Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પેન્‍શનરનાં અવસાન બાદ કુટુંબ પેન્‍શન શરૂ કરવા માટેની કાર્યપદ્ધતિ

રાજકોટ : આજે, આપણે અહિં ચર્ચા કરવી છે મૂળ પેન્‍શનરનાં એટલે કે જે પોતે સરકારી સેવામાં હતાં અને નિવૃત્તિ બાદ પોતાનું પેન્‍શન મેળવતાં હોય તેવા પેન્‍શનરોનાં અવસાન બાદ તેમના કુટુંબ પેન્‍શનરને પોતાનું કુટુંબ પેન્‍શન શરૂ કરવા માટે શું કાર્યવાહી કરવાની થાય છે અને તેમના દ્વારા કયા દસ્‍તાવેજો રજુ કરવાનાં થાય છે તે અંગેની. તો, સહુ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે ગુજરાત રાજય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટેનાં પેન્‍શન અંગેનાં નિયમો ‘ગુજરાત મુલ્‍કી સેવા'(પેન્‍શન)નિયમો 2002 થી વિનિયમિત કરવામાં આવેલા છે.આ નિયમો પૈકી કુટુંબ પેન્‍શન અંગેનાં નિયમો પ્રકરણ 10 નાં નિયમ નંબર 87 થી 95 માં જોગવાઈ કરવામાં આવેલ છે. જે અનુસાર કુટુંબ પેન્‍શન મેળવવા માટે નીચે દર્શાવેલ કુટુંબનાં સભ્‍યો પૈકી કોઈ પણ એક વ્‍યક્‍તિને ક્રમાનુસાર કુટુંબ પેન્‍શન માટે પાત્ર ગણવામાં આવશે.

કુટુંબ પેન્‍શન કોને મળવાપાત્ર છે

(1) ગુજરનાર પેન્‍શનરનાં પતિ અથવા પત્‍ની ને

(2) ગુજરનાર પેન્‍શનર ની સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ આધારિત હોય તેવા અપરણિત અને 25 વર્ષ થી ઓછી ઉંમર ધરાવતા પુત્ર અથવા પુત્રી ને (માનસિક /શાશિરિક અશક્‍ત સંતાનોનાં કિસ્‍સામાં ઉંમર નો કોઈ બાધ નથી)

(3) પેન્‍શનરનાં અવસાન સમયે તેમની સાથે રહેતા અને તેમના પર સંપૂર્ણ પણે આધારિત માતા અથવા પિતાને. ઉપર દર્શાવેલ કુટુંબીજનો પૈકી કોઈ પણ એક વ્‍યક્‍તિ કે જેનું નામ, ઉંમર અને જન્‍મ તારીખ ગુજરનાર પેન્‍શનરના પેન્‍શન મંજૂરી હુકમ એટલે કે પી.પી.ઓ. બુક માં હશે જ. (અને જો નાᅠ હોય તો તેમની પાત્રતા અનુસાર તેમના નામનું કુટુંબ પેન્‍શન મંજુર/અધિકૃત કરવા માટે પેન્‍શનર ની નિવૃત્તિ સમયની કચેરીનાં સક્ષમ સત્તાધિકારી મારફત તેમના દ્વારા આ કુટુંબ પેન્‍શન શરૂ કરવા માટે જરૂરીᅠ કાર્યવાહી કરવાની રહેશે.)

કુટુંબ પેન્‍શનર દ્વારા રજૂ કરવાનાં થતાં દસ્‍તાવેજો

(A) ગુજરનાર પેન્‍શનરનાં સ્‍થાનિક સ્‍વરાજ ની સંસ્‍થા દ્વારા અપાયેલᅠ મરણ પ્રમાણપત્રની મૂળ નકલ અને એક વધારાની નકલ.(ઓનલાઇન જનેરેટ થયેલી નકલ નહીં.)

(B) પેન્‍શન ચૂકવણી હુકમ (પી.પી.ઓ.બુક, પેન્‍શનર નો ભાગ) ની મૂળ નકલ.આ બુક કુટુંબ પેન્‍શનર પાસે ઉપલબ્‍ધ ન હોય તો તે અંગેની ચકાસણી જે તે તિજોરી કચેરી ખાતે કરાવી લેવી.પેન્‍શનર દ્વારા જે તે સમયે આ બુક તિજોરી કચેરી ખાતે થી મેળવેલી ના હોય તો તે તિજોરી કચેરી ખાતે પણ પડી રહી હોવાની શક્‍યતા હોય શકે.જો આ બુક પેન્‍શનર દ્વારા જે તે સમયે તિજોરી કચેરી ખાતેથી પરત મેળવી લીધી હોવાં છતાં અત્‍યારે ઉપલબ્‍ધ ના હોય તો તે અંગેનું એક સોગંદનામુ રજુ કરવાનું રહેશે.

