ગુન્હામાં આરોપીને જામીન મુકત કરવાનો સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની હકીકત એવી છે કે રાજકોટ શહેરમાં દેના બેંકમાં નોકરી કરતા દેના બેંકના આસી. મેનેજર વિકાસ નાયકે આરોપીઓ (૧) હાર્દીક મનહરલાલ કોટેચા, (ર) મનહરલાલ કોટેચા, (૩) અર્ચીત કોટેચા, (૪) સ્મીતાબેન કોટેચા વિરૂધ્ધ એ મતલબની ફરયાદ નોંધાવેલ કે આરોપીઓએ મે. કોટેચા ઇન્ડ. લી., કોટેચા હાઉસના ડીરેકટરો તથા જામીનદારોએ ગુન્હાહીત કાવત્રુ રચી દેના બેંક ઢેબર રોડ શાખામાંથી ત્રણ કરોડ પચાસ લાખ રૂપિયાની સી. સી. મેળવી નિયમીત ઉત્પાદન કરશે તેવું વચન, વિશ્વાસ આપી વ્યાજ સહીતની રકમ કુલ રૂ. પ,૪૮,૦૦,૦૦૦/- અંગત ઉપયોગમાં લઇ ખોટા ડોકયુમેન્ટ, ખોટા સ્ટોક તથા ખોટા સ્ટેટમેન્ટ બનાવી તેનો ખરા તરીકે બેંકમાં રજુ કરી બેંક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની ફરીયાદ નોંધાવી હતી.

સદરહું ગુન્હા અનુસંધાને આ કામના આરોપી અર્ચીત મનહરલાલ કોટેચાએ રાજકોટની નામ. સેશન્સ અદાલત સમક્ષ જામીન અરજી કરેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલો, તપાસનીશ અધિકારીશ્રી દ્વારા રજુ રાખેલ સોગંદનામું તથા પોલીસ તપાસ કાગળો તથા અરજદાર તરફે રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓને લક્ષમાં લઇ રાજકોટના એડી. સેશન્સ જજ શ્રી એચ. આર. રાવલ એવા મંતવ્ય પર આવેલ કે અરજદાર/આરોપી મે. કોટેચા ઇન્ડ. લી., ના ડાયરેકટર નથી, તેઓ પેઢીએ બેંકમાંથી મેળવેલ સી.સી. અને લેટર ઓફ ક્રેડીટના માત્ર ગેરેન્ટર છે, અરજદાર/આરોપીએ તેઓની ગેરન્ટીના ભાગરૂપે તેઓની મિલ્કત બેંકમાં મોર્ગેજ કરેલ છે, અને સદરહું મિલ્કત બેંક દ્વારા સીઝ પણ કરવામાં આવેલ છે. અરજદાર/આરોપીએ તપાસના કામમાં સાથ-સહકાર આપેલ છે, તેમજ અરજદાર/આરોપીનો ગુન્હા સબબનો રોલ તથા જામીન સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાતી હાઇકોર્ટના સિધ્ધાંતોને લક્ષમાં લઇ અરજદાર/આરોપીને જામીન મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર/આરોપી વતી રાજકોટના એડવોકેટશ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંન્દ્રકાંત એમ. દક્ષીણી, સંજય પંડીત, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ તથા નિશાંત જોષી રોકાયેલ હતા.

(3:57 pm IST)