Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

દૂધ સાગર રોડ પર પીજીવીસીએલ કમ્પાઉન્ડના ગોડાઉનમાંથી લોખંડના ત્રણ થાંભલાની ચોરી!

કોન્ટ્રાકટર વિપુલભાઇ કનેરીયાના કર્મચારી નિલેષ ચાવડાએ જ બોલેરોનો ઉપયોગ ચોરી કરી'તીઃ થોરાળા પોલીસે સકંજામાં લીધો

રાજકોટ તા. ૩૦: દૂધ સાગર રોડ પર  જુના પાવર હાઉસ કમ્પાઉન્ડમાં પીજીવીસીએલનો સરસામાન રાખવાના ગોડાઉનમાંથી રૃા. ૩૬ હજારના લોખંડના ત્રણ થાંભલા ચોરાઇ જતાં અને આ થાંભલા કોન્ટ્રાકટર હેઠળ નોકરી કરતાં શખ્સે ચોરી કર્યાનું ખુલતાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. પોલીસે આ શખ્સને ચોરાઉ થાંભલા સાથે સકંજામાં લઇ વધુ પુછતાછ હાથ ધરી છે.

આ બનાવમાં થોરાળા પોલીસે નાના મવા રોડ સિલ્વર ગોલ્ડ રેસિડેનસીમાં રહેતાં અને પીજીવીસીએલમાં નવી લાઇન ઉભી કરવાનો અને કેબલ નાખવાનો તેમજ સોલાર ફીટ કરવાનો કોન્ટ્રાકટ રાખી કામ કરતાં વિપુલભાઇ અશોકભાઇ કનેરીયા (ઉ.૪૦)ની ફરિયાદ પરથી મુળ પારેવડા ગામના અને હાલ કોઠારીયા ચોકડી પાસે રહેતાં નિલેષ વાલજીભાઇ ચાવડા વિરૃધ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે.

વિપુલભાઇએ જણાવ્યું છે કે મારા કોન્ટ્રકટ હેઠળ નિલેષ ચાવડા માસી પગારથી નોકરી કરે છે. અમારો પીજીવીસીએલના માલ સામાન દૂધ સાગર રોડ પર જુના પાવર હાઉસ સામે કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉનમાં રખાય છે. તેની એક ચાવી નિલેષ પાસે પણ હોય છે. હું અઠવાડીએ બે ત્રણ વખત ત્યાં વિઝીટ કરુ છું. રવિવારે ૨૯મીએ ગોડાઉનની વિઝીટે જઇ જોતાં આઇ બીમના લોખંડના પોલ જેનું અંદાજીત વજન ૬૩૦ કિલો થાય છે તે એક પોલના ૧૨૦૦૦ લેખે ૩૬ હજારના ત્રણ થાંભલા ગાયબ હતાં. આ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નોકરી કરતાં નિલેષ ચાવડા પાસે પણ એક ચાવી હોય છે તેણે ગોડાઉનમાંથી આ ત્રણ થાંભલા ચોરી કર્યા છે. એએસઆઇ ઘેલુભાઇ ડી. શિયારે ગુનો દાખલ કર્યો હતો.

દરમિયાન થાંભલા ચોરી બોલેરોમાં ભરીને નીકળેલા નિલેષ ચાવડાને થોરાળા પોલીસે સકંજામાં લઇ વિશેષ પુછતાછ શરૃ કરી છે.

(3:42 pm IST)