(C) કુટુંબ પેન્‍શનર જે બેંક મારફત પોતાનું કુટુંબ પેન્‍શન મેળવવા માંગતા હોય તે બેંકનાં મેનેજરનાં સહી સિક્કા વાળું બેંક પરિશિષ્ટનું ફોર્મ (આ ફોર્મ તિજોરી કચેરી ખાતેથી મેળવી શકાશે)

(D) આ જ બેંક ખાતાંની પાસબુકનાં પ્રથમ પાનાની નકલ. યાદ રહેઃ- કુટુંબ પેન્‍શનરનાં નામનુંᅠ વ્‍યક્‍તિગત ખાતું જ હોવું જોઈશે આ ખાતામાં અન્‍ય કોઈ વ્‍યક્‍તિનું સંયુક્‍ત ખાતેદાર તરીકે નામ જોડી શકાશે નહીં.

(E) કુટુંબ પેન્‍શનર નાં ફોટો વાળા ઓળખ-પત્રો (આધારકાર્ડ,પાનકાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્‍સ,વગેરે પૈકી કોઈ પણ એક અથવા એક થી વધારે)

(F) એક કોરા કાગળ ઉપર કુટુંબ પેન્‍શનરનાં ત્રણ ફોટા અને સહીના નમૂના અને ઓળખના નિશાન.

(પ્રમાણિત કરેલા)

(G) કુટુંબ પેન્‍શનરે પુનઃ લગ્ન નહીં કર્યાનું પ્રમાણપત્ર (જી.ટી.આર.ફોર્મ નં 53 માં આ ફોર્મ તિજોરી કચેરી ખાતેથી મળી શકશે)

(H) ગુજરનાર પેન્‍શનર દ્વારા તેમની હયાતી માં કરવામાં આવેલ નિયુક્‍તિ પત્રની નકલ(ફરજિયાત નથી)

હાથ ધરવાની થતી કાર્યવાહીઃ- મરણ પ્રમાણપત્ર ની મૂળ નકલ મળી ગયા બાદ ઉપર દર્શાવેલ (A)થી(H) મુજબનાં દસ્‍તાવેજો તિજોરી કચેરીમાં રજુ કર્યેથી તિજોરી અધિકારી જણાવે તે સમયે કુટુંબ પેન્‍શનરે જાતે તિજોરી અધિકારી સમક્ષ ઉપસ્‍થિત થવાનું રહેશે. ત્‍યાર બાદ તિજોરી અધિકારી દ્વારા અવસાન સમયે મળવાપાત્ર થતી મરણોત્તર સહાયની રકમ કે જે ગુજરનાર પેન્‍શનર ને છેલ્લે ચૂકવાયેલ પેન્‍શનની રકમમાંથી તબીબીભથ્‍થાંની ની રકમ તથા જો ગુજરનાર પેન્‍શનર ઉંમર આધારિત વધારાનું પેન્‍શન મેળવતા હોય તો તે રકમ તથા તેના પર મળવાપાત્ર મોંઘવારી ભથ્‍થાંની રકમ પણ બાદ કર્યા પછીથી મળવા પાત્ર થતી ચોખ્‍ખી રકમ જેટલી હોય છે તે રકમ સહિત આગામી માસનાં માસિક કુટુંબ પેન્‍શન સાથે બધી રકમ જમા કરી આપવામાં આવશે. તો મિત્રો,હવે પછી આપણે જયારે મળીશું ત્‍યારે કુટુંબ પેન્‍શનની રકમ કેવી રીતે અને કેટલી નક્કી થાય છે તે અંગે ચર્ચા કરીશું.

-નરેન્‍દ્ર વી.વિઠલાણી

મો. 98244 88667

નિવૃત્ત અધિક તિજોરી અધિકારી

પેન્‍શન ચુકવણા કચેરી

રાજકોટ

(12:10 pm IST